પડધરી તાલુકાના મોટા રામપર ગામમાં આવેલા શ્રી જ્ઞાન વિદ્યાલય ગુરુકુળ હોસ્ટેલમાં સોલારનો પાઇપ ફાટતાં ગંભીર રીતે દાઝેલા બે વિદ્યાર્થીઓને ગંભીર હાલતમાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં એક વિધાર્થીનું મોત નિપજયું હતું. છ દિવસ પહેલા બનેલા બનાવમાં રાજકોટના વિદ્યાર્થીએ દમ તોડ્યો હતો. જ્યારે વધુ એક વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય વિદ્યાર્થી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ: હાલત ગંભીર: એકના એક બાળકના મોતથી પરિવારમાં આક્રંદ
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના મોટા રામપર ગામે આવેલા શ્રી જ્ઞાન વિદ્યાલય ગુરુકુળની હોસ્ટેલમાં રહેતા અને ધોરણ-૮માં અભ્યાસ કરતા મિત પંકજભાઈ કોટડીયા (ઉ.વ.૧૩) અને ઓમ દિનેશભાઈ બુસા (ઉ.વ.૧૩) ગત તા.૧૪મી માર્ચના રોજ ગુરુકુળની અગાસી પર હતા ત્યારે એકાએક સોલારનો પાઇપ ફાટતાં બંને વિદ્યાર્થીઓ ગંભીર રીતે દાઝયા હતા. જેથી બંને વિદ્યાર્થીને પહેલા પડધરી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મિત કોટડીયાએ ચાલુ સારવારમાં દમ તોડયો હતો.
આ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક વિદ્યાર્થી મિત કોટડીયા રાજકોટ રેલનગરમા છત્રપતિ શિવાજી ટાઉનશિપમાં રહેતો હતો. તેના પિતા પંકજભાઈ ચાંદીની મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
છ દિવસ પહેલા અગાસી પર ધોરણ-૮ના બંને વિદ્યાર્થીઓ ગંભીર રીતે દાઝયા’તા
મિત કોટડીયા મોટા રામપર ગુરુકુળમાં રહીને જ ધોરણ-૮માં અભ્યાસ કરતી હતો. છ દિવસ પહેલા મિત અને પડધરી તાલુકાના જીલરિયા ગામે રહેતો ઓમ દિનેશભાઈ બુસા બંને અગાસી પર હતા. તે દરમિયાન સોલારનો પાઇપ ફાટતાં બંને વિદ્યાર્થીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.
બંને વિદ્યાર્થીઓને ગંભીર હાલતમાં પડધરી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં એકના એક પુત્ર મિત કોટડીયાનું ગત મોડી રાત્રીના મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. જ્યારે ઓમ બુસાની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી ક્યાં કારણોસર આ બનાવ બન્યો તે અંગે તપાસ હાથધરી છે.