પદમાવતી ફિલ્મ 1 ડિસેમ્બરથી રિલિઝ થવાની છે. જો કે, તે પહેલા ફિલ્મમાં અલાઉદીન ખિલજીનું પાત્ર ભજવનાર ફિલ્મ સ્ટાર રણવીરસિંહે ટ્વીટ કરીને મહારાણી પદમાવતી સંદર્ભે જે જાહેરાત કરી છે તેનાથી રાજપુત સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. તેના ભાગરૂપે રાજકોટમાં કરણીસેના દ્વારા આજે સોરઠિયાવાડી સર્કલ પાસે આવેલા મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે એકઠા થઈને રણવીરસિંહના પૂતળાનું દહન કર્યુ હતું. પૂતળાનું દહન કરતા પહેલા પૂતળાને બૂટથી મારવામાં આવ્યું હતું.
કરણી સેનાના રાજભા ઝાલાએ કહ્યું હતું કે, સંજય લીલા ભણસાલીએ રાજપુત સમાજના શૌર્ય, સંસ્કૃતિ અને સાહસના પ્રતિક એવા મહારાણી પદમાવતીના જીવન પર ફિલ્મ બનાવી છે. પરંતુ, ફિલ્મમાં પદમાવતીના ઈતિહાસ સાથે છેડછાડ કરીને ક્ષત્રિય સમાજના સ્વાભિમાનને ઠેંસ પહોંચાડવાનો હિન પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે, ક્ષત્રિય સમાજના વિરોધ બાદ ફિલ્મમાં મહારાણી પદમાવતીના જીવન સાથે વણાયેલી ઘટના સિવાય અન્ય કંઈ પણ બતાવવાની બાંહેધરી આપી છે.