કરો ગે યાદ તો હર બાત યાદ આયેગી…
કભી કભી અને ઉમરાવ જાન જેવી ફિલ્મમાં સંગીત આપી લોકોને કર્યા હતા મંત્રમુગ્ધ
બોલિવૂડના પ્રખ્યાત સંગીતકાર ખય્યામનું સોમવારના રોજ મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તેમના મૃત્યુનુ કારણ આર્ડિએક અરેસ્ટ જણાવવામાં આવ્યું છે. ખય્યામ ૯૨ વર્ષના હતા અને ખરાબ તબિયતના કારણે કેટલાંક દિવસો પહેલા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લંગ ઈન્ફેક્શન અને વધુ ઉંમરના કારણે તેમનું શરીર નબળુ પડી ગયું હતું. તેઓ ૨૧ દિવસથી હોસ્પિટલમાં હતા. ખય્યામના નિધનના સમાચાર સાંભળીને લતા મંગેશકરે શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે મહાન સંગીતકાર અને ખૂબ સાફ દિલના વ્યક્તિ ખય્યામ સાહબ આજે આપણી વચ્ચે નથી રહ્યા. આ સાંભળીને મને ખૂબ દુ:ખ થયું છે. ખય્યામ સાહેબની સાથે સંગીતના એક યુગનો અંત આવ્યો છે.
ખય્યામ સાહબે ઘણી સફળ બોલિવૂડ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું કે જેમાં ઉમરાવ જાન, કભી કભી, નૂરી, બાઝાર અને રઝિયા સુલતાન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૧માં ખય્યામ સાહબને પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. માત્ર ૧૭ વર્ષની ઉંમરે મોહમ્મદ ઝહુર ખય્યામ હાશમીએ સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ખય્યામ સાહબે તાલબદ્ધ કરેલા ગીતો આજે પણ લોકો યાદ કરે છે.
ખય્યામ સાહબને કભી કભી તેમજ ઉમરાવ જાન ફિલ્મમાં સંગીત આપવા માટે ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો અને આ સિવાય વર્ષ ૨૦૦૭માં ખય્યામ સાહબને સંગીત નાટક અકાદમી એવોર્ડ મળ્યો હતો. વર્ષ ૧૯૮૧માં આવેલી ફિલ્મ ઉમરાવ જાનમાં સંગીત આપવા માટે તેઓને બેસ્ટ મ્યુઝિકનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.