ગટરનું પાણી ઘર બાજુ આવતું હોવાના મામલે થયેલી માથાકૂટમાં એકની લોથ ઢળી: દસ આરોપીની ધરપકડ
પડધરીમાં ગઇ કાલે ગીતાનગર વિસ્તારમાં બે પરિવાર વચ્ચે સહસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. જેમાં એક વૃદ્ધની લોથ ઢળી હતી. જ્યારે સામસામે મારામારીમાં ચાર લોકો ઘવાતાં તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા દસ આરોપીની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરીના ગીતાનગર વિસ્તારમાં રહેતા જેન્તીભાઇ પ્રેમજીભાઈ સોલંકી (ઉ.વ.62), સુરેશભાઈ જેન્તીભાઇ સોલંકી (ઉ.વ.41), મુકેશભાઈ જેન્તીભાઇ સોલંકી (ઉ.વ.33) અને રવિ સુરેશભાઈ સોલંકી (ઉ.વ.19) ઘર પાસે હતા ત્યારે પાડોશમાં રહેતા દેવસી કરમસી સોલંકી, વિકાસ દેવસી સોલંકી, શૈલેષ મનસુખ સોલંકી, પરેશ ભોલા સોલંકી, અનિલ મનસુખ સોલંકી, નિમિષ મનસુખ સોલંકી, ચતુર કરમશી સોલંકી, જીતુલ ઉર્ફે ટકો ભોલા સોલંકી, ભોલા કરમશી સોલંકી અને મનસુખ કરમશી સોલંકીએ માથાકૂટ કરી હતી.
પાડોશી દ્વારા ગટરનું પાણી જેન્તીભાઇના ઘર તરફ આવતું હોય જેના કારણે સમજાવવા જતા સામે વાડા તમામ શખ્સોએ ધારિયા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા જેન્તીભાઇ, સુરેશભાઈ, મુકેશભાઈ અને રવિને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં જેન્તીભાઇનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે દસ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.તો જ્યારે બંને પરિવાર વચ્ચે ખેલાયેલા સહસ્ત્ર અથડામણમાં શૈલેષભાઈ મનસુખભાઈ સોલંકી નામના 25 વર્ષીય યુવાન પર જેન્તી, સુરેશ અને મુકેશે પાઇપ વડે હુમલો કરતા ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે બંને પક્ષે નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.