કોરોના સંક્રમણના લીધે આવેલા આર્થિક સંકટને ધ્યાને લઇને હાલ જૂના ભાવે રાસાયણિક ખાતરનું વિતરણ શરૂ કરવા માંગ
ખાતરમાં કરવામાં આવેલો ભાવ વધારો પાછો ખેંચવા ભારતીય કિસાન સંઘ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. અત્યારે ગુજરાતમાં ક્યાંય, કોઇપણ જગ્યા પર ખેડૂતોને ખાતર મળતું નથી, ખાતરના અભાવે ખેડૂતોનું આખુ વર્ષ બગડે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે. તો સરકાર તાત્કાલીકના ધોરણે જે પણ ઘટતું હોય તે પુરું કરીને જુના ભાવે ખાતરનું વિતરણ તાત્કાલિક ચાલુ થાય તેવી અમારી માંગણી છે.
ત્રણથી ચાર મહિના પહેલા તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચુંટણીના દિવસોમાં ખાતરના ભાવ વધારાની વાતો થઇ હતી. સરકાર ચુંટણીઓને ધ્યાનમાં રાખી ખેડૂતોને કહી રહી હતી કે ખાતરનો ભાવ વધારો આવવાનો નથી. જાહેર થયેલા ખાતરના ભાવ વધારા બાબતે સરકારે સરકાર તરફથી સરકારના પ્રતિનિધિ તરીકે આપ પોતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, કૃષિમંત્રી રણછોડભાઇ ફળદુ, પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયા કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાથી લઇ ભાજપના અનેક મંત્રીઓ સંસદસભ્યો, ધારાસભ્યો અને પ્રવક્તાઓએ ખાતરી આપી હતી કે “ખાતરમાં કોઇ ભાવ વધારો આવવાનો નથી હાર ભાળી ગયેલી કોંગ્રેસ ખેડૂતોને ગુમરાહ કરી રહી છે.” ખેડૂતોને ગુમરાહ કરવામાં સફળ થયેલી સરકાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણી જીતી ગયા પછી ખાતરમાં ફરીથી ભાવ વધારો શું કામ?
સાહેબ સરકાર પોતે જ જ્યારે ખાતરના નામે ખેડૂતોના ઘરમાં ખાતર પાડે તો ફરિયાદ કોને કરવી? સરકારના વડા મુખ્યમંત્રી, કૃષિમંત્રી, કેન્દ્રિય મંત્રીઓએ વચન આપ્યું હોય કે ભાવ નહિં વધે તેમ છતાં કોરોનાકાળની પરિસ્થિતિમાં ખાતરમાં ભાવ વધારો ઝીંકી દેવામાં આવે અને સરકારના કૃષિમંત્રી લાજવાને બદલે ગાજતા કહે કે આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પેદાશોમાં ભાવ વધારો આવ્યો છે એટલે ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ પાસે ભાવ વધારા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. હાલ પેટ્રોલ-ડીઝલના આંતરરાષ્ટ્રીય ભાવ કરતા સરકારી ટેક્સનું પ્રમાણ વધુ છે. તાત્કાલિક સરકાર ભાવ વધારો પાછો ખેંચીને ખેડૂતોને જુના ભાવે ખાતર આપવું જોઇએ.
ખાતરોના ભાવમાં થયેલો આ વધારો અસહ્ય છે, દેશ અને ગુજરાતના ઇતિહાસમાં કૃષિ ઉપજ માટે આવશ્યક એવી કોઇપણ વસ્તુના ભાવમાં સીધો 58% જેટલો વધારો થયાનું અમારી જાણમાં નથી. આટલું મોટું ખેડૂતોને નુકશાન થાય તેવું પગલું સરકારે કેમ ભર્યુ?કૃપા કરી આંતરરાષ્ટ્રીય ભાવોનો હવાલો આપીને ભાવ-વધારો વાજબી ઠરાવવાની કોશિશ સરકારે ના કરવી જોઇએ, રાજ્ય સરકારે કોઇપણ રીતે આ ભાવવધારાને એક્ઝેસ્ટ કરીને ખેડૂતોને આ બોજથી મુક્ત રાખવા જોઇએ. અમારી સ્પષ્ટ માંગણી છે કે ગુજરાત સરકારે હાલ કોરોનાના કપરા સમયમાં એક તરફ એપીએમસી બંધ છે, ધિરાણ સુલ્ટાવવાના છે, ઘરમાં મરણ કે બીમારી છે, ડીઝલ, બિયારણ, દવાઓ, મજૂરીના ભાવો વધી રહ્યાં છે ત્યારે ખાતરનો આ તોતિંગ વધારો ખેડૂતો ખમી શકે એમ નથી જ.કેન્દ્ર સરકારની જાહેરાત છે કે આપણા દેશની અંદર ખેડૂતની આવક બમણી કરશે. પણ આજરીતના ભાવ વધારો લાગશે તો બમણી નહિં પરંતુ અડધી થઇ જશે. એટલા માટે સરકારે આ બાબતમાં વિચારણ કરી આ લીધેલું પગલું મુલતવી રાખવું જોઇએ.
જો સરકાર આ વધારો પાછો ના ખેંચે તો ના છૂટકે, અસ્તિત્વ ટકાવવા માટે ખેડૂતોએ હાલ બિલકુલ યોગ્ય નથી એવા રેલી, ધરણાં, ચૂંટાયેલા સભ્યોના ઘરના ઘેરાવ જેવા કાર્યક્રમ કરવા પડશે તે તદ્ન અયોગ્ય છે.
આશા છે આ બાબતમાં આપ તાત્કાલિક ઘટતો નિર્ણય કરી જાહેરાત કરશો જેથી ખેડૂતો નિશ્ર્ચિત થઇ શકે વગેરે રજૂઆત કરવામાં આવી છે.