બે દિવસ પહેલા અકસ્માતમાં ઘવાયેલા ટ્રેકટરના ચાલકે સારવારમાં દમ તોડયો: પરિવારમાં આક્રંદ
પડધરી તાલુકાના દહીસરા ગામે બંધ ટ્રેક્ટર ચાલુ કરવા માટે ચાલકે બેટરીથી કરંટ આપતા ટ્રેક્ટર અચાનક ચાલુ થઈ જતા ચાલક પર ફરી વળ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા ચાલકનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના દહીસરા ગામે રહેતા રવજીભાઈ જાદવજીભાઈ ચંદ્રાલા નામના 51 વર્ષના પ્રૌઢ બે દિવસ પૂર્વે સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં ટ્રેક્ટર ચાલુ કરવા જતા ટ્રેક્ટરનું ટાયર માથે ચડી જતા કમળના ભાગે ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આધેડની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક રવજીભાઈ ચંદ્રાલા પાંચ ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રવજીભાઈ ચંદ્રાલા ખેતી કામ કરતા હતા અને ઘટનાના દિવસે ટ્રેક્ટર ચાલુ ન થતા રવજીભાઈ ચંદ્રાલા બેટરીથી કરંટ આપતા હતા. ત્યારે અકસ્માતે ટ્રેક્ટર ચાલુ થઈ જતા રવજીભાઈ ચંદ્રાલા પર ફરી વળતા ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.