PGVCLના ત્રણ કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી ધોકાથી માર માર્યો’તો
પડધરીના મોવૈયા ગામે વીજ ચેકીંગ કરવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર ભાજપ અગ્રણી સહિતના આઠે લાકડીથી હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યાનો ગુનો પોલીસમાં નોંધાતા પડધરી પોલીસે ભાજપ અગ્રણી સહિત ત્રણની ધરપકડ કરી પાંચ શખ્સોની શોધખોળ હાથધરી છે.
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા અને પીજીવીસીએલમાં ઇજનેર તરીકે ફરજ બજાવતા ભાર્ગવભાઇ નંદલાલ પુરોહિત પોતાની સાથે પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર કીર્તીભાઇ અને અંકુરભાઇ સહિતની પીજીવીસીએલની ટીમ પાવર ચોરી અંગે પડધરીના મોવૈયા ગામે ગયા હતા. ભાજપ અગ્રણી ધીરૂભાઇ મેપાભાઇ તળપદાના ઘરે પાવર ચોરી કરવામાં આવતા પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા વીજ ચોરી અંગે કાર્યવાહી કરવાનું શરૂ કરતા ધીરૂભાઇ મેપાભાઇ તળપદા, ચિરાગભાઇ હેમંતભાઇ તળપદા, ભારતીબેન ધીરૂભાઇ તળપદા, જીજ્ઞાબેન ચેતનભાઇ તળપદા, રમેશભાઇ મેપાભાઇ તળપદા અને ત્રણ અજાણ્યા શખ્સએ પીજીવી સીએલના ડેપ્યુટી ઇજનેર ભાર્ગવભાઇ પુરોહિત, અંકુરભાઇ અને કિર્તીભાઇને લાકડીથી માર મારતા ગંભીર ઇજા થતા ભાર્ગવભાઇ પુરોહિતને સારવાર માટે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.એક સાથે મોટી સંખ્યામાં પીજીવીસીએલનો સ્ટાફ પાવર ચોરી અંગે ઘરે ઘરે તપાસ કરી રહ્યા હતા ત્યારે ત્યાં એકઠાં થયેલા ટોળાએ પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર પુરોહિત પર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘવાતા સારવાર માટે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ડેપ્યુટી ઇજનેર ભાર્ગવભાઇ પુરોહિતની ફરિયાદ પરથી ભાજપ અગ્રણી ધીરૂભાઇ તળપદા, ચિરાગભાઇ તળપદા, ભારતીબેન તળપદા, જીજ્ઞાબેન તળપદા, રમેશભાઇ તળપદા અને ત્રણ અજાણ્યા શખ્સો સામે પીજીવીસીએલના ઇજનેરની ફરજમાં રૂકાવટ કરી માર માર્યા અંગેનો ગુનો નોંધી પીએસઆઇ ઝાલા સહિતના સ્ટાફે ભાજપ અગ્રણી ધીરૂભાઇ તળપદા, ચિરાગભાઇ તળપદા અને રમેશભાઇ તળપદાની ધરપકડ કરી અન્ય શખ્સોની શોધખોળ હાથધરી છે.