પડધરી તાલુકા ભાજપ પ્રમુખ હઠીસિંહ જાડેજાએ પ્રમુખ પદેથી ઓચિંતું રાજીનામુ આપતા અનેક તકવિતર્ક ઊભા થયા છે. હઠીસિંહ જાડેજાએ રાજીનામું સ્વેચ્છાએ ધર્યું કે દબાણથી એ પણ એક મોટો સવાલ ઊભો થયો છે.
રાજીનામાનો નિર્ણય સંકલન બેઠકમાં લેવાયો, મેં નથી લીધો: મોહન કુંડારીયા
સાંસદ મોહનભાઇ કુંડારિયાને અબતકે રાજીનામાં પ્રકરણ મામલે પૂછતાં તેઓએ કહ્યું કે મોહન કુંડારિયા થોડા કોઈને હોદા પરથી દૂર કરવાના નિર્ણય લઈ શકે. તેઓએ વધુમાં કહ્યું કે રાજીનામાંનો નિર્ણય મેં નથી લીધો અને મેં હઠીસિંહ જાડેજાને રાજીનામુ આપવાનું કહ્યું પણ નથી. આ નિર્ણય ગત તા. 5ના રોજ સંકલન સમિતિની બેઠક મળી તેમાં લેવાયો હતો. હઠીસિંહ તો પક્ષને વફાદાર છે તો આ નિર્ણય શુ કામ લેવાયો તેવું પૂછતાં તેઓએ જણાવ્યું કે હઠીસિંહને જિલ્લા ભાજપમાં સ્થાન આપવાનું છે. માટે તેઓને તાલુકા ભાજપ પ્રમુખ પદેથી રાજીનામુ આપવાનું કહેવામાં આવ્યું હતું. અંતમાં મોહન કુંડારિયાએ કહ્યું કે હવે ટૂંક સમયમાં સંકલન સમિતિ નવા પ્રમુખનું નામ જાહેર કરશે.
સંકલન બેઠકમાં કોઇ નિર્ણય નથી લેવાયો, મોહનભાઇએ કહ્યું એટલે મેં રાજીનામું આપ્યુ: હઠીસિંહ જાડેજા
હઠીસિંહ જાડેજા વર્ષોથી ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે. તેઓ પક્ષને વફાદાર હોય છતાં તેઓએ અચાનક તાલુકા પ્રમુખના હોદા ઉપરથી રાજીનામુ આપી દેતા ભાજપમાં સોપો પડી ગયો છે. તેઓએ અગાઉ રાજીનામુ મોહનભાઇના કહેવાથી આપ્યું હોવાનું નિવેદન આપ્યું હતું. જેની પૃચ્છા કરવા મોહનભાઇને અબતકે પૂછ્યું તો તેઓએ સંકલન સમિતિએ નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. બાદમાં અબતકે હઠીસિંહને પૂછ્યું તો તેઓએ કહ્યું કે સંકલન બેઠક તો છેક તા.5એ યોજાઇ હતી. તેમાં રાજીનામાં અંગેનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મને તો મોહનભાઇ કુંડારિયાએ કહ્યું કે રાજીનામુ આપી દયો એટલે મેં સ્વેચ્છાએ રાજીનામુ આપી દીધું છે.
નવો વળાંક: મોહનભાઇએ કહ્યું અમે તો હઠુભાને જીલ્લા ભાજપમાં સમાવવાના છીએ!!
રાજીનામાં પ્રકરણ ગઈકાલે પ્રકાશમાં આવ્યું હતું. હઠીસિંહ જાડેજાએ નિવેદન આપી દીધું હતું કે સાંસદ મોહનભાઇ કુંડારિયાના કહેવાથી તેઓએ રાજીનામુ આપી દીધું છે. આ પ્રકરણના બીજા દિવસે નવો વળાંક આવ્યો છે. સાંસદ મોહનભાઇ કુંડારિયાએ કહ્યું કે હઠીસિંહ જાડેજાને જિલ્લા ભાજપના હોદો આપવાનો હોય જેથી સંકલનની બેઠકમાં તેઓને તાલુકા ભાજપ પ્રમુખના હોદા ઉપરથી રાજીનામુ આપી દેવાનું કહેવામાં આવ્યું હતું.