મેયર ડો. પ્રદિપ ડવ, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા સહિત અગ્રણીઓએ પુષ્પગુચ્છ આપી કર્યુ ભાવભર્યુ સ્વાગત
સોમનાથ ખાતે આજથી પ્રારંભ થનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અનુલક્ષીને મદુરાઈ થી સોમનાથ જતી ટ્રેનમાં 300 થી વધુ સૌરાષ્ટ્ર તમિલિયન લોકો રાજકોટ રેલવે સ્ટેશન આવી પહોંચતા તેઓનું મેયર ડો. પ્રદીપભાઈ ડવ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, કલેકટર પ્રભવ જોશી સહિતના મહાનુભાવો એ કાઠીયાવાડી પરંપરા મુજબ તેઓને પુષ્પગુચ્છ આપી, હાર પહેરાવી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે રંગબેરંગી છત્રીઓ સાથે ઢોલ અને શરણાઈઓના તાલે સૌરાષ્ટ્ર તમિલિયન પ્રવાસી લોકો કોચમાંથી બહાર આવીને જુમ્યા હતા. તેમજ ચાની ચૂસ્કી પણ લગાવી હતી.
મદુરાઈ થી ઉપડેલી ખાસ ટ્રેન જ્યારે ગુજરાતમાં પ્રવેશી ત્યારે સુરત, વડોદરા, અમદાવાદ, સુરેન્દ્રનગર તેમજ રાજકોટ ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાતા પ્રવાસીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી જણાવ્યું હતું કે , અમને ગુજરાતમાં આવી ખૂબ જ આનંદ થયો છે. અમારું ઠેર ઠેર લાગણી પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે . તમિલનાડુ થી 150 જેટલા વિદ્યાર્થીઓ પણ ગુજરાતમાં પ્રથમવાર આવતા તેઓ આ પ્રવાસથી ખુશ ખુશાલ જણાતા હતા. તેઓની સાથે આવેલ ક્ધવીનર એ.આર મહાલક્ષ્મી એ આ તકે પ્રસન્નતા સાથે જણાવ્યું હતું કે અમે અમારા વતન સાથે પુન: જોડાવા જઈ રહ્યા છીએ જેની અમને ખૂબ જ ખુશી છે. જ્યારે તમિલનાડુથી આવેલ શિક્ષક કેશવ તેમજ ધંધાથી સતીશ સહિતના લોકો રાજકોટ રેલવે સ્ટેશન એ તેઓને મળેલ માન સન્માનથી ખુબ ખુશ થયા હતા. તેમજ તેમણે આ તકે સૌરાષ્ટ્ર સાથે ફરી જોડાવાની તક આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનો ખુબ આભાર માન્યો હતો
રાજકોટ રેલવે સ્ટેશન ખાતે પ્રવાસીઓને આવકારવા પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, ભાજપ મહામંત્રી કિશોરભાઈ ડોડીયા, પ્રાંત અધિકારી સંદીપ વર્મા, જિલ્લા રમત ગમત અધિકારી વીપી જાડેજા, રેલ્વેનાએ ડી આરએમ ગોવિંદ પ્રસાદ સૈનિ, તેમજ એસીએમ વી ચંદ્રશેખર, મહિલા મોરચાના અગ્રણીઓ તેમજ શહેર ભાજપના અગ્રણીઓ રેલ્વે સ્ટેશન ખાતે પ્રવાસી આમંત્રિતોનું ભાવભીનું નું સ્વાગત કર્યું હતું
તમીલ સંગમથી સૌરાષ્ટ્ર અને તમિલને જોડવાની કલ્પના સાકાર થઈ: રમેશભાઈ ટીલાળા
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું કે, તમિલ સંગમ ની પ્રથમ ટ્રેન તમિલનાડુ થી સોમનાથ જતી હતી ત્યારે રાજકોટ ખાતે તેનું સ્વાગત કરવા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો હાજર રહ્યા છે. સૌરાષ્ટ્ર અને તામિલને જોડવાની જે કલ્પના હતી તે આજે સાકાર થઈ છે. આનો પૂરેપૂરો શ્રે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને આપવી અને તેમના વિઝનને આગળ ધપાવવા માટે અમે સૌ ઉત્સાહભેર કાર્ય કરીશું.દસ દિવસ સુધી ટ્રેન આવવાની છે.ત્યારે તેમનું સ્વાગત કરવા બોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે.
રાજકોટમાં ભવ્ય સ્વાગતથી અભિભૂત થયા:ગોપીનાથ
તમિલ સંગમ ટ્રેનના મુસાફર ગોપીનાથે જણાવ્યું કે,મૃદુરાઈથી સોમનાથ જતી તમિલ સંગમ ટ્રેનમાં અમેં મુસાફરી કરતા સમયે રાજકોટમાં ખૂબ ઉષ્માભેર અમારું સ્વાગત કરવામાં આવ્યું હતું.સ્વાગતથી અમે અભિભૂત થયા તેમજ આનંદની લાગણી અનુભવી છે. ઉષ્માભેર સ્વાગત અને પ્રેમની લાગણીઓથી આખું તમિલનાડુ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે.
ગુજરાત અતિથિ દેવો ભવ: ની તમિલ સંગમ ટ્રેનના મુસાફરો લાગણી અનુભવી: મેયર ડો.પ્રદીપ ડવ
મેયર ડો.પ્રદીપભાઈ ડવે જણાવ્યું કે,1200 વર્ષથી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને સભ્યતા તમિલનાડુમાં જીવંત રાખતા સૌરાષ્ટ્રના ભાઈઓ તેમના માત્ર વતન આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદિના વિઝન અને માર્ગદર્શન હેઠળ તમિલ સંગમનું ભવ્ય આયોજન કરી તમિલનાડુ અને સૌરાષ્ટ્રની સભ્યતાને એકમેક કરી છે. આ પહેલ શરૂ કરવામાં આવી છે.તમિલ સંગમએ ઐતિહાસિક સંગમ કહી શકાય.તમિલ સંગમની પ્રથમ ટ્રેન રાજકોટ ખાતે આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીના દરેક પદાઅધિકારો અને સભ્યોએ ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યું છે.
તમિલ સંગમ ટ્રેનનું ઉષ્માભેર સ્થાનિકોએ સ્વાગત કર્યું: કલેકટર
રાજકોટ કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે, મુદુરાઈ થી સોમનાથ જતી તમિલ સંગમ ટ્રેનનું રાજકોટ ખાતે સ્થાનિકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું. તમિલ સંગમથી એકબીજાની સંસ્કૃતિની આદાન-પ્રદાન થશે સાથોસાથ એકતાનું બહુ મોટું પ્રતીક કહી શકાય એવા વિઝનથી કાર્ય થયું છે સ્થાનિકોમાં ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ભાતીગળ સંસ્કૃતિ અને સૌરાષ્ટ્રની પરંપરાગત રીતે તમિલ સંગમ ટ્રેનના મુસાફરોનું સ્વાગત કરવામાં આવ્યું જેની આનંદની લાગણીઓ અનુભવી છે.
હવાઈ માર્ગે આવતા સૌરાષ્ટ્રીયન તામિલોને ઉમળકાભેર આવકાર
સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમિલનાડુથી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ-મદુરાઇના પ્રતિનિધિઓ હવાઈમાર્ગે રાજકોટ પધાર્યા હતા. અહીં તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કમલેશ જોશીપુરા, પૂર્વ મેયર ડો. ભાવના જોશીપુરા, પૂર્વ પ્રો.વી.સી. કલ્પક ત્રિવેદી, રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ઉમેશ રાજ્યગુરુ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી નૌતમ બારસિયા તેમજ અન્ય ડાયરેક્ટરો, વરીષ્ઠ ધારાશાસ્ત્રી ગીરીશ ભટ્ટ, પ્રશાંતભાઈ જોશી, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના હોદ્દેદારો રાજેન્દ્રભાઈ દવે, સંજયભાઈ પંડ્યા, આનંદભાઈ ચૌહાણ, વરિષ્ઠ વ્યાપારી અગ્રણી લલીતભાઈ પટેલ, બાલાભાઈ પોપટ વગેરે તમામ મહેમાનોને સહૃદય આવકાર્યા હતા.
આ તકે અનૌપચારિક મિલન સમારોહ પણ યોજાયો હતો. જેમાં રાજકોટની ટીમ વતી ડો. કમલેશ જોશીપુરાએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમમથી બંને રાજ્યો વચ્ચેના સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે. સમગ્ર રાજકોટ વતી સૌરાષ્ટ્રીયન તમિલ મહેમાનોને આવકારતા મેયર પ્રદીપભાઈ ડવએ કહ્યું હતું કે, ભગવાનશ્રી કૃષ્ણ અને ગાંધીજીની ભૂમિ પર આપનું સ્વાગત છે. સૌરાષ્ટ્ર અને તમિલનાડુનો સંબધ ખૂબ જૂનો છે ત્યારે આપના જ રાજ્ય અને ભૂમિ પર આપ સૌને આવકારીએ છીએ.આ અવસરે તમિલ મહેમાનોએ પોતાના પ્રાંતની પરંપરાગત શાલ ઓઢાડીને મેયર તેમજ અન્ય મહાનુભાવોનું સન્માન કર્યું હતું.
આ મિલન સમારોહ દરમિયાન રાજકોટ અને સવિશેષ રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત તેમજ તમિલનાડુ વચ્ચે વ્યાપાર અને ઔદ્યોગિક ક્ષેત્રે આદાનપ્રદાન તેમજ સંયુક્ત વ્યાપારની તકો વિશે ચર્ચા કરવામાં આવી હતી.