- રાજકોટ બનશે રામકોટ
- દેશ-વિદેશમાંથી પણ 10,000 જેટલા રામકથા પ્રેમીઓ ઉમટી પડશે: તૈયારીઓને અપાતી આખરી ઓપ
રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.વૈશ્વિક રામકથા 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ 1 લાખ લોકો વૈશ્વિક રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે.
નિમિત આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ અને સુંદર વ્યવસ્થા કરવાનું આયોજન શરૂ થઇ ગયું છે. આ સાથે અલગ- અલગ સમિતિના સ્વયંસેવકોએ પોતાની જવાબદારી ખુબજ કાળજી પૂર્વક નિભાવી આ પ્રસંગને એક ભવ્યાતિભવ્ય ઉત્સવ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. વિવિધ કાર્યો માટે અલગ અલગ પ્રકારની સમિતિઓ જેવી કે પાર્કિંગ સમિતિ, મેડીકલ સમિતિ, સ્વચ્છતા સમિતિ, મંડપ ડેકોરેશન સમિતિ, પાણી વ્યવસ્થા સમિતિ, ભોજન વ્યવસ્થા સમિતિ તેમજ ઉતારાની ચા નાસ્તા સમિતિ બનાવવામાં આવી રહી છે.વૈશ્વિક રામકથા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ બૂક કરવામાં આવ્યું છે. આ વૈશ્વિક રામકથા વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે તેમજ સૌ આબલ વૃધ્ધો માટે આધ્યાત્મિક અને ધાર્મિક અનુભવ આપવાનું વિશેષ આયોજન છે.
રાજકોટમાં રેસકોર્સના આંગણે 23 નવેમ્બરથી આરંભ થઇ રહેલ આ ધર્મઉત્સવ સ્વરૂપ વૈશ્વિક રામકથાનું રસપાન કરવાનો અમુલ્ય લાભ વધુને વધુ લોકો લઈ શકે અને લાખો લોકો બેસીને કથા શ્રવણ કરી શકે તે માટે વિશાળ ડોમ (કથા મંડપ) બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. પ. પૂ. મોરારિબાપુની વ્યાસપીઠનું સંપૂર્ણ સ્ટેજ ડેકોરેશન મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામને કેન્દ્રમાં રાખી કરવામાં આવશે. જે સમગ્ર કથા મંડપનું કેન્દ્ર બની રહેશે અને લાખો રામ ભક્તોને પૂ. મોરારિબાપુની કથામૃત વાણી સાંભળવાનો લાભ મળશે. વૈશ્વિક રામકથામાં શહેર, જીલ્લાના, રાજ્ય,દેશનાં સંતો, મહંતો, ભક્તો સહીત વિદેશી ભક્તો પણ ઉપસ્થિત રહેશે.
સ્વામી પરમાત્માનંદજી સ્વામી દયાનંદ સરસ્વતીજીના વરિષ્ઠ શિષ્ય છે. સ્વામીજીએ સ્વામી દયાનંદ સરસ્વતીજીના માર્ગદર્શન હેઠળ વેદાંત, સંસ્કૃત અને યોગમાં વ્યાપક શિક્ષણ મેળવ્યું હતું. સ્વામીજી છેલ્લા 43 વર્ષથી સમગ્ર ભારત અને વિશ્વમાં સમાજના વિવિધ વર્ગોને શાસ્ત્રો અને પ્રવચનો આપી રહ્યા છે. પ.પૂ. સ્વામીજી આર્ષ વિદ્યા મંદિર, રાજકોટ-અને-વડોદરા (ભારત) ના સ્થાપક અધ્યક્ષ, શિવાનંદ આશ્રમ અમદાવાદનાં પ્રમુખ છે – તેજ રીતે પરમાત્માનંદ સરસ્વતીજી હિંદુ ધર્મચાર્ય મહાસભાનાં આંતર રાષ્ટ્રીય ક્ધવીનર તેમજ મહામંત્રી છે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં રચાયેલ રાષ્ટ્રીય (અને રાજ્ય) આઝાદી કા અમૃત મહોત્સવ સમિતિનાં સદસ્ય, પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં રચાયેલ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી માટે રાષ્ટ્રીય (અને રાજ્ય) સમિતિનાં સદસ્ય, આદિ શંકરાચાર્ય મેમોરિયલ ટ્રસ્ટ, મધ્ય પ્રદેશ સરકાર, ભારતનાં સદસ્ય, પંડિત દીન દયાલ જન્મ શતાબ્દી ઉજવણી માટેની રાષ્ટ્રીય સમિતિનાં સદસ્ય છે.
પત્રકાર પરિષદ સંબોધતા હિંદુ ધર્માચાર્ય મહાસભાના આંતર રાષ્ટ્રીય ક્ધવીનર અને સદભાવના વૃઘ્ધાશ્રમના માર્ગદર્શક અને સંરક્ષક પૂ. પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે સંયુકત કુટુંબો ઘટી ગયા છે અને ભારતીય સંસ્કૃતિના માતૃદેવો ભવ, પિતૃદેવો ભવન ના સંસ્કારો લપ્ત થતાં જાય છે. આ કારણે સમાજનો ગરીબ વર્ગ હોય કે પૈસાદાર વગ હોય બન્ને માટે વૃઘ્ધાવસ્થા બહુ વરમી થઇ ગઇ છે. સદભાવના વૃઘ્ધાશ્રમ દ્વારા નિરાધાર શ્રમિક વડીલોને સહાય આપવામાં આવે છે. આ સેવા કાર્યને સમગ્ર વિશ્ર્વમાં ઓળખ મળે અને વિશ્ર્વના લોકો આમાંથી પ્રેરણા લે તે માટે મોરારીબાપુની વૈશ્ર્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.
સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ દ્વારા દ્વારકા શારદાપીઠનાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીનાં વૈશ્વિક રામકથાના આયોજન અંગે આશીર્વાદ મેળવાયા છે. શારદાપીઠનાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ સમગ્ર આયોજનની રૂપરેખા જાણી ખુબ આનંદની અભિવ્યક્તિ કરી હતી તેમજ પર્યાવરણની અને વડીલોની સેવા અંગે પુનીત માર્ગદર્શન આપ્યું હતું. સંસ્કાર, સંસ્કૃતિ અને સેવાનાં સિંચન સમા આ રામકથા આયોજનમાં ઉપસ્થિત રહેવા પંડીત ધીરેન્દ્ર શાસ્ત્રીને આમંત્રણ પાઠવાયું છે. બાગેશ્વરધામનાં પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રામકથાનાં આયોજનમાં નિમિત્ત આયોજકોને અભિનંદન આપ્યા છે. સ્વામી રામદેવ પતંજલિ યોગવિદ્યાપીઠનાં સ્થાપક છે. તેમનું મુખ્ય કાર્યાલય હરિદ્વારમાં આવેલું છે. યોગ ગુરુ બાબા રામદેવે યોગાસનને જનતામાં લોકપ્રિય બનાવવાનુ તેમજ આયુર્વેદિક ચિકિત્સા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કર્યું છે. સંસ્કાર, સંસ્કૃતિ અને સેવાનાં સિંચન સમા આ રામકથા આયોજનમાં બાબા રામદેવ ખાસ હાજરી આપવાના છે. શાંતિકુંજ ગાયત્રી પરિવાર, હરિદ્વારના ડો. ચિન્મયાનંદજી મહારાજને પણ રૂબરૂ આમંત્રણ પાઠવાયું છે અને તેઓ પણ ઉપસ્થિત રહેવાનાં છે. મોરારિબાપુની રામકથામાં વિશ્વ હિંદુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારજી ખાસ ઉપસ્થિત રહેશે.
તાજેતરમાં તલગાજરડા ખાતે પૂ. મોરારિબાપુને રૂબરૂ મળી વૈશ્વિક રામકથાનાં આયોજનની માઈક્રો ડીટેલ સદભાવના વૃદ્ધાશ્રમની ટીમે પૂ.બાપુને આપી હતી.
વૈશ્વિક રામકથા સાથોસાથ સમાજોપયોગી અનેક સત્કર્મો કરવામાં આવશે. ’થેલેસેમીયા મુકત સમાજ’ બની શકે તે માટે કથામાં, પધારેલા તમામ કથા ભાવિકોને થેલેસેમીયા, રકતદાન અંગેની માહિતી અપાશે, સમગ્રપણે નવેમ્બર મહિના દરમ્યાન 25,000 લોકો રક્તદાન કરશે. વૈશ્વિક રામકથા નિમિત્તે 1 નવેમ્બરથી રાજકોટની આસપાસના અલગ અલગ વિસ્તારો, કોલેજો વગેરે સ્થળોએ વૈશ્વિક રામકથાને નિમિત્ત બનાવીને રક્તદાન કેમ્પ યોજાશે. કથા સંગે, કથા પરિસર સ્થળે પણ રક્તદાન કેમ્પ યોજાશે. આખા ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલ અને બ્લડ બેંકને આમંત્રણ આપી દર્દીનારાયણ, દરિદ્રનારાયણ, થેલેસીમિયા પીડિત બાળકો માટે રક્તદાનની ઝોળી છલકાવવાનો નિમિત્ત, પ્રયાસ છે.
છેલ્લા 8 વર્ષોથી સદભાવના વૃદ્ધાશ્રમ ચાલે છે જેમાં નિ:સંતાન, નિરાધાર, બીમાર 600 વૃદ્ધો પોતાની પાછોતરી જિંદગીની ટાઢક લઇ રહ્યા છે.જેમાં 200 વડીલો તો સાવ પથારીવશ છે, ડાઇપર પર છે.વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં લઈને રાજકોટના જામનગર રોડ પર રામપર ખાતે 11 માળના 7 નવા બિલ્ડિંગવાળા નવો વૃદ્ધાશ્રમ બનાવવામાં આવી રહ્યો છે.
સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા રાજકોટના જામનગર રોડ પર શ્વાન આશ્રમ પણ ચલાવવામાં આવે છે જેમાં માનવ મિત્ર અને માનવ વફાદાર એવા બિમાર, અંધ, અપંગ,અને લાચાર 150 શ્વાનોને જીવનપર્યંત આશ્રય-સેવા-સારવાર-સુશ્રુષા કરવામાં આવે છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ગૌવંશ બળદ આશ્રમ પણ ચલાવવામાં આવે છે.જેમાં ગામ, શહેર, હાઈવે રોડ પર બળદ છુટા,રખડતા,લાચાર,બીમાર કે વયોવૃધ્ધ અવસ્થાનાં 1600 અનાથ બળદોને સાચવવામાં આવે છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા દર્દી નારાયણ, દરિદ્ર નારાયણની સેવામાં પડતર કિંમતનો સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે જેમાં ’નહિ નફો નહિ નુકસાન’ ના ધોરણે લોકોને દવાઓ પર 15% થી 60% સુધી ડિસ્કાઉન્ટ મળે છે. આ ઉપરાંતમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પશુ, પક્ષીઓ માટેની નિ:શુલ્ક પશુ હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે કે જેનો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના જીવદયા પ્રેમીઓ લાભ લે છે. આ નિ:શુલ્ક પશુ, પક્ષી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, ડોક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફ,શેલ્ટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.