પડધરી તાલુકાના ખજુરડી ગામના સોની વેપારી પાસેથી રાજકોટના સોની વેપારીએ ધંધાકીય સંબંધથી રૂ. 38 લાખનું સોનું અને રોકડ મેળવ્યા બાદ ઉઘરાણી કરતા ધાક ધમકી દઈ પોલીસમાં ખોટા કેસમાં પકડાવવાનો ડર બતાવી ચેક અને પ્રોમિશરી નોટ પરત મેળવી કંઈક લેતી દેતી બાકી નહોવાનું લખાણ કરાવી લીધા અંગેની પોલીસ કમિશનર કચેરીએ અરજી કરી છે.ખજુરડી ગામે રહેતા તેજસભાઈ ઉર્ફે રાકેશભાઈ પ્રવિણભાઈ લોલારીયાએ 150 ફૂટરીંગરોડ પર શિતલ પાર્ક બસ સ્ટોપ પાસે અયોધ્યા રેસીડેન્સીમાં રહેતા કૃણાલ સુરેશભાઈ પાટડીયા, પ્રશાંતભાઈ સુરેશભાઈ પાટડીયા, સુરેશભાઈ સુખલાલભાઈ પાટડીયા અને શ્રોફ રોડ ગેલેકસી એપાર્ટમેન્ટમાં રહેતા પુનિતાબેન પારેખ વિરૂધ્ધ પોલીસ કમિશ્નરને લેખીત રજૂઆત કરી છે.
ખોટા કેસમાં ફીટ કરાવવાની ધમકી દઈ ઉઘરાણી પુરી થયાનું લખાણ કરાવી લીધાના આક્ષેપ સાથે મહિલા સહિત ચાર વિરૂધ્ધ પોલીસ કમિશ્નરને રાવ
કૃણાલભાઈ પાટડીયા સાથે ધંધાકીય સંબંધ હોવાથી તા. 25.5.22ના રોજ રૂ. 8 લાખ રોકડા અને 100 ગ્રામ સોનું આપ્યા હતા. તે અંગે પ્રોમિસરી નોટઅને ચેક લીધા હતા. ત્યારબાદ ફરી 50 ગ્રામ સોનું અને રૂ. 8 લાખ રોકડા આપ્યા હતા. આમ કુલ રૂ. 38 લાખની ઉઘરાણી કરતા તેજસભાઈ ઉર્ફે રાકેશભાઈ લોલારીયાને કૃણાલભાઈએ પોતાના ઘરે બોલાવ્યા હતા.
આથી તેજશભાઈ લોલારીયા ઉઘરાણી માટે કૃણાલભાઈ પાટડીયાના ઘરે ગયા ત્યારે તેઓએ પોલીસ કંટ્રોલમાં ફોન કરી પોલીસ બોલાવી યુનિવર્સિટી પોલીસ મથકે લઈ ગયા હતા ત્યાં પુનિતાબેન પારેખ આવ્યા હતા. તેજસભાઈ લોલારીયા પાસેથી ચેક અને પ્રોમીસરી નોટ પરત આપી દેવાનું અને કોઈ રકમ લેવાની બાકી નહોવાનું લખાણ કરાવ્યું હતુ.તેજસભાઈ લોલારીયા સામે ફરિયાદ ન કરવા કૃણાલભાઈ પાટડીયાને સમજાવ્યા હતા જયારે તેજસભાઈ લોલારીયાએ તેની લેણી રકમની ઉઘરાણી ન કરવાનું કહ્યું હોવાનું અરજીમાં જણાવ્યું છે.