મૂળ મધ્યપ્રદેશનો શખ્સ પત્નીને મોતને ઘાટ ઉતારી બે સંતાનો સાથે ફરાર
મુળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાનો અને હાલ પડધરીના રાદડ ગામે આવેલી વાડી વાવતો દિનેશ જવલા ભાભોર તેની ત્ની જલ્પા ઉર્ફે સવિતાની હત્યા કરી તેની લાશ વાડીમાં આવેલી ગટરમાં દાટી બે સંતાનોને લઈ ભાગી ગયો હતો. પડધરી પોલીસે ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે. આરોપી વતન ભાગી ગયાની શકયતા પરથી એક ટીમ ત્યાં રવાના કરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હત્યાનો ભોગ બનનાર જલ્પા ઉર્ફે સવિતા ચાર ભાઈ બહેનમાં સૌથી નાની હતી. મુળ કુતીયાણાના જમરા ગામની વતની છે. તેનો પરીવા2 હાલ પોરબંદરમાં રહે છે. 2016 ની સાલમાં તેને આરોપી દિનેશ ભગાડી ગયો હતો. જે અંગે તેના પિતાએ પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જેના ત્રણ વર્ષ બાદ તે અને આરોપી દિનેશ પકડાયા હતા.પકડાયા બાદ જલ્પા પિતાના ઘરે જતી રહી હતી. જયારે આરોપી દિનેશ જેલહવાલે થયો હતો. જેલમાંથી છુટયા બાદ તે જલ્પાના ઘરે ગયો હતો અને તેના પરીવારને પોતે જલ્પાને લઈ જવા માંગતો હોવાનું કહ્યું હતું. એટલુ જ નહી બંનેએ લગ્ન કરી લીધાનું પણ તેણે કહ્યું હતું.
ત્યારબાદ જલ્પા તેની સાથે જતી રહી હતી. દામ્પત્યજીવન દરમ્યાન તેને એક પુત્રી અને પુત્રની પ્રાપ્તી થઈ હતી. જેમની ઉંમર હાલ પાંચ અને ત્રણ વર્ષ છે. દોઢેક મહિના પહેલા જલ્પા બંને સંતાનોને લઈ ભાઈ ભીમાભાઈ કેશુભાઈ ગો2ડ કે જે પોરબંદર રહે છે, તેને ત્યાં ગઈ હતી. તે વખતે તેણે ભાઈ ભીમાને કહ્યું કે પતિ દિનેશ ખુબ જ જીદ્દી સ્વભાવનો છે. જેને કારણે ઘણીવાર તેને મારકુટ કરે છે.
પોતાની આપવિતી કહ્યા બાદ તે બંને સંતાનોને લઈને પડધરી આવતી રહી હતી. બાદમાં પતિ દિનેશ સાથે રાદડ ગામે આવેલી ભીખુભા જાડેજાની વાડી વાવતી હતી. ગઈકાલે વાડી માલિક ભીખુભાને વાડીએ આવ્યા ત્યારે દિનેશ અને તેના બંને સંતાનો ઉપરાંત પત્ની જોવા મળ્યા ન હતા.
વાડીમાં પાણીના નીકાલ માટે બનાવાયેલી ગટરમાંથી તિવ્ર દુર્ગંધ આવતા ત્યાં જતા કોઈ મહિલાનો પગ દેખાતા કંઈક અજુગતુ બન્યાની શંકાના આધારે તત્કાળ પડધરી પોલીસને જાણ કરતા પીએસઆઈ આર.જે.ગોહિલ, યુવરાજસિંહ ગોહિલ અને જીતેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફના માણસો સાથે ત્યાં પહોંચી ગયા હતા.તબીબોએ ઈજાના કારણે આઘાત લાગતા મોત થયાનો અભિપ્રાય આપ્યો હતો. જેના આધારે પોલીસે જલ્પાના ભાઈ ભીમાભાઈની ફરિયાદ પરથી બંને સંતાનોને લઈને ભાગી ગયેલા આરોપી પતિ દિનેશ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. જયાં હત્યા થઈ તે વાડીમાં જલ્પા હજુ વિસેક દિવસ પહેલા જ પતિ અને સંતાનો સાથે રહેવા આવી હતી. તેની કોઈ તિક્ષ્ણ હથીયારનો ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે.
જ્યારે પતિ દિનેશ પત્ની જલ્પા ઉર્ફે સવિતાને મોતને ઘાટ ઉતારી બંને સંતાનો સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસને હત્યારો પતિ પોતાના વતન તરફ ભાગ્યો હોવાની શંકાએ એક ટીમ મધ્યપ્રદેશ તપાસ માટે મોકલી છે. જ્યારે આરોપીની ધરપકડ થયા બાદ જ ક્યાં કારણોસર પત્નીની હત્યા થઈ તે સામે આવશે