પડધરીના ખોડાપીપર ગામે રહેતા દંપતી પાસે કેસમાં સમાધાન કરવા મુદે ધ્રોલના માવાપર ગામે રહેતા સસરાએ રૂ.૧.૫૦ લાખની ઉઘરાણી કરતા પતી પત્નીએ સસરાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા નાના અવેડા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે પોલીસે સસરા વિધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના ખોડાપીપર ગામે રહેતા અને ખેત મજુરી કામ કરતા ચેતન વિરસીંગ અમલીયા નામના ૨૧ વર્ષિય યુવાને ગૂવારના દિવસે ધ્રોલના માવાપર ગામે સસરાના ઘરે સર્ગભા પત્ની પાયલ આમલીયા ઉ.૧૯ સાથે ઝેરી દવા પી જીવન ટુંકાવાનો પ્રયાસ કરતા સારવાર અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં પરિણીતાની હાલત ગંભીર હોવાનું તબીબે જણાવતા ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાઈ હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાતનોપ્રયાસ કરનાર ચેતન અમલીયાએ એક વર્ષ પૂર્વે ધ્રોલન માવાપર ગામે રહેતી પાયલ પરમારને ભગાડી જઈ પ્રેમ લગ્ન કર્યા હતા. જેતે સમયે ધ્રોલ પોલીસમાં આરોપી ચેતન વિધ્ધ અપહરણ, દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. બાદમાં સસરા મહેન્દ્ર નાવકા પરમારે રૂ.૧ લાખની રોકડ લઈ સમાધાન કર્યું હતુ. અને પુત્રી પાયલને પતિ ચેતન સાથે રહેવા માટે પડધરી મોકલી હતી. જયા સાત મહિના સાથે રહ્યા બાદ પાયલ સર્ગભા બની હતી પાંચ દિવસ પૂર્વે સસરા મહેન્દ્ર પરમારે પુત્રી પાયલને ધ્રોલના માવાપર ગામે પરત બોલાવી લીધી હતી અને જમાઈ ચેતન અમલીયાને ફોન કરી રૂ. ૧.૫૦ લાખની માંગણી કરી પત્ની પાયલને તેડી જવા કહ્યું હતુ. સસરાના પૈસાની ઉઘરાણીથી ચિંતીત બનેલા જમાઈ ચેતનનું મનોબળ ખૂટી જતા પોતાની સર્ગભા પત્ની પાયલને જાણ કરી જીંદગીનો અંત આણવાનો નિર્ણય કરી સસરાના જ ઘરે જ ઝેરી દવા ગટગટાવી લઈ જીવન ટુંકાવાનો પ્રયાસ કર્યાનું ખૂલ્યું હતુ આ ઉપરાંત બંને પરિવારો મૂળ મધ્યપ્રદેશના અને હાલ પડધરી તથા ધ્રોલમાં ખેતીકામ કરે છે. જયારે પિતાના ઘરે આપઘાતનું પગલુ ભરનાર અને ત્રણ માસનો ગર્ભ ધરાવનાર પાયલ ચેતન આમલીયાની સ્થિતિ ગંભીર હોવાનું તબીબે પ્રાથમિક યાદીમાં પોલીસને જણાવ્યું હતુ.