રાજકોટથી જામનગર તરફ હતી વેળાએ ફોર્ચ્યુનર ટ્રકના ઠાઠામાં ઘુસી જતા બુકડો બોલી ગયો
કાર ટ્રકની પાછળ ધૂસી ગયા બાદ ત્રણ કિમી સુધી ઢસડી ગયું: ત્રણ બહેનના એકના એક ભાઈના આકસ્મિક મોતથી પરિવારમાં આક્રંદ
રાજકોટ – જામનગર હાઇવે જાણે ગોઝારો બન્યો હોય તેમ અનેક અકસ્માતના બનાવો સામે એવું રહ્યા છે. જેમાં અનેક પરિવારના માળા પીંખાઇ ગયા છે. તેવી જ એક ઘટના ગઇ કાલે મોડી રાત્રીના ઘટી હતી. જેમાં રાજકોટ ખાતે આવેલા નોકઆઉટ ગેમઝોનના સંચાલક પુષ્પરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના ૨૫ વર્ષીય યુવાનનું માર્ગ અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ત્રણ બહેનના એકના એક ભાઈના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં વાવડી ગામે રહેતા અને કાલાવડ રોડ પર આવેલા નોકઆઉટ ગેમઝોનના સંચાલક પુષ્પરાજસિંહ જાડેજાનું ગઇ કાલે મોડી રાત્રીના ટ્રક પાછળ પોતાની કાર ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં મોત થયું હતું. આ અંગે જાણ થતાં ૧૦૮ની ટીમ અને પડધરી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાફડા સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાં યુવાને ટૂંકી સારવારમાં જ દમ તોડ્યો હતો. જેથી પોલીસે પરિવારજનોને જાણ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પુષ્પરાજસિંહ જાડેજા રાજકોટમાં કાલાવડ રોડ પર નોકઆઉટ ગેમઝોન ચલાવે છે. મોડી રાત્રીના પોતાની જીજે ૨૨ પી ૭૭ નંબરની સફેદ કલરની ફોર્ચ્યુનર લઈને જતા જામનગર રોડ પર ચાય વાલા પાસે આગળ જતા ટ્રકમાં ધૂસી ગઇ હતી. તેમ છતાં ટ્રકના ચાલકે ટ્રક ઊભો ન રાખતા ત્રણ કિલોમીટર સુધી કર ઢસડી ગયો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
પડધરી: કારની ઠોકરે ઘવાયેલા બાઈક ચાલકે સારવારમાં દમ તોડયો
પડધરી તાલુકાના ખામટા ગામમાં રહેતા દિવ્યેશભાઈ દિનેશભાઈ ડોબરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ તેમના પિતા દિનેશભાઈ ડોબરીયા પોતાના બાઈક પર ખામટાથી પડધરી જતાં હતાં ત્યારે દેપાવડિયા ગામના પાટિયા પાસે ગજાનંદ હોટલ સામે સામેથી રોંગ સાઈડમાં આવતા જીજે ૦૩ ડીબી ૮૦૯૮ નંબરના વેગેનાર કારના ચાલક જય કિશોરભાઈ ધોરેયા નામના ચાલકે બાઈકને અડફેટે લેતાં વૃદ્ધ ગંભીર રીતે ઘવાયા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવારમાં તેઓએ દમ તોડતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
વીરપુર: ડીવાઈડર ટપી ખાનગી બસમાં ધૂસી જતા કાર ચાલકનું મોત
વીરપુર પાસે પંચવટી હોટલ નજીક ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલકનું મોત થયું હતું. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વીરપુર પાસેથી પસાર થઈ રહેલી જીજે ૦૩ બીટી ૮૦૩૦ નંબરની ખાનગી બસ પસાર થતી હતી ત્યારે રાજકોટથી જૂનાગઢ તરફ જઈ રહેલી જીજે ૦૩ એલજી ૧૩૯૪ નંબરની વોકસવેગન કાર ડીવાઈડર ટપી બસમાં ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ભાવેશ નાથુભાઈ મોડેદરા નામના કાર ચાલકનું મોત નિપજ્યું હતું. વીરપુર પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.