પાટડી ઉદાસી આશ્રમના સંતનો વધુ એક પરચો
પાટડીના બામણવા ગામના પૂર્વ સરપંચ-દુધસાગર ડેરીના ડિરેકટર વાલાભાઈ ભરવાડની પૂ.ભાવેશબાપુ અને પૂ. વૈભવબાપુની કરાય ભાવવંદના
સંત શીરોમણી પૂ. જગાબાપા ભલે આપણી વચ્ચે સદેહ ઉપસ્થિત નથી પરંતુ તેઓ સતત પરચા આપી રહ્યા છે. પાટડીની વિશ્વ વિખ્યાત જગ્યા ઉદાસી આશ્રમ વધુ એકવાર દુ:ખીયાના બેલી બન્યા છે. અને ચમત્કાર સર્જતો પરચો આપ્યો છે.
વાત એવી બની હતીકે, પાટડી તાલુકાના બામણવા ગામના પૂર્વ સરપંચ અને દુધ સાગર ડેરીના ડાયરેકટર વાલાભાઈ ભરવાડનો પુત્ર બે દિવસથી લાપતા બનતા પરિવારના તમામ સભ્યોના જીવ અધ્ધર થઈ ગયા હતા કળીયુગમાં પણ પાટડીના ઉદાસી આશ્રમના સંત શિરોમણી જગાબાપા હજરાહજુર છે તેવા અડિખમ વિશ્ર્વાસ સાથે વાલાભાઈનો પરિવાર પોતાનું દુ:ખ લઈને પૂ.ભાવેશબાપુ પાસે ગયા હતા. તેઓએ બાપૂ સમક્ષ ખોળો પાથર્યો હતો. દરમિયાન પૂ. ભાવેશબાપુએ કહ્યું હતુકે કોઈ ચિંતા કરશો નહીં સાંજે સાત વાગ્યા સુધીમાં તમારા પુત્રના સમાચાર આવી જશે અને ભાળ મળી જશે સંતોના મુખમાંથી નિકળતા શબ્દો કયારેય ખોટા પડતા નથી. પૂ. જગાબાપા હજરાહજૂર છે તેવો વધુ એક પરચો મળ્યો હતો. બામણવાના વાલાભાઈ ભરવાડના લાપતા પુત્રની ભાળ પૂ. ભાવેશબાપુએ આપેલા સમયે મળી આવી હતી.
આ ચમત્કાર બાદ સમસ્ત બામણવા ગામ અને ભરવાડ સમાજના લોકો પૂ. ભાવેશબાપુના આશિર્વાદ લીધા હતા. પાટડીના ધારાસભ્ય પી.કે. પરમારની વિશેષ ઉપસ્થિતિમાં પૂ. ભાવેશ બાપુ અને પૂ. વૈભવ બાપુનું સન્માન કરવામાં આવ્યું હતુ સમગ્ર વાતાવરણ પૂ. જગાબાપાની જય, પૂ. ભાવેશ બાપુની જય, પૂ. વૈભવબાપુના જયજયકાર સાથે ગુંજી ઉઠ્યું હતુ.