બ્યૂટી વીથ બ્રેઈન મેવાડની રાણી પર ભણસાલીનું ભાવનાત્મક ‘કાવ્ય’
- કલાકારો:દીપિકા પડુકોન, રણવીર સિંઘ, શાહીદ કપૂર, આદિતી રાવ હૈદરી, રઝા મુરાદ, જીમ સરભ પ્રોડયુસર, ડાયરેકટર અને મ્યુઝિક: સંજય લીલા ભણસાલી
- ફિલ્મ ટાઈપ:પિરીયડ ફિલ્મ
- ફિલ્મની અવધિ:૨ કલાક ૪૪ મિનિટ
રેટિંગ ૫ માંથી ૪ સ્ટાર
સારા મસલા ખ્વાબો કા હૈ, સારા મસલા ખ્વાહિશો કા હૈ… ‘પદ્માવત’ની શ‚આતમાં જ અલાઉદ્દીન ખિલજીનો આ ડાયલોગ આવે છે અને તે જ આખી ફિલ્મનો સાર છે. ખિલજીનો આ ડાયલોગ પદ્માવતને લઈને વર્તમાન પરિસ્થિતિ છે તેને પણ લાગુ પડે છે.
ફિલ્મનું નામ ‘પદ્માવત’ (પદ્માવતી) છે પરંતુ આખી ફિલ્મ ખિલજીની સનક, જીદ્દીપણું અને ઝનૂન પર આધારીત છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મમાં એવું કંઈ જ નથી જે વિવાદ ઉભો કરે. ઈનફેકટ, રાણી પદ્માવતી અને ખિલજી વચ્ચે એકપણ દ્રશ્ય નથી. ઉલટાનું ફિલ્મમાં તો રાણી પદ્માવતીને બ્યૂટી વીથ બ્રેઈન એટલે કે ખૂબસુરત હોવા ઉપરાંત સૂઝબૂઝ ધરાવતી, પ્રેઝન્સ ઓફ માઈન્ડવાળી કૂટનીતિમાં માહિર બતાવી છે. પદ્માવતીના પાત્રને ખૂબ જ પોઝિટીવલી રજૂ કરાયું છે. પદ્માવતીના પતિ રાજા રતનસિંહ સાથે પણ એવા કોઈ દ્રશ્ય ફિલ્મમાં નથી જેનાથી કોઈની લાગણી દુભાઈ.
ફિલ્મમાં બધા કલાકારોનો પરફોમન્સ દમદાર છે પણ તમે જયારે ફિલ્મ જોઈને સિનેમાઘરની બહાર નીકળો ત્યારે માત્ર બે જ કલાકારોનો અભિનય તમારા દિમાગ પર દસ્તક દે તે ખિલજીના પાત્રમાં રણવીરસિંઘ અને રાણી પદ્મીનીના પાત્રમાં દીપિકા પડુકોન. રાજા રતનસિંહના પાત્રમાં શાહીદ કપૂર ત્રીજા ક્રમે છે. આ સિવાય ‘નીરજા’ ફેમ જીમ સરભ અને રઝા મુરાદ, અદીતી રાવ હૈદરી વિગેરેની ભૂમિકા પણ દમદાર છે.
મેવાડ અને ચિતોડના ઈતિહાસને સંજય લીલાએ આન બાન શાનથી દર્શાવ્યો છે. ખાસ કરીને રાણી પદ્માવતી ખિલજીની ખ્વાહિશોને તાબે થવાના બદલે “જૌહર કરે છે તે દ્રશ્ય ફિલ્મનો માસ્ટર સ્ટ્રોક છે.
મેવાડનો મહેલ અને યુધ્ધના દ્રશ્યો વીએફએકસ ટેકનિકથી ફિલ્માવાયા છે. આમ છતાં ફિલ્મના દ્રશ્યોમાં ક્યાંય નાટકીયપણુ લાગતું નથી. સાચે જ આપણે આપણો ભવ્ય ઈતિહાસ નરી આંખે જોતા હોઈએ તેમ લાગે છે. ફિલ્મનું મ્યુઝિક ખુદ સંજય લીલા ભણસાલીએ તૈયાર કર્યું છે. તેમાં તેમની માસ્ટરી છે. તેઓ કર્ણપ્રિય મ્યુઝિક આપી શકયા છે. ઘૂમર સોંગ તો શ‚આતથી જ લોકપ્રિય થઈ ચૂકયું છે. ફિલ્મ પદ્માવતમાં દીપિકા, રણવીર, શાહીદનો દમદાર અભિનય ઉપરાંત ભવ્ય સેટ, જાજરમાન વસ્ત્રો, ઘરેણાઓ, પ્રાચીન હથિયારો વિગેરેનું પ્રદર્શન છે. ફિલ્મના ડાયલોગ તાકાતવાળા છે.