સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પ્રદેશ પ્રમુખનો સરપંચો સાથે સંવાદ, કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓથી કર્યા માહિતગાર: વિપક્ષ પર આકરા પ્રહાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રવિવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રાજકોટમાં સરપંચો સાથે સંવાદ કર્યો હતો. પાટીલે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી. રાજકોટમાં સરપંચ સંવાદ અને મોરબી રોડ પર પેજ પ્રમુખ સાથેના સંવાદ કાર્યક્રમમાં સી.આર.પાટીલે કહ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારે ખેડૂતો અને સામાન્ય લોકોના હિતમાં અનેક યોજના અમલી બનાવી છે જે યોજનાઓ લોકો સુધી પહોંચવી જોઇએ.
સી આર પાટીલે સરપંચ સંવાદ કાર્યક્રમમાં સી આર પાટીલની સાથે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરત બોધરા, પૂર્વ મંત્રી જશુમતીબેન કોરાટ, જયંતિ કવાડિયા, સાંસદ મોહન કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયા, રા.લો. સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લાના અનેકવિધ યાર્ડના ચેરમેન, સહકારી ક્ષેત્રના આગેવાનો તેમજ જિલ્લાના અનેક ગામડાઓના સરપંચોએ હાજરી આપી હતી.
કાર્યક્રમમાં સી.આર. પાટીલે કહ્યું હતું કે, અમરેલીમાં મને એક સવાલ પૂછવામાં આવ્યો કે, કોંગ્રેસનું કહેવું છે કે, ભાજપની પેજ સમિતિએ અણુ બોમ્બ સમાન છે તે વિશે આપનું શું માનવું છે ?
જેના જવાબમાં મેં કહ્યું કે, કોંગ્રેસની વાત સાચી છે. ભાજપની પેજ સમિતિ અણુ બોમ્બ સમાન બિલકુલ છે પરંતુ કોંગ્રેસ માટે. આ બોમ્બ ફૂટશે અને કોંગ્રેસના સુપડા સાફ લરી દેશે.
મહિલાઓને જોડી પાંચ પેજ સમિતિ બનાવનાર મનિષાબેનની ‘બર્થ ક્ધફર્મ’
સરપંચ સંવાદ કાર્યક્રમમાં પેજ પ્રમુખ બનાવવાની શ્રેષ્ઠ કામગીરી કરનાર કેટલાક કાર્યકરોના પ્રદેશ પ્રમુખના હસ્તે સન્માન કરવામાં આવ્યા હતા. રાયડી ગામના મનિષાબેનને સન્માન માટે સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા તે વખતે મનિષાબેને સન્માન મેળવતી વખતે પ્રદેશ પ્રમુખ પાટીલના કાનમાં કહ્યું હતું કે,મારી ટિકિટનું ધ્યાન રાખજો. એ વખતે તો પાટીલે સ્મિત રેલાવ્યું હતું પરંતુ પોતાના પ્રવચનમાં એ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સન્માન કરતી વખતે મહિલાએ તેમનું ટિકિટ માટે ધ્યાન દોર્યું હતું, આવા કાર્યકરોનું ધ્યાન રાખજો, સારા કાર્યકર્તાઓની પક્ષને જરૂરિયાત છે.
‘શ્રેષ્ઠ કાર્યકર’નું કાર્યકરોને આહવાન: ચૂંટાયેલા પ્રતિનિધિ ધમકાવે તો મને ફરિયાદ કરજો
શ્રેષ્ઠ કાર્યકરની ઓળખ ધરાવતા સી.આર. પાટીલે કાર્યકર્તાઓને કહ્યું હતું કે, કોઇપણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધમકાવે કે અપમાન કરે તો સીધી જ મને ફરિયાદ કરજો. હું તાત્કાલિક પગલાઓ લેવડાવીશ. પાટીલે કહ્યું હતું કે,હું કોઈ પણ કાર્યકરનું અપમાન શાંખી નહીં લઉં. ભાજપ કાર્યકરોનો પક્ષ છે અને કાર્યકરોનું સન્માન જાળવી રાખવું જરૂરી છે. પાટીલની આ વાતથી કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા હતા અને થોડીવાર માટે તમામના ચહેરા પર હાસ્ય પણ ફરી વળ્યું હતું. પેજ પ્રમુખોને પાટીલે આગામી ચૂંટણીમાં એક એક ડેલી સુધી પહોંચવા કાર્યકરોને અપીલ કરી હતી.
જીવન જ્યોત યોજનાનો લાભ પ્રજાને મળે તેની જવાબદારી ભાજપના પ્રતિનિધિઓની : પાટીલ
સી. આર. પાટીલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ પ્રજાલક્ષી છે જે યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની જવાબદારી સૌ કાર્યકરોની છે. તેમણે આ તકે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંગે કહ્યું હતું કે, હાલના સમયમાં કયો રોગ ક્યારે આવે તેનું કઇ નક્કી હોતું નથી ત્યારે આકસ્મિક મૃત્યુ થતાં મૃતકના પરિવારને રૂ. ૨ લાખની સહાય મળે તેના માટે આ વીમા યોજના અમલી બનાવવામાં આવી છે. ફક્ત નાના પ્રીમિયમમાં મોટી સહાયની આ યોજના આપણે લોકો સુધી પહોંચાડવાની છે અને લોકોને આ યોજનાનો લાભ લેતા પણ કરવાના છે. આ તકે હું સાંસદ, ધારાસભ્ય અને કાર્યકરોને આહવાન કરું છું કે, આપ વધુમાં વધુ લોકોને આ યોજનાનો લાભ આપવો.