પદ્મશ્રી ડો. તેજસ પટેલ, પદ્મ શ્રી ડો. સુધીર શાહ, ડો. નાગપાલ સાહેબ સહિત ૪૦ થી વધુ વિશ્વવિખ્યાત તબીબોને ભાજપાનો ખેસ પહેરાવી વિધિવત્ રીતે ભાજપાના સભ્ય બનાવ્યા હતા. આ તકે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, દેશ આગળ વધી રહ્યો છે, બદલાઇ રહ્યો છે આજે દેશનો દરેક નાગરિક તેની અનુભૂતિ કરી રહ્યો છે. ગુજરાતના બે પનોતા પુત્રો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં આજે દેશ વૈશ્વિક સ્તરે ઉંચાઇ હાંસલ કરી રહ્યો છે અને તેમના નેતૃત્વથી પ્રેરણા લઇને દેશના કરોડો નાગરિક ભાજપાની વિચારધારા સાથે જોડાઇ રહ્યા છે ત્યારે દર્દી માટે ભગવાન સ્વરૂપ એવા દેશ-વિદેશમાં વિખ્યાત તબિબો કે જેઓએ પોતાની જાત દર્દીનારાયણની સેવા માટે સમર્પિત કરી દીધી છે, સમાજમાં મુઠી ઉંચેરું સ્થાન ધરાવતા નામાંકિત તબીબો આજે ભાજપા પરિવારનો હિસ્સો બની રહ્યા છે ત્યારે અમો સૌ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.
૧૯૯૫ થી સતત ગુજરાતની જનતાએ ભાજપા પર ભરોસો રાખી અવિરત પ્રેમ વરસાવ્યો છે. ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ સતત છઠ્ઠીવાર ભાજપાનો વિજય ત્યારબાદ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં પણ સતત બીજીવાર તમામ ૨૬ બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય અપાવ્યો છે જે સમગ્ર જનતાનો ભાજપા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. આ પ્રસંગે પદ્મશ્રીથી સન્માનિત અને વિશ્વવિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ ડો. તેજસ પટેલે જણાવ્યુ હતુ કે, આઝાદીના સંઘર્ષ સમયે ગુજરાતની ધરતીના સપૂત શ્રી મહાત્મા ગાંધી અને શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જોડીએ સમગ્ર દેશને નેતૃત્વ પુરું પાડ્યુ હતુ અને દેશને આઝાદી અપાવી હતી અને આજે ગુજરાતના પનોતા પુત્રો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દેશને નિર્ણાયક નેતૃત્વ પુરું પાડી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ૭૦ વર્ષ જુના પ્રશ્નનું નિરાકરણ સચોટ રાજકીય સુઝબુઝથી અતિસરળતાથી ગુજરાતની મોદી-શાહની જોડી લાવી છે. ગુજરાતની ધરતીમાં આજે પણ સત્વ અને જોમ છે. ગુજરાતની ધરતીના પુત્ર હોવાનો મને અનહદ આનંદ છે.