હજુ તો ફિલ્મ સેન્સર બોર્ડમાં ગઈ પણ નથી ત્યાં જ કરણી સેનાએ ૧લી ડિસેમ્બરે ‘ભારત બંધ’નું આપ્યું એલાન
ઈટસ હેપન ઓન્લી ઈન ઈન્ડિયા હજુ તો ફિલ્મ ‘પદ્માવતી’ સેન્સર બોર્ડમાં ગઈ પણ નથી ત્યાં જ કરણી સેનાએ આગામી તા.૧લી ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપી દીધું છે !!! મતલબ કે- ‘ભેંસ ભાગોડે ને છાશ છાગોડે’ જેવો ‘પદ્માવતી’નો ઘાટ થયો છે. કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડ (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સેન્સર/ સીબીએફસી)ના ચેરમેન પ્રસૂન જોશીએ પણ કહ્યું છે કે, ફિલ્મ પદ્માવતીને લઈને અત્યારથી આટલી હો હા હલ્લો ને હોબાળો અસ્થાને છે. કેમ કે હજુ તો ફિલ્મ સેન્સર બોર્ડમાં પણ ગઈ નથી.
ફિલ્મના પ્રોડયુસર ડાયરેકટર સંજય લીલા ભણસાલીએ પણ ખુલાસો કરી દીધો છે કે, ‘પદ્માવતી’માં રાણી પદ્મીની અને મહારાવલ રાજા રતનસિંહના દુશ્મન અલાઉદીન ખીલજી વચ્ચે કોઈ જ ડ્રીમ સીકવન્સ નથી જ નથી. આથી રાજપૂતોના ઈતિહાસ સાથે કોઈ ચેડા થયા છે તેવી દલીલ યોગ્ય નથી. તોડફોડ, પૂતળાદહન, નારેબાજી વિગેરે ઉતાવળીયુ પગલું છે. તેમણે અપીલ કરી કે સેન્સર બોર્ડ નિર્ણય લેશે. ફિલ્મમાં કાંઈ વાંધાજનક હશે તો બોર્ડે જ સામેથી કટ સૂચવશે. જે લોકોએ ફિલ્મ જ જોઈ નથી તેઓ પ્રતિબંધ મૂકવાની માગ કરી રહ્યા છે. જયપુરથી કરણી સેનાના લીડર લોકેન્દ્રસિંઘ કાલવિએ ૧લી ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપી દીધું છે.