33 કરોડ દેવી-દેવતાંની વાતો વચ્ચે ‘ધર્મ તૂટ્યો’!!
વાઘાથી નહીં પરંતુ ભોજન-ભજનની સાથે સેવા થકી સાંસારિક હોવા છતાં સંત થઈ શકાય : પૂ.લાલબાપુ
રાજ્યમાં હાલ કોરોના વાયરસની સાથે પશુઓમાં ફેલાયેલો લમ્પી વાયરસ કાળો કહેર વરસાવી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં લમ્પી વાયરસના કારણે અનેક પશુઓના મોત થયા છે. ત્યારે ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમના મહંત પૂજ્ય શ્રી લાલબાપુ દ્વારા ગૌમાતામાં ફેલાઈ રહેલા ઘાતક લમ્પી વાયરસથી બચાવવા માટેનો દેશી અકસીર ઉપાય સૂચવ્યો છે.
સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જ્યારે લમ્પી વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે અનેક અબોલ જીવોને ઉગારવા માટે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસે આવેલા વેણુ ગંગા ગાયત્રી આશ્રમના પૂજ્ય લાલબાપુએ એક અનોખો સેવા યજ્ઞ શરૂ કરીને આ ઘાતક લમ્પી વાયરસ સામે ગૌમાતાને બચાવવા માટે અકસીર દેશી ઈલાજ સૂચવ્યો છે. જેનાથી ઘણી બધી ગાયોના જીવ બચી ગયા હોવાનું સામે આવ્યું છે. આ લમ્પી વાયરસના કારણે સૌરાષ્ટ્રમાં અબોલ જીવોના મૃત્યુ થઈ રહ્યા છે, ત્યારે દેશી ઉપચારથી ગૌમાતાના જીવ બચાવવા માટે પૂજ્ય લાલબાપુએ હળદર અને મરીને ઔષધ ગણાવ્યા છે. જે ઉપાય સૂચવ્યો છે એ જોઈએ તો હળદર, કાળી મરીનો પાવડર, સાકર કે મધ, ઘીને રોટલીમાં ગાયોને આપવું. તેમજ ખાસ કરીને ગૌમાતાના શરીર ઉપર જે ચાઠા પડી ગયા હોય તેના પર ફટકડી અને કપૂર વાળું પાણી દિવસમાં બે ત્રણ વખત છંટકાવ કરવો અને આ ડોઝ દિવસમાં બે વખત ગૌમાતાને આપવો એવી રીતે આ ડોઝ ત્રણ દિવસ સુધી રોજ આપવાથી ગાય માતાને બચાવી શકાય છે.
હું તો નિમિત માત્ર… મારી માવડી સુઝાવે તે સાચું: પૂ. લાલબાપુ
ગૌમાતાને બચાવવી એ પુરા દરેક સમાજની ફરજ છે. જો ગાયો બચશે તો દેશ બચશે તેવું પૂ. લાલબાપુએ અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું. આ ઉપચારને જામનગરમાં આશાપુરા મિત્ર મંડળના યુવાનોએ દેશી ઉપચાર કરતા 1200 થી 1300 જેટલી ગૌ માતાને લમ્પી વાયરસથી રક્ષણ મળ્યું હોવાનું પૂ. લાલબાપુએ જણાવ્યું હતું. જેથી દરેક પશુપાલકો આ ઉપચાર કરે અને ગૌમાતાને બચાવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. પૂ. લાલબાપુએ અબતક મીડિયા સાથે અનેક મુદ્દાઓ પર જ્ઞાનસભર ચર્ચા કરી હતી.
પ્રશ્ન : હિન્દૂ સંસ્કૃતિમાં ગૌધનને આપણે જ્યારે માતાનો દરજ્જો આપીએ છીએ ત્યારે ગૌનું કેવું મહત્વ છે ?
જવાબ : આદિ અનાદિ કાળથી આપણે ગૌને માતાનો દરજ્જો આપતા આવ્યા છીએ. દેવી-દેવતાઓ, ઋષિમુનિઓ પણ ગૌમાતાને પૂજતા આવ્યા છે. સ્વર્ગમાંથી ઉતરેલી ગૌ કામધેનુનો સ્વરૂપ છે. ગૌમાતામાં 33 કરોડ દેવી-દેવતાનો વાસ છે તેમ માનીને આપણે પ્રાચીન કાળથી ગૌમાતાનું પૂજન કરતા આવ્યા છીએ. આજે ગૌ હિન્દૂ ધર્મનું એક પ્રતીક છે. હિન્દૂ ધર્મમાં ગૌ જ એક પશુ છે જેના માટે આપણે ’માં’ શબ્દનું ઉચ્ચારણ કરીએ છીએ અન્ય કોઈ ઓણ પશુ માટે ’માં’ શબ્દ વપરાતો નથી ત્યારે હિન્દૂ ધર્મમાં ગૌ માતાનું મહત્વ અમૂલ્ય છે.
પ્રશ્ન : ગૌ માતામાં લમ્પી વાયરસ નામનો ખતરનાક રોગ આવવા પાછળનું કારણ શું ?
જવાબ : અગાઉના સમયમાં ગૌ માતાને રાખવા માટે અલગ જગ્યાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. તેમનો ખોરાક પણ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ આજે ગૌ માતાને ખુલ્લી મૂકી દેવામાં આવે છે, ખોરાકની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. ત્યારે ગૌ માતા બજારમાં કચરો, પ્લાસ્ટિકનું સેવન કરે છે, ગટરનું પાણી પીવા મજબૂર છે જેના લીધે અનેક પ્રકારની અશુદ્ધિ તેમના શરીરમાં પ્રવેશે છે અને તેનું પરિણામ આજે ગૌ માતા લમ્પી વાયરસના સ્વરૂપમાં ભોગવી રહ્યા છે.
પ્રશ્ન : ગૌ માતાને લમ્પી વાયરસમાંથી બચાવવા આપે એક ઉપચાર શોધી કાઢ્યો છે તે શું છે ?
જવાબ : લમ્પી વાયરસ નામનો રોગ આજે ગૌ માતા અને ઢોર આ બે પશુઓમાં જોવા મળી રહ્યો છે જે આપણા માટે મોટી વિપત્તિ ગણાય. આ રોગ ગંભીર અને થોડો અસાધ્ય પણ છે ત્યારે આ રોગ ચિંતાનો વિષય બન્યો છે. ગૌ માતા આ વાયરસનો શિકાર ન બને તેના માટે અમે જે ઉપચાર સુચવ્યો છે તે ઘરગથ્થુ ઉપચાર છે. હળદર, કાળા મરીનો ભુક્કો, ઘી, શાકર અથવા મધ સાથે લાડુ બનાવીને ઘઉંની રોટલીમાં ભેળવી ગૌ માતાને આપવામાં આવે તો રોગ મટી જાય છે. તેમાં પણ ખાસ ગોળનું પાણી પીવડાવવાથી ગૌ માતાની ઉર્જામાં વધારો થાય છે. તેમણે કહ્યું હતું કે, રોગના લીધે ગૌ માતાના શરીર પર જે ફોડલીઓ થાય છે તેના માટે કપૂર અને ફટકડીનું પાણી ભેળવી ગૌ માતાને સ્નાન કરાવવામાં આવે તો ફોડલીઓ દૂર થઈ જાય છે.
આ ઉપચારથી અનેક ગૌ માતાનો જીવ બચ્યો છે. જામનગરમાં આશાપુરા મિત્ર મંડળના યુવાનોએ આ ઉપચાર અપનાવતા આશરે 1300 ગૌનો જીવ બચ્યો, મુન્દ્રામાં આશરે 3500 ગૌ માતાનો આ ઉપચાર થકી જીવ બચાવી લેવામાં આવ્યો છે. આજે ગૌ ભક્તો, ગૌ પ્રેમીઓ અને લોકોએ સાથે મળીને ગૌ માતાનો બચાવવા આગળ આવવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું કે, સરકાર દ્વારા જે રસી આપવામાં આવી રહી છે તે ગૌ માતાને મુકાવવી ખૂબ જરૂરી છે પરંતુ તેની સાથે આ દેશી ઓસડિયા કરવાથી ગૌ માતા બિલકુલ સુરક્ષિત રહેશે.
પ્રશ્ન : સમગ્ર વિશ્વમાં આ વાયરસે હાહાકાર મચાવ્યો છે, વિશ્વ આખાના નિષ્ણાંતો વાયરસનો ઉપચાર શોધવા દિવસ રાત એક કરી રહ્યા છે તેવા સમયમાં આપે એક બંધ ઓરડામાં રહીને દેશી ઉપચાર શોધી કાઢ્યો છે, ઘણા લોકોને આ ચમત્કાર પણ લાગે છે….
જવાબ : તેની પાછળ એક જ કારણ છે, મારી 15 વર્ષની વય હતી ત્યારથી જ મેં સન્યાસ લીધો છે. ત્યારથી જ સતત મંત્ર સાધના કરી રહ્યો છું. 11 કરોડ મંત્ર થઈ ચૂક્યા છે હજુ પણ મંત્ર સાધના સતત ચાલુ છે. 24 કલાકમાંથી 21 કલાક ગુફામાં રહી એકાંતવાસમાં રહી મંત્ર સાધના કરીએ છીએ. ફક્ત સંધ્યા આરતી સમયે 3 કલાક માટે બહાર આવીએ છીએ. આ સમયમાં લોકોમાં થતી જટિલ બીમારીઓ જેવી કે, કેન્સર, એઇડ્સ જેવા રોગોનો દેશી ઉપચાર કરીએ છીએ. આજે જટીલ બીમારીથી પીડાતા અનેક દર્દીઓ સ્વસ્થ થયા છે. દર્દીઓનો ઉપચાર કર્યા બાદ ભોજન કરી ફરીવાર એકાંતવાસમાં જઇ સાધના કરવી આ જ નિત્યક્રમ છેલ્લા 50 વર્ષથી છે. લાલબાપુએ કહ્યું હતું કે, જીવનના ત્રણ જ મંત્ર છે, સેવા કરવી, ભોજન કરાવવું અને ભજન કરવું. તેમણે કહ્યું હતું કે, આશ્રમમાં અમુક નિયમો છે. મારા બે શિષ્યો પૈકી રાજુ ભગત સતત મારી સાથે રહીને સાધના કરે છે જ્યારે દોલું ભગત આશ્રમનું સંચાલન કરે છે.
આશ્રમમાં સંયમને પ્રધાન્યતા આપવામાં આવે છે. આજે લોકોના પૈસાથી ભૌતિક સુખનના એક પણ સાધન વસાવવામાં આવ્યું નથી. આશ્રમમાં ટી.વી., રેડિયો, ટેપ રેકોર્ડર, ફોન, ગાડી, મોટર સાયકલ કશું જ રાખ્યું નથી. બાજુના ગામમાંથી દૂધ લેવા જવા માટે ફક્ત એક સાયકલ વસાવવામાં આવી છે. આહાર પણ એ જ પ્રકારે લઈએ છીએ. છેલ્લા 45 વર્ષથી ઘી-દુધનું સેવન કર્યું નથી. એકવાર એક તબીબે મને પૂછ્યું હતું કે, ઘી-દુધનું સેવન કેમ નથી કરતા? ભાવતું નથી? મેં કહ્યું હતું કે, ભાવે છે પણ ગરીબ લોકો દિવસ રાત તનતોડ મહેનત કરતા હોય છે પરંતુ છાસનું ટીપું પણ નસીબ નથી થતું અને અમે અન્ય કોઈ કાર્ય કરતા નથી, ફક્ત માળા ફેરવીએ છીએ તો પછી આ શરીરને ઘી-દુધનું સેવન કરાવવાની કોઈ જરૂરિયાત અમને લાગતી નથી. સાદું ભોજન, સાત્વિક વિચાર અને સાદગીભર્યું જીવન જીવીએ છીએ.
પ્રશ્ન : આપણા જેટલા પણ પ્રાચીન ગ્રંથો, ઉપચાર સંહિતા છે તેમાં આ પ્રકારના વાયરસના ઉપચાર હજારો વર્ષો પૂર્વે આપી દેવામાં આવ્યા હોય એવું લાગે છે ?
જવાબ : બિલકુલ. ધન્વંતરી ભગવાન થઈ ગયા. તેમણે રસાયણ અંગેના શોધ કરી હતી. તેમના બાદ ચરક ઋષિ થઈ ગયા જેમણે રસાયણ પરથી ફાકી, રસ, ગોળીઓ તેમજ સંજીવની બુટી જેવી જડ્ડીબુટી પણ વિકસાવી અને તેનો ઉલ્લેખ ચરક સંહિતામાં છે. તો આ બધું આપણી પાસે અગાઉથી જ પડેલુ છે તેવું આપણા પ્રાચીન ગ્રંથો સૂચવે છે.
પ્રશ્ન : આપણી પ્રાચીન ઉપચાર પદ્ધતિ આયુર્વેદ છે પરંતુ પશ્ચાતીય સંસ્કૃતિ હાવી થતાં એલોપેથી તરફની ઘેલછા જોવા મળે છે ત્યારે શું લાગે છે ફરીવાર હવે આયુર્વેદ તરફ વળવાનો સમય પાકી ગયો છે ?
જવાબ : ખૂબ જ જરૂરિયાત છે. તેનું કારણ છે કે, આજે લોકોમાં સહનશક્તિ ઘટી ગઈ છે. દર્દ થયું તો તાત્કાલિક મટાડી દેવું છે. આ તાત્કાલિક મટાડી દેવાથી ખરેખર તરત મટી જતું નથી. આયુર્વેદ પદ્ધતિ થોડો સમય લેશે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે, એલોપથી દર્દ મટાડી દેતું નથી પરંતુ થોડા સમય માટે દબાવી દે છે જેથી રાહતનો અહેસાસ થાય છે પરંતુ આયુર્વેદ રોગને જડમૂળથી મટાડી શકે તેવી તાકાત આયુર્વેદમાં છે.
પ્રશ્ન : આટલી ગંભીર બીમારીનો આપે એક ગુફામાં એકાંતવાસમાં રહી સચોટ ઉપચાર આપ્યો છે, તેની પાછળનો પ્રેરણા સ્ત્રોત શું છે ?
જવાબ : મારા પિતાશ્રી વૈદુ કરતા હતા. તેમણે મને વૈદુ શીખવ્યું ન હતું અને મેં તેમની પાસે આ જ્ઞાન માગ્યું પણ ન હતું પરંતુ હું બાળક હતો ત્યારથી મને ઔષધી વિશે મને ખ્યાલ હતો. મને પુસ્તક-પુરાણ-ગ્રંથ વાંચવાનો સમય મળ્યો જ નથી. નાની ઉંમરમાં જ મેં સન્યાસ લીધો હતો. નાગોદર ગામ ખાતે હું સાડા ત્રણ વર્ષ સુધી એકાંત વાસમાં રહ્યો હતો અને તે સમયે એક આસન પર બેસીને સવા કરોડ મંત્રોનો જાપ કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી ફક્ત મંત્રોનો સતત જાપ કરી રહ્યો છું પરંતુ માં ગાયત્રીની કૃપાથી આ બધી બાબતોમાં મને સુજ પડી જાય છે. ત્યારે આ ઉપચાર પાછળની પ્રેરણા માં ગાયત્રી છે તેવું મને ચોક્કસ લાગે છે.
પ્રશ્ન : ’નથી મફતમાં મળતા, એના મોંઘા મોલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા’… જ્યારે આવો ઉપચાર આપવો હોય ત્યારે એક સંતે કેટલી તપસ્યા કરવી પડતી હોય છે?
જવાબ : તપસ્યા તો કરવી જ પડે. તપસ્યાના ફળરૂપે જ આજે અમને સેવાનો એક લાભ મળી રહ્યો છે. તપસ્યાનું જ ફળ છે કે આજે માતાજીનો પ્રેમ, કરુણા, દયા પ્રાપ્ત થાય છે. તેમની પ્રેરણાને લીધે જ કોઈનું દુ:ખ-દર્દ દૂર કરવા માટે ઉત્કંઠા પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ કુદરતી રીતે સુજ પડી જાય છે. જ્યારે કોઈ દર્દીનું દર્દ દૂર થાય અને તે અમારી પાસે પરત ફરે તો તેની પાસેથી અન્ય કોઈ અપેક્ષા નથી હોતી પણ બસ તે આશીર્વાદ આપે કે અમે સતત આ સેવા શરૂ રાખી શકીએ તેના માટે અમને શક્તિ મળે અને સમાજના દરેક જીવની અમે સેવા કરી શકીએ.
પ્રશ્ન : લાલુભાથી લાલબાપુ તરફની સફરની શરૂઆત લેવી રીતે થઈ ?
જવાબ : બચપણથી અમે બાળગોઠીયા જ્યારે રમતા ત્યારે વેણુ નદી કિનારે કોઈ ઘોડો બનાવતું, કોઈ હાથી બનાવતો પરંતુ હું માતાજીની મૂર્તિ બનાવતો. મારા દાદીમાં પોતે ખૂબ પવિત્ર વ્યક્તિત્વ હતી. 100 વર્ષની વયના મારા દાદીમાની પ્રેરણાથી તુલસીકૃત રામાયણનું મે 11 વાર પઠન કર્યું હતું. મારા માતા-પિતા કામ કરતા કરતા રામાયણ સાંભળતા હતા અને દાદીમા પોતે અંધ હતા તો તેઓ પાટ પર બેસી રામાયણનું શ્રવણ કરતા. મને ત્યારથી જ પ્રેરણા મળી અને આજે હું અહી સુધી પહોંચી શક્યો છું.
પ્રશ્ન : સંત કેવો હોવો જોઈએ? સંતના ગુણ કેવા હોય ?
જવાબ : સંત કોઈ દિવસ તંત ના હોય, વૈભવશાળી ન હોય, ક્રોધી ન હોય, કામી ન હોય, લાલચુ ન હોય. આ લક્ષણો જેનામાં હોય તેને સંત કહી શકાય.
અબજો વાયરસોથી બચવા આપણા ગ્રંથોઅને ઉપચાર સંહિતામાં ડોકિયું કરવું જરૂરી !!!
પૂ. લાલબાપુએ કહ્યું હતું કે, ફક્ત લમ્પી વાયરસ જ નહીં પરંતુ તેના જેવા અનેક વાયરસથી બચવાના ઉપાય હજારો વર્ષો પૂર્વે જે આપણા પ્રાચીન ગ્રંથો અને ઉપચાર સંહિતા લખવામાં આવ્યા છે તેમાં સૂચવી જ દેવામાં આવ્યા છે પરંતુ જરૂરીયાત ફક્ત તેમાં ડોકિયું કરવાની છે.
તૂત અને તંત સંતોથી હજ્જારો જોજનો દૂર
પૂ. લાલબાપુએ સંતની વ્યાખ્યા કરતા કહ્યું હતું કે, તૂત અને તંત સંતથી જોજનો દૂર જ રહે છે. જેનામાં તંત ન હોય, ક્રોધ ન હોય, કામ ન હોય, લાલચ ન હોય, વૈભવ ન હોય તેને સંત કહી શકાય છે.
એલોપેથીની ઘેલછા છોડી આયુર્વેદ તરફ વળવા શીખ
પૂ. લાલબાપુએ લોકોને એલોપથીની ઘેલછા છોડવા શીખ આપી છે. તેમણે કહ્યું છે કે, એલોપેથી રોગ મટાડી શકતો નથી પરંતુ અમુક સમય માટે રોગને દબાવી દયે છે જેથી રાહતનો અહેસાસ થાય છે પરંતુ આયુર્વેદ જડમૂળથી રોગને મટાડી શકવા સક્ષમ છે ત્યારે હવે આયુર્વેદ તરફ વળવાની જરૂરિયાત છે.