અમરેલીના આંગણે વિશંતી મહોત્સવનું સુંદર કાર્યનું આયોજન શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર દ્વારા તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું. આ મંદિર અને મહોત્સવના સંકલ્પકર્તા પ.પૂ. સાંખ્યયોગી શ્રી લીલાબાએ મૂંગા-બહેરા શાળાની મુલાકાત લીધી હતી.
ભગવાન સ્વામિનારાયણ કહેતાં કે, વિકલાંગોની સેવા એ જ પ્રભુ સેવા છે. વિકલાંગોને આપણાં પ્રધાનમંત્રી દિવ્યાંગો કહે છે. અને આપણે પણ એ પ્રથાને અનુસરીને કહીએ કે જેમના પર પ્રભુની અસીમ કૃપા છે અને પરમાત્માનું દિવ્ય તેજ પથરાયેલું છે એવા દિવ્યાંગોની સેવા કરવા મળે તો જીવનનો બેડો પાર થઈ જાય.
આ સંસ્થાના નિર્માણમાં સહભાગી બનેલા દરેક દાતાઓ ખૂબ જ ભાગ્યશાળી છે કે તેમને આ દાન કરવાનો અવસર મળ્યો છે. સંસ્થામાં કાર્યરત ભાઈઓ અને બહેનો પણ ખડે પગે પોતાના સંતાનો છે એમ માનીને જ તેઓ આ બાળકોની સંભાળ રાખે છે.
લીલા બા તેમની સાથે મંદિરના અન્ય સાંખ્યયોગી બહેનો સાથે પધાર્યા હતાં અને સાથે શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર દ્વારા નિર્મિત મહિલા મંદિરમાં બિરાજતાં શ્રી ઘનશ્યામ મહારાજના અન્નકોટનો પ્રસાદ લાવ્યાં હતાં. શાળામાં નિવાસ કરતાં દરેક બાળક અને બાળકીન તેઓએ પ્રેમથી ફળનો પ્રસાદ આપ્યો હતો. સફરજન, દાડમ, નારંગી, સંતરા, કેળા, બોર, ચીકુ સહિતના વિવિધ ફળો અહીં આપવામાં આવ્યાં હતાં.
લીલાબાએ બાળકોને આશીર્વાદ આપતાં કહ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણ તમારા દરેક સંકલ્પને પુરા કરે અને અમે પ્રાર્થના કરીશું કે ભગવાન તમને બોલવાની અને શ્રવણ કરવાની શક્તિ આપે.