પાકિસ્તાનની 4 લાખ હેકટર જમીન પર ખેતી કરવા સેનાએ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી
‘ઘાસ ખાઈને પણ અણુ બૉમ્બ બનાવીશું’ આ નિવેદન એક સમયે પાકિસ્તાન દ્વારા આપવામાં આવ્યું હતું. હથિયાર બનાવવા, યુદ્ધ લડવું, આતંકવાદને પ્રોત્સાહન આપવામાં હોતપ્રોત પાકિસ્તાનની પરિસ્થિતિ દિનપ્રતિદિન કથળતી જઈ રહી છે. યુદ્ધ લડીને વિશ્વ આખા પર રાજ કરી શકાશે તેવું માનતું આવતું પાકિસ્તાન હવે ભૂખમરામાં સંપડાયું છે. પાકિસ્તાનનું અર્થતંત્ર દેવાળિયું ફંકે તેવી સ્થિતિમાં મુકાઈ ગયું છે.
ત્રીજું વિશ્વયુદ્ધ જમીન પર નહીં પરંતુ અર્થતંત્રના આધારે લડાશે તે વાત નક્કી છે અને તેને ધ્યાને રાખીને ભારત અર્થતંત્રને ટનાટન બનાવવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે જ્યાં બીજી બાજુ ફકત યુદ્ધ-આતંકવાદને વળગી રહેનાર પાકિસ્તાન દેવાળિયું ફૂંકવાના આરે આવીને ઉભું છે. હાલ પાકિસ્તાનમાં અર્થતંત્રની કથળતી સ્થિતિને લઈને ખાદ્ય સામગ્રીનો ભાવ આસમાને પહોંચી ગયો છે અને તેના લીધે પાકિસ્તાની પ્રજા જ બળવો કરે તો નવાઈ નહીં. કાશ્મીર કબ્જે કરવાનું દુસ્વપ્ન જોનાર પાકિસ્તાનને પીઓકે ગુમાવવાનો વારો આવે તે દિવસો પણ હવે દૂર નથી.
આર્થિક સંકટથી પીડિત પાકિસ્તાનીઓને રાહત આપવા માટે પાકિસ્તાન સેનાએ હવે નવી કવાયત શરૂ કરી છે. આ માટે સેનાએ દેશમાં 10 લાખ એકરથી વધુ ખેતીની જમીન પર કબજો કરીને ખેતી કરવાની તૈયારી કરી રહી છે. નિક્કી એશિયાના એક અહેવાલ મુજબ પાકિસ્તાની સેનાએ ગરીબીથી પીડિત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે અને આ માટે સરકારી માલિકીની જમીનના મોટા ભાગ પર કબજો પણ શરૂ કરી દીધો છે. જો કે સેનાના આ પગલાથી ફરી એકવાર પાકિસ્તાનમાં સેનાના વધતા વર્ચસ્વને લઈને ચિંતા વધી ગઈ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2024થી એક નવું ખાદ્ય સુરક્ષા અભિયાન શરૂ કરવામાં આવશે અને આ કામ નાગરિક સૈન્ય રોકાણ સંસ્થા દ્વારા કરવામાં આવશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે યોજના અનુસાર સેના દિલ્હીથી લગભગ ત્રણ ગણો મોટો વિસ્તાર એટલે કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં લગભગ 10 લાખ એકર જમીન હસ્તગત કરશે. આ યોજનાને સમર્થન કરનારાઓનું માનવું છે કે આ પગલાને કારણે પાકિસ્તાનમાં પાકનું ઉત્પાદન સારું થશે અને પાણીની પણ બચત થશે.
નિક્કી એશિયાએ તેના અહેવાલમાં કહ્યું છે કે પાકના વેચાણથી થતા નફાના લગભગ 20 ટકા કૃષિ સંશોધન અને વિકાસ માટે રાખવામાં આવશે. જ્યારે બાકીનો ભાગ સેના અને રાજ્ય સરકાર વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. જો કે સેનાના આ પગલા પર ઘણા લોકોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે પાકિસ્તાનમાં સેના પહેલાથી જ ઘણી શક્તિશાળી છે. આવી સ્થિતિમાં ખાદ્ય સુરક્ષા અભિયાન દ્વારા જંગી નફો થઈ શકે છે અને તેના કારણે પાકિસ્તાનના કરોડો ગ્રામીણ ભૂમિહીન ગરીબોને ભારે નુકસાન થઈ શકે છે.
હાલમાં જ પાકિસ્તાનની આર્થિક સ્થિતિને લઈને એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે હાલમાં લગભગ 9 કરોડ લોકો ગરીબીથી પીડિત છે.