અપુરતો સ્ટાફ અને જરૂરી સામાનનાં અભાવે વીજ કર્મચારીની કામગીરીમાં સર્જાઈ છે ખામી
વિવિધ કારણોસર કામમાં ક્ષતિ રહી ગયા બાદ દોષનો ટોપલો વીજ કર્મચારીઓ ઉપર ઢોળી દેવાઈ છે: સુરતની ઘટનામાં વીજ કર્મીઓ પર દમન હજુ પણ યથાવત, ૧૫ દિવસમાં યોગ્ય પગલા નહીં લેવાય તો ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલનની ચીમકી
વીજ કંપનીઓમાં સ્ટાફની અછત અને અપુરતા સ્ટાફનાં કારણે વીજકર્મચારીઓની કામગીરીમાં અનેક વિક્ષેપો ઉભા થાય છે. જેથી દોષનો ટોપલો વીજ કર્મચારીઓ ઉપર ઢોળી દેવામાં આવતો હોય તેમજ સુરતની ઘટનામાં વીજકર્મીઓ ઉપર દમન હજુ યથાવત હોય આ મામલે વીજ કર્મચારીઓએ મુખ્યમંત્રીને રજુઆત કરીને ૧૫ દિવસમાં યોગ્ય પગલા નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
તાજેતરમાં સુરત ખાતે તક્ષશિલા બિલ્ડીંગ અગ્નિકાંડ દુર્ઘટનાનો બનાવ બનેલ જેમાં ૨૨ જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓ બાળકોનો ભોગ લેવાયેલ છે. બનાવ બાદ માનવવધનો ગુનો કરનાર સભ્ય સમાજનાં માલેતુજારો દ્વારા ગેરરીતીઓ આચરી ગુનેગાર ઠરેલ છે. સરકારનાં પોલીસ ખાતા દ્વારા તેઓની ધરપકડ કરી તપાસ કાર્યવાહી કરી હાલમાં જેલ હવાલે કરી ફોજદારી રાહે કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવેલ છે તે ખરેખર સરાહનીય કામગીરી સરકારની ગણી શકાય.
પરંતુ આ બનાવ બન્યા બાદ સમગ્ર રાજયભરમાં વીજ ક્ષેત્રે ફરજ બજાવી કામગીરી કરતાં વિજ કર્મચારીઓ પ્રત્યે રાજયનાં પ્રજાજનો અને સંસ્થાકીય કે બિનસંસ્થાકીય કાર્યકરો, રાજકીય કે બિન રાજકીય કાર્યકરો, અસામાજીક તત્વો દ્વારા છાશવારે અપશબ્દો, ધમકીઓ, મારઝુડ કરવી, અપમાન કરવુું, સરકારી વિભાગોનાં અધિકારીઓ દ્વારા લેખિત પત્રોથી ધમકીઓ આપવી અને વીજ કંપનીઓના મેનેજમેન્ટ દ્વારા ખાતાકીય કાર્યવાહીનાં શસ્ત્રો ઉગામી ડગલેને પગલે વીજ કર્મચારીઓને વિજ અકસ્માતોમાં સીધા જ જવાબદાર ઠેરવવાની ધમકીઓ આપી માનસિક તથા શારીરિક ત્રાસ આપવા તથા સમાજમાં પણ ગુનેગારની દ્રષ્ટિએ ગણી ધૃણાની નજરે જોવાથી વિજ કર્મચારીઓને પોતે તથા પરીવારનાં સભ્યોને જીવન નિર્વાહ કરવા, સમાજના વચ્ચે સામાજીક જીવન જીવવું મુશ્કેલ બનેલ છે.
દરેક વિજ કર્મચારીઓની ફરજનાં ભાગરૂપે રાજયનાં પ્રજાજનો અને રાજયનાં આર્થિક વિકાસમાં જરૂરી પાયાની સુવિધા પુરી પાડતા વીજળી ક્ષેત્રનાં વિજ સૈનિક બની એક લોકસેવકની ભૂમિકા ભજવતા હોય છે ત્યારે આવા વિજ સૈનિકો જે પોતાની જાનના જોખમે પોતાના પરીવારની ચિંતા કર્યા વગર સતત રાત-દિવસ અથાગ મહેનત કરી રાજયભરમાં ૨૪૭ કલાક સાતત્યપૂર્ણ અને ગુણવતાયુકત વિજ પુરવઠો પુરો પાડી ફરજ બજાવે છે ત્યારે આ વિજ કર્મચારીઓની ઘોર ઉપેક્ષા કરવી એ રાજય અને રાજયની પ્રજાના હિતમાં લાંબાગાળે નુકસાનકર્તા હોય તેવું માનવું છે.
સબ ડીવીઝન હેઠળ નાના વીજ કર્મચારીઓ ખુબ જ ટાંચા સંશાધનો, માલસામાન અને ખુબ જ ઓછા હયાત સ્ટાફથી નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી સતત રાત દિવસ અને વિષમ પરિસ્થિતિઓમાં ફરજ બજાવીએ છીએ. અમો સબ ડીવીઝનના મુખ્ય અધિકારીને તેના કાર્યક્ષેત્રમાં કામગીરીને પહોંચી વળવા માટે જરૂરી સ્ટાફની નવી જગ્યાઓ મંજુર કરવાની સતા અને નિમણૂક કરવાની સતાઓ આપવામાં આવેલ નથી, તેમજ રોજબરોજની વિજ નેટવર્કની મરામત કરવા તથા નવા વીજ નેટવર્કનું વિજસ્થાપન કરવા માટે જરૂરીયાત મુજબનો માલ સામાન ખરીદ કરવાની સતાઓ આપવામાં આવેલ નથી.
સુરત ખાતે જે બનાવ બનેલ છે તેમાં સરકારી ખાતા દ્વારા નિર્દોષ નાના કર્મચારીની ધરપકડ કરી જે શિક્ષાત્મક પગલાઓ લેવામાં આવેલ છે તેમાં તેમનાં પરીવારની હાલત કારકિર્દી અને સામાજીક ક્ષેત્રે ઘવાયેલ છે તેનું વર્ણન કરવું આ તકે અયોગ્ય છે, પરંતુ જે ખરેખર ગુનેગારો છે તે સમાજમાં ખુલ્લેઆમ ફરે છે અને નાના કર્મચારીઓને તથા તેના પરીવારને ધમકીઓ મળવાથી જીવન જીવવું દોહલુ બની ગયેલ છે. હાલમાં ડગલેને પગલે માનવ અધિકારના પંચનાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે અને નિર્દોષ કર્મચારીને ગુનેગાર ગણી સજા આપવાની ઈરાદાપૂર્વકની વ્યવસ્થિત કાર્યવાહી કરવામાં આવેલ છે અને હજુ પણ આવી જ પ્રવૃતિ કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરી નિર્દોષ વિજ કર્મચારીઓ પર દમન અને શોષણ કરવાની પ્રવૃતિ અવિરત ચાલુ જ છે. આ બાબતે હકારાત્મક અભિગમ રાખી ન્યાયનાં પક્ષે સામુહિત હિતોની સત્યતાની તપાસણી તટષ્ઠાથી કરી દિવસ-૧૫માં યોગ્ય કાર્યવાહી કરી ન્યાય અપાવશો તેવી અપેક્ષા અને વિશ્ર્વાસ છે, અન્યથા ન છુટકે અમો સર્વે વિજ કર્મચારીઓને ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલનાત્મક પગલા ભરવાની ફરજ પડશે.