જૂની અદાવતને કારણે પરિવાર પર હુમલો કરી હોસ્પિટલમાં પણ તોડફોડ કરી’તી

પડધરી ગામે થોડા દિવસ પહેલા હત્યાનો કેસ પાછો ખેંચવા મામલે પરિવારજનો પર હુમલો કરનાર ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા છે. માધવ હોટલ પાસે માથાકૂટ બાદ હોસ્પિટલ ગયેલા ઈજાગ્રસ્તોને ત્યાં પણ માર મારી હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરીમાં રહેતા શબીનાબેન ઈકબાલભાઈ હડફા (ઉ.વ.36) અને ગફારભાઈ દાઉદભાઈ હડફા (ઉ.વ.82) પર જયેશ સુરેશ બગડા, જતીન ઉર્ફે સોઢો અભિજિત અજિત ડોડીયા અને યશ ઉર્ફે ઓડી ભુપત ગોહેલ નામના શખ્સોએ માર મારતા તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે ગફારભાઈના પુત્ર ઈકબાલભાઈ જણાવ્યું હતું કે આઠ વર્ષ પહેલાં ઈકબાલભાઈના સાળાની હત્યા જયેશ બગડા સહિતનાઓએ કરી હતી. જેમાં ઈકબાલભાઈનો પુત્ર એઝાઝ સાક્ષી તરીકે છે. શનિવારની રાત્રીના ઈકબાલભાઈનો પુત્ર કાસિમ માધવ હોટલ પર હતો ત્યારે જયેશ બગડા સહિતનાઓએ તમે કેસ પાછો ખેંચી લ્યો તેમ કહી બીડીના ધુમાડા કાસિમના મોઢા પર ઉડાડી માર માર્યો હતો.

જે બાબતે ઈકબાલભાઈને જાણ થતાં તેમના પત્ની શબીનાબેન સહિતના પરિવારજનો માધવ હોટલ ખાતે દોડી ગયા હતા. જ્યાં જયેશ બગડા, સિંધવ અને અભય સહિતના શખ્સોએ ધોકાથી માર માર્યો હતો. જેથી ઈકબાલભાઈ અને શબીના બેનને સારવાર માટે પડધરી સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. તે દરમિયાન જયેશ, સિંધવ, અભય અને ઓડી નામના શખ્સો ધોકા લઈને ઈકબાલભાઈના ઘરે પહોંચ્યા હતા જ્યાં ઈકબાલભાઈ હાજર ન મળી આવતા આ શખ્સોએ તેમના પિતા ગફારભાઈને માર મારી ઘરમાં તોડફોડ કરી રૂ.2.30 લાખની લૂટ ચલાવ્યા હોવાના આક્ષેપ કર્યા છે. હુમલામાં ઘવાયેલા ગફારભાઈ અને શબીના બેનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે કાસિમ ઈકબાલભાઈ હડફાએ પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ત્વરિત એક્શન લઈને જયેશ બગડા, જતીન ઉર્ફે સોઢો પરમાર, અભિજિત ડોડીયા અને યશ ઉર્ફે ઓડી ગોહેલની ધરપકડ કરી આગળની તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.