પોલીસે માત્ર અડધા લાખનો રોકડ કબ્જે કરી સંતોષ માન્યો: લકઝરીયસ કાર અને કિંમતી મોબાઇલ કબ્જે કરવાનું પડધરી પોલીસે માંડી વાળ્યું !
રાજકોટ- જામનગર ધોરી માર્ગ પર આવેલા તરઘડી ગામ પાસે પ્રીતિ સ્કોચમીલ પ્રા.લી. જીનીંગ મીલની ઓરડીમાં જુગટુ ખેલતા રાજકોટના કારખાનેદાર અને
વેપારી સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી રૂ. 53 હજારના મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે લકઝરી કાર અને કિંમતી મોબાઇલ કબ્જે કરવાનું સ્થાનીક પોલીસે માંડી વાળ્યું છે.
વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારુ જુગારની બદી ડામવા એસ.પી. જયપાલસિંહ રાઠોડે આપેલી સુચનાને પગલે પડધરી પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.રાજકોટ શહેરના અમીન માર્ગ પર આવેલી જનકલ્યાણ સોસાયટીમાં રહેતો અને પડધરી તાલુકાના તરઘડી ગામે આવેલી પ્રીતી સ્કોચ મીલ પ્રા.લી. નામે કારખાનું ધરાવતો દિનેશ ધીરજલાલ સેલાણી નામનો પ્રૌઢ પોતાના કારખાનામાં જુગાર રમાડતા હોવાની પડધરી પોલીસને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડો દરમ્યાન જુગાર રમતા કારખાનેદાર દિનેશ ધીરજલાલ સેલાણી, બીગ બજાર પાછળ બ્રહ્મકુંજમાં રહેતો જમનભાઇ ગોવિંદભાઇ વિરાણી, અક્ષર માર્ગ પર ઇન્દ્રપ્રસ્થ શેરી નં. પ માં રહેતા પોપટભાઇ દામજીભાઇ વાલાણી, નાનામવા રોડ તાપસ સોસાયટીમાં રહેતા હેમરાજ છગનભાઇ પનારા અને પ્રીતી સ્કોચ મીલના કર્મચારી સુરભાણ દિનેશપ્રસાદ મીશ્રા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા પ3 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.
જયારે પોલીસ જુગારના દરોડામાં રોકડ ઉપરાંત મોબાઇલ અને કાર કબ્જે કરતી હોય છે. પરંતુ કારખાનાની ઓફીસને બદલે ઓરડીમાં જુગાર રમાતો હોવાનું બતાવી અને સાથે સાથે લકઝરી કાર અને મોંધાદાટ મોબાઇલ કબ્જે કરવાનું સ્થાનીક પોલીસે માંડી વાળ્યાનું ચર્ચાય રહ્યું છે. તેમ જ સામાન્ય રીતે જુગારના પોલીસ દરોડા પાડે ત્યારે ફોટા સાથે પ્રેસ નોટ આપતા હોય છે. સામાન્ય અને ધનીકો માટે કાયદાની વ્યાખ્યા અલગ હોવાનું બુઘ્ધી જીવીઓમાં ચર્ચા રહ્યું છે.