ખારી ગામે યુવતીએ વખ ઘોળ્યું: સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ

પડધરીના મોટા રામપરમાં પતિ ઘરે મોડો આવતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જેનું લાગી આવતા પરિણીતાએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે ખારી ગામે પણ પરિણીતાએ વખ ઘોળ્યું હતું. જેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરી તાલુકાના મોટા રામપર ગામે પરિવાર સાથે ખેત મજૂરી અર્થે આવેલી નરબડીબેન વિક્રમભાઈ ખહેરા નામની 31 વર્ષની પરિણીતા રાત્રિના દસેક વાગ્યાના અરસામાં દિનેશભાઈની વાડીએ હતી. ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં નરબડીબેન મૂળ મધ્યપ્રદેશની વતની છે અને તેને સંતાનમાં ચાર બાળકો છે. પતિ ટ્રેક્ટર લઈને ગયા બાદ રાત્રિના મોડો આવતા નરબડીબેને ઝઘડો કરી ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં પડધરીના ખારી ગામે ધીરુભાઈની વાડીએ ખેત મજુરી અર્થે આવેલા પરિવારની નહજુ નરદીપભાઈ ભુરીયા નામની 22 વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના દાખલ કરવામાં આવી હતી ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.