એક લાખથી વધુ લોકો સ્વૈચ્છિક અંગદાનનો સંકલ્પ લઈને અનોખો રેકોર્ડ નોંધાવશે
માતા-પિતા વિહોણા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા જરૂરીયાતમંદ 1000 વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દત્તક યોજનાની શરૂઆત થશે
પી.પી. સવાણી ગ્રુપના સભ્યો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, મહિયરની ચૂંદડી અને 2012થી શરૂ થયેલી આ પવિત્ર પરિણય યાત્રામાં હવે ’ દીકરી જગત જનની ’ જોડાશે. આ બધા નામ માટે કોઇને પરિચય આપવાની જરૂર નથી કેમ કે બધા જ જાણે છે આ બધા શિર્ષક પીપી સવાણી દ્વારા થતા પિતાવિહોણી દીકરીઓના સમૂહલગ્નના છે. અને એ રીતે પીપી સવાણીના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂકયા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ 4572 દીકરીઓનું કરિયાવર સાથે ક્ધયાદાન કરવામાં આવ્યું છે. છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા આ સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને આ પ્રકારના અનેક લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે.
પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર પી.પી.સવાણી ગ્રુપ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ 300 દીકરીઓના લગ્ન આગામી તા.24 અને 25 ડિસેમ્બર શનિ – રવિવારના રોજ પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે સાંજે 5 વાગ્યે યોજાશે. બંને દિવસે 150-150 લગ્ન થશે આજ સમારોહમાં તા. 25’ડીસેમ્બરના રોજ સવાણી પરિવારના બે દીકરા સ્નેહ રાજુભાઈ સવાણી અને મોનાર્ક રમેશભાઈ સવાણી પણ લગ્નગ્રંથિથી જોડાશે. સેવાના આ યજ્ઞ જેવા ઉદ્દાત કાર્યમાં સહભાગી તરીકે આ વર્ષે પી.પી.સવાણી પરિવાર સાથે જાનવી લેબગ્રોન ગ્રુપના લખાણી પરિવાર જોડાયો છે.
“દીકરી જગત જનની”ના નામે આયોજિત આ કાર્યક્રમ અનેક રીતે વિશેષ બનવાનો છે. આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પી. પી. સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે અમે દિલીપદાદા દેશમુખના અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ, નિલેશભાઈ માંડલેવાલાના ડોનેટ લાઈફ ફાઉન્ડેશન અને પિયુષભાઇ ગોંડલીયાના જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી અંગદાન સંકલ્પનો અનોખો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક લાખ લોકો અંગદાનનો સંકલ્પ લેશે. અંગદાન અંગે જાગૃતિ માટે અને અંગદાન સંકલ્પ અંગે અમે અગાઉથી જ સહમતી લઇ લીધી છે. સાથે જ આ લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય એવા પરિવારના સભ્યો કરશે જેમના પરિવારમાંથી અંગદાન થયું છે અથવા અંગદાન મેળવ્યું છે.
એક સાથે એક સ્થળે એક લાખ લોકો અંગદાનનો સંકલ્પ લેશે એ એક નવો રેકોર્ડ બનશે અને આ એક વધુ સિદ્ધિ સુરતના નામે લખાશે. આ સાથે પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવનાર પી.પી.સવાણી પરિવાર એક નવું ક્રાંતિકારી પગલું લેવા જઈ રહ્યા છે. આ અંગે વિગતો આપતા પી.પી. સવાણી પરિવારના રમેશભાઈ અને રાજુભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, સીએફઈ-કોટા સાથે મળીને અનાથ, દિવ્યાંગ કે આર્થિક રીતે નબળા પરિવારના 1000 બાળકોને દત્તક લઈને એમને મેડિકલ, એન્જીનીયરીગ, સીએ જેવી ઉચ્ચ અભ્યાસના પ્રવેશ માટેની પરીક્ષાની તૈયારી કરાવાશે. આ કાર્યક્રમનું લોન્ચિંગ લગ્ન સમારોહ દરમિયાન થશે. એક સાથે આટલા બાળકોને દત્તક લઈને તૈયારી કરાવવાનું કાર્ય પણ ઐતિહાસિક પગલું છે. મહેશભાઈ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે કરિયાવર તો આપીએ જ છીએ, સાથે જ લગ્ન પછી પણ દીકરીની તમામ જવાબદારી પણ નિભાવીએ છીએ.