૯૬ વર્ષની જૈફ વયે પણ આર્ય સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે: એમ.ડી.એચ. પાસે ૬૨ જાતની પ્રોડકટસ ૧૫૦ જેટલા પેકેટમાં ઉપલબ્ધ
ભારતના જાણીતા ઉધોગઋષી, પદ્મભુષણ એવોર્ડથી સન્માનીત ધર્મપાલજી ગુલાટી (ચેરમેન, એમ.ડી.એચ.મસાલા)ની રાજકોટ ખાતે ટુંકી મુલાકાતે આવ્યા હતા. પોતાના પારીવારીક સ્વજન અને રાજકોટના જાણીતા વ્યાપારી અગ્રણી ધમેન્દ્રભાઈ કકકડને ત્યાં આવેલા ધર્મપાલજી ગુલાટી ૯૬ વર્ષની જૈફ વયે પણ દિલ્હી આર્ય પ્રતિનિધી સભા, સમગ્ર ભારતની આર્ય સંસ્થાઓ વિગેરેના માધ્યમથી અનેકવિધ ધાર્મિક, સામાજીક, શૈક્ષણિક, મેડિકલ, સાંસ્કૃતિક સેવા સંસ્થાઓ સાથે તન, મન, ધનથી સંકળાયેલા છે. ૯૬ વર્ષના ધર્મપાલજી દરરોજ નિયમીત આહારની સાથે સાથે વોકિંગ, પ્રાણાયામ, યોગાસન, સમય સુવું અને સમયસર જાગવું સહિતની આદર્શ દિનચર્યાનું પાલન કરે છે અને આટલી જૈફ વયે પણ સવારથી સાંજ સુધી પોતાના વ્યવસાય અને સેવા સંસ્થાઓમાં સતત સક્રિય રહે છે.
ધર્મપાલજી સાથે સૌરાષ્ટ્રના મીડિયા જગતના વૈચારીક આદાન-પ્રદાન માટે પત્રકાર પરીષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મપાલજી ગુલાટી ભારતની દાયકાઓ જુની અને મસાલાના ક્ષેત્રે ખુબ પ્રખ્યાત એમ.ડી.એચ. બ્રાન્ડના ચેરમેન છે. ૧૭ માર્ચ-૧૯૨૩ના રોજ શીયાલકોટ (હાલ: પાકિસ્તાન)માં જન્મેલા ધર્મપાલજીના પિતા ચુનીલાલજી પણ શીયાલકોટમાં મસાલાના વેપારી હતા. નાનપણથી જ વ્યાપારના લોહીમાં મળેલા વારસાને લઈને ધર્મપાલજી પોતાના વારસાગત ધંધામાં પિતા સાથે જોડાઈ ગયા. તેઓએ પોતાનો મસાલાનો વારસાગત ધંધામાં કિસ્મત અજમાવવાનું મુનાસીબ સમજયું. તેમની નિષ્ઠા, પુરુષાર્થ, સિઘ્ધાંતો અને અનુભવે એમ.ડી.એચ.મસાલા બ્રાન્ડને માર્કેટમાં લીડરનું સ્થાન અપાવ્યું. આજે તો એમ.ડી.એચ. બ્રાન્ડ સમગ્ર ભારતમાં એક સરખી ગુણવતા અને સ્વાદ સાથે પ્રખ્યાત છે. એમ.ડી.એચ. પાસે ૬૨ જાતની વિવિધ પ્રોડકટસ, ૧૫૦ જેટલા જુદા જુદા પેકેજમાં ઉપલબ્ધ છે. ભારત સરકારનો અતિ પ્રતિષ્ઠિત આઈ.ટી.આઈ.ડી. કવોલીટી એકસલન્સ એવોર્ડ પણ તેમને મળ્યો છે. કર્ણાટકના મહામહિમ રાજયપાલ દ્વારા તેમને રીડર ડાયજેસ્ટ મોસ્ટ ટ્રેસ્ટેડ પ્લેટીનમ એવોર્ડ-૨૦૦૮ પણ પ્રાપ્ત થયો છે. હવે તો યુરોપમાં પણ આર્ક ઓફ યુરોપ તરીકે એમ.ડી.એચ.મસાલા ઘરે ઘરે જાણીતું બન્યું છે.
ધર્મપાલજીએ પોતાનું મહતમ જીવન સમાજની સેવામાં આપેલું છે. ૭૦થી વધુ સંસ્થાઓ ધર્મપાલજી તન, મન, ધનથી સંકળાયેલા છે અને ૧૦૦ જેટલી સંસ્થાઓના તેઓ મોભી છે. આ અંગે પત્રકાર પરીષદમાં ધર્મપાલજી સાથે ખાસ દિલ્હીથી આવેલ સુરેશચંદ્ર આર્ય (પ્રમુખ, સર્વદેશીય આર્ય પ્રતિનિધી સભા), પ્રેમ અરોરાજી (એમ.ડી.એચ.), વિનીય આર્ય (દિલ્હી આર્ય સમાજ), અજય સહેગલ (મંત્રી, ટંકારા ટ્રસ્ટ) તેમજ ધર્મેન્દ્રભાઈ કકકડ જોડાયા હતા. પત્રકાર પરીષદનું સંચાલન મિતલ ખેતાણીએ કર્યું હતું.