વાહન લે-વેચના ધંધાર્થીએ પઠાણી ઉઘરાણી કરતા યુવાને કણકોટ ગામે ઝેરી દવા ગટગટાવી: 20 આર.સી.બુક પડાવ્યાનો આક્ષેપ
પડધરીના ઈશ્વરીયા ગામે રહેતા અને ગાડી લે વેચના ધંધાર્થીએ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી કણકોટ ગામે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બંને વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરી 20 ગાડીની આરસીબુક પડાવી લીધી હોવાનો યુવાને આક્ષેપ કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરીના ઇશ્વરીયા ગામે રહેતા અને ગાડી લે વેચનો ધંધો કરતા ઉમેશભાઈ છગનભાઈ ઠુંમર નામનો 38 વર્ષનો યુવાન સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં કણકોટ ગામના પાટીયા પાસે હતો. ત્યારે ઝેરી દવા પી લીધી હતી. જેથી યુવાનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જેમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રાજકોટમાં રહેતા નિર્મલ વાણીયા અને ધ્રોલના હરપાલ પાસેથી ઉમેશ ઠુંમરે રૂ.60 લાખ 8 ટકાના દરે વ્યાજે લીધા હતા. યુવાને બંને વ્યાજખોરને રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં બંને શખ્સે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હતા અને અગાઉ પણ બંને વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. તેમ છતાં નિર્મળ વાણીયાએ 17 જેટલી અને હરપાલ નામનો શખ્સ ત્રણ ગાડીની આરસીબુક લઈ ગયા હોવાથી બંને વ્યાજખોરથી કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આક્ષેપના પગલે રાજકોટ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.