- માસુમ બાળકોને ખંભે બેસાડી ડેમની પાળા પરથી પસાર થતા પિતાનો પગ લપસી જતાં એક જ પરિવારની ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા
- પત્ની નજર સામે જ પતિ અને બે પુત્ર ઉંડા પાણીમાં ગરક થયા: સરપંચને જાણ થતા તરવૈયાની મદદથી મૃતદેહ બહાર કઢાયા
મુળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની અને પડધરી તાલુકાના જીલરીયા ગામે એક માસ પહેલાં જ પેટયુ રળવા આવેલા આદિવાસી પરિવારના મોભી પોતાના બે પુત્ર સાથે તળાવમાં ડુબી જતા એક સાથે ત્રણેયના મોત નીપજતા અરેરાટી સાથે કરૂણાંતિકા સર્જાય છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ એમ.પી.ના અલીરાજપુરના વતની અને એક માસ પહેલાં જ પડધરી તાલુકાના જીલરીયા ગામના વશરામભાઇ પ્રેમજીભાઇ બુસાની વાડી ખેત મજુરી કરવા આવેલા મદનભાઇ કાકડીયાભાઇ નામના 35 વર્ષના ભીલ યુવાન અને તેના બે બાળકો ગગંત (ઉ.વ.2) અને રાહુલ (ઉ.વ.5)ના જીલરીયા ગામના ખોડીયાર ડેમમાં ડુબી જતા મોત નીપજ્યાનું પડધરી પોલીસમાં નોંધાયું છે.
પડધરી પંથકમાં ભારે વરસાદના કારણે નદી અને ડેમ છલોછલ ભરાયા છે. ત્યારે મદનભાઇ ભીલ પોતાના માસુમ પુત્ર ગગંત અને રાહુલને પોતાના ખંભે બેસાડી ખોડીયાર ડેમના પાળા પર જઇ રહ્યા હતા ત્યારે તેમનો પગ લપસી જતાં એક સાથે ત્રણેય ઉંડા પાણીમાં ગરક થઇ જવાના કારણે મોત નીપજ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મદનભાઇ ભીલના વણપરી ગામે ખેત મજુરી કરતા સંબંધીને ત્યાં લૌકીકે જવાનું હોવાથી ગઇકાલે સાંજે પોતાની પત્ની અને બે બાળકોને બાજુની વાડીએ સંબંધીને ત્યાં મુકવા જતો હતો ત્યારે બંને બાળકો મદનભાઇના ખંભે બેસાડયા હતા. ખોડીયાર ડેમ પરથી આદિવાસી પરિવાર પસાર થતા હતો ત્યારે અચાનક પગ લપસી જવાના કારણે બે પુત્ર અને પિતાએ એક સાથે જીવ ગુમાવતા આદિવાસી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. ત્રણેયના પોસ્ટમોર્ટમ કરાવી પડધરી પોલીસે વધુ તપાસ હાથધરી છે.