- જામનગરમાં બપોરે આગમન, ભવ્ય રોડ-શો બાદ જાહેર સભા સંબોધશે: રૂા.1448 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મૂહુર્ત: આવતીકાલે રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં વિશાળ જનસભા: દોઢ લાખથી વધુની મેદની ઉમટી પડવાની સંભાવના: 19મીએ ફરી પીએમ રાજકોટની મૂલાકાતે આવશે
- ભરૂચના જંબુસરમાં રૂા.2500 કરોડના ખર્ચે નિર્માણ પામનારા રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્કનું કર્યું ભૂમિ પુજન: રૂા.8200 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગઇકાલથી ત્રણ દિવસ માટે માદરે વતન ગુજરાતની મૂલાકાતે આવ્યા છે. ગઇકાલે તેઓએ મહેસાણામાં 2890 કરોડથી પણ વધુના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કર્યું હતું. મોઢેરા ગામને ભારતનું પ્રથમ સોલાર પાવર્ડ વિલેજ જાહેર કર્યું હતું. દરમિયાન આજે સવારે પીએમ દ્વારા ભરૂચમાં ગુજરાતના પ્રથમ એવા સર્વ સુવિધા મુક્ત બલ્ક ડ્રગ્સ પાર્કના ભૂમિ પુજન સહિત રૂા.8200 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. આજે બપોરથી પ્રધાનમંત્રી બે દિવસ માટે ગુજરાતના મહેમાન બનશે.
બપોરે તેઓ જામનગર આવી પહોંચશે જ્યારે જાજરમાન રોડ-શો કરશે, જંગી જાહેર સભાને સંબોધશે અને સૌની યોજના અંતર્ગત લીન્ક-3ના પેકેજ-7નું લોકાર્પણ સહિત વિવિધ 1448 કરોડના કામોનું લોકાર્પણ તથા ખાત મુહુર્ત કરશે. આવતીકાલે તેઓ રાજકોટ જિલ્લાના જામ કંડોરણા ખાતે એક જંગી જાહેર સભાને સંબોધશે. જેમાં અંદાજે દોઢ લાખથી પણ વધુની મેદની ઉમટી પડે તેવી સંભાવના છે. દરમિયાન આગામી 19મીએ ફરી પીએમ રાજકોટની મૂલાકાતે આવી રહ્યા છે. આજે પીએમ રાત્રી રોકાણ પણ જામનગર ખાતે કરશે.
ગુજરાત પ્રવાસના બીજી દિવસે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચમાં રૂ.8200 કરોડથી વધુના વિકાસકાર્યો અને પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ભરૂચના જંબુસરમાં રૂ.2500 કરોડથી વધુના ખર્ચે રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું નિર્માણ થશે. આ સાથે જ પીએમ વિવિધ ઔદ્યોગિક પાર્ક અને ઈન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ, 4 ટ્રાઇબલ પાર્ક, 1 એગ્રો પાર્ક, 1 સી-ફૂડ પાર્ક, 1 ખજખઊ પાર્ક અને 2 બહુ-સ્તરીય ઔદ્યોગિક શેડનું ભૂમિપૂજન, ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટ, ૠઅઈકના ચાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, અંકલેશ્વર એરપોર્ટ-ફેઝ-1 નું ઉદ્ઘાટન, ભરૂચ ભૂગર્ભ ગટર અને જઝઙ ના કામોનું લોકાર્પણ, ઉમલ્લા અશા પાણેથા રોડ મજબૂતીકરણ અને ઈંઘઈક દહેજ કોયલી પાઈપલાઈનના ઉદ્ઘાટન જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
રાજ્યમાં હાલમાં એક્ટિવ ફાર્મા ઈન્ગ્રિડિયન્ટ જેમકે સેફાલોસ્પોરીન્સ, સ્ટેરોઇડ્સ, ઈનઓર્ગેનિક સોલ્ટ, પ્રોટોન પંપ ઈહિબીટર્સ, પીડાનાશક, એન્ટિપ્રાયરેટિક્સ અને પેરાસીટામોલ, ડીક્લોફેનાક સોડિયમ, એસેક્લોફેનાક, આઇબુપ્રોફેન, એન્ટિ-હાયપરટેન્સિવ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-વાયરલ દવાઓ બનાવવામાં આવે છે, પરંતુ આમાંની મોટાભાગની મુખ્ય પ્રારંભિક સામગ્રીની આયાત કરવામાં આવે છે. આ પ્રોજેક્ટથી સપ્લાય ચેઈન સરળ થશે, સાથે જ આયાતની અવેજી માટેનો માર્ગ મોકળો થશે અને ભારત બલ્ક ડ્રગ માટે આત્મનિર્ભર બનશે.
ભરૂચમાં પણ આ તમામ ઔદ્યોગિક ક્ષેત્રોને પ્રોત્સાહન મળે અને તેના માટે જાગૃતિ આવે તે માટે વિવિધ ઔદ્યોગિક પાર્કનું નિર્માણ આગામી સમયમાં થશે. જેમાં એગ્રો ફૂડ પાર્ક, 4 ટ્રાઈબલ ઔદ્યોગિક પાર્ક, સીફુડ પાર્ક અને એમએસએમઈ પાર્કનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન આમોદમાં કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કર્યા બાદ આણંદમાં જાહેરસભા સંબોધી હતી. અમદાવાદમાં નિરમા યુનિવર્સિટી સામે મોદી સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તેઓ બપોરે 4 કલાકે જામનગર શહેરમાં આવી પહોંચશે. જામનગર ખાતે તેઓ દિગ્જામ સર્કલથી પાટલોટ બંગલા સુધીના વિસ્તારમાં એક જાજરમાન રોડ-શો કરશે અને નાગરિકોનું અભિવાદન ઝીલશે. રોડ-શો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન દ્વારા જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એક જંગી જાહેરસભાને સંબોધશે અને રૂા.1448 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરશે.
જામનગરમાં વડાપ્રધાનના હસ્તે રૂા.729.15 કરોડના ખર્ચે 104.16 કિ.મી. લંબાઇની પાઇપલાઇન 11 જળાશયોને જોડતી સૌની યોજનાની લીન્ક-3 પેકેજ-7નું લોકાર્પણ રૂ.176.89 કરોડના ખર્ચ ઉત્કૃષ્ઠ ઇજનેરી ટેકનોલોજીથી તૈયાર થયેલી હરીપર 40 મેગાવોટ સોલાર પી.વી. પ્રોજેક્ટનું લોકાર્પણ અને રૂા.314.69 કરોડના ખર્ચે આશરે 66 કિ.મી. લંબાઇની પાઇપલાઇન અને 10 જળાશયોને જોડતી સૌની યોજના લીંક-1 પેકેજ-5નું લોકાર્પણ કરવામાં આવશે. રૂ.39.24 કરોડની કાલાવડ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત, રૂ.107 કરોડના ખર્ચે બનનારા લાલપુર બાયપાસ તથા હાપા માર્કેટીંગ યાર્ડ રેલવે ઓવરબ્રિજનું ખાતમુહુર્ત, મોરબી-માળીયા જોડિયા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત અને રૂા.56 કરોડના ખર્ચ નિર્માણ પામનારી અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક તથા પમ્પીંગ મશીનરી રિફવીર્ડ વર્કનું ખાત મુહુર્ત કરવામાં આવશે. વડાપ્રધાન આજે રાત્રિ રોકાણ પણ જામનગર ખાતે જ કરવાના હોય ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જામનગરનો સાત સર્કલથી ટાઉન હોલ સુધીનો રસ્તો 27 કલાક માટેનો એન્ટ્રી જાહેર કરાયો છે.
દરમિયાન આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સવારે 11 વાગ્યે જામનગરથી હેલીકોપ્ટર દ્વારા જામકંડોરણા પહોંચશે. અહી કુમાર છાત્રાલય ખાતે જંગી જાહેર સભાને સંબોધશે. જેમાં અંદાજે દોઢ લાખથી વધુની મેદની ઉમટી પડશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત આખુ મંત્રી મંડળ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત આખુ સંગઠન માળખુ જામનગરમાં જ્યારે આવતીકાલે જામકંડોરણામાં હશે.
જામકંડોરણામાં દિવાળીના એક પખવાડીયા પૂર્વ જ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દોઢ લાખ લોકોના જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
કાલે લલિત વસોયા કેશરીયા કરશે…?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના પાંચ જેટલા ધારાસભ્ય ભાજપમાં જોડાય તેવી સંભાવના જણાય રહી છે.આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ જિલ્લના જામકંડોરણાની મુલાકાતે આવિ રહ્યા છે.તેઓની ઉપસ્થિતમાં ધોરાજી-ઉપલેટાના કોંગી ધારાસભ્ય લલીતભાઈ વસોયા ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે.જો કે,લલિતભાઈ વારંવાર એક જ નિવેદન આપી રહ્યા છે કે પોતે કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં જ રહેશે. ભાજપમાં જવાના નથી. બીજી તરફ જે રીતે છેલ્લા ઘણા સમયથી લલિતભાઈ ભાજપના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે.તે જોતા એવું લાગી રહ્યું છે કે તેઓ ગમે ત્યારે કેશરીયા કરી લેશે. જો આવતી કાલે વસોયાએ પીએમના હસ્તે ભાજપનો ખેસ પહેરવો હોય તો આજે સાંજ સુધીમાં ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દેવું પડે.બીજી તરફ એવી પણ વાતો ચાલી રહી છે કે લલિતભાઈ આવતીકાલે નહીં પરંતુ આગામી 19મી ઓક્ટોબરના રોજ જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી રાજકોટની મુલાકાતે આવવાના છે ત્યારે ભાજપમાં જોડાશે.
જામકંડોરણામાં પીએમ મોદીની અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ
આઇજીથી લઇ કોન્સ્ટેબલ સહિત 1285 પોલીસ સ્ટાફ ત્રિસ્તરીય બંદોબસ્તની જવાબદારી સંભાળશે: જામકંડોરણાને જોડતા તમામ હાઇ-વે પર ચેક પોસ્ટ ઉભી કરાઇ: બે ક્વિક રીસ્પોન્સ ટીમ, ચેતક કમાન્ડોની ચાર ટીમ, એન્ટી મોરચાની છ ટીમ સહિતના સ્ટાફનું આજે રિહર્સલ
વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારને વેગવંતો બનાવવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે જામકંડોરણાના કુમાર છાત્રાલયના 40 વિઘા વિશાળ મેદાનમાં જાહેર સભાને સંબોધવા આવી રહ્યા છે. જાહેર સભામાં અંદાજે બે લાખ જેટલી માનવ મેદની ઉમટી પડે તેવી ધારણા સાથે રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહ અને જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા વડા પ્રધાનની ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષા વ્યવસ્થામાં એક આઇજી, સાત એસપી કક્ષાના પોલીસ અધિકારી, 13 ડીવાય.એસ.પી., 30 પોલીસ ઇન્સ્પેકટર, 101 પીએસઆઇ, એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેલ, હોમગાર્ડ અને જીઆરડી મળી કુલ 1285 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાવાના છે. વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના બંદોબસ્ત ત્રિસ્તરીય ગોઠવવામાં આવ્યો છે.83 ડીએફએમડી, 13 એચએચએમડી, 130 વોકીટોકી, 12 બેગેઝ સ્ક્રેનર ગોઠવવામાં આવ્યા છે. સભામાં પ્રવેશ કરતા તમામનું સ્ક્રેનીંગ કરવામાં આવશે અને ફ્રીકસીંગ કર્યા બાદ જ સભામાં પ્રવેશ આપવામાં આવશે, સભા સ્થળે પોલીસનો ખાસ કંટ્રોલ રૂમ અને સીસીટીવી કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બે ટીમ ક્વિક રિસ્પોન્સ, ચાર ટીમ ચેતક કમાન્ડો, છ ટીમ એન્ટી મોરચા સ્કવોર્ડ, સભા સ્થળે ચાર ટીમ બીડીડીએસ અને સ્નેફર ડોગ સાથેની પોલીસની ટીમ રાઉન્ડ ધ કલોક બંદોબસ્તની વ્યવસ્થા સંભાળશે તેમ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું છે.