પશ્ચિમ કચ્છના જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાએ પશ્ચિમ કચ્છના 189 એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મચારીઓની બદલી કરતાં સમગ્ર પશ્ચિમ કચ્છના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. ‘મલાઈદાર” પોલીસ સ્ટેશનોમાં નોકરી કરીને ‘વહીવટ’ કરતાં વહીવટદારોથી લઈ વર્ષોથી એક જ તાલુકાના આસપાસના પોલીસ સ્ટેશનોમાં નોકરી કરતાં પોલીસ કર્મચારીઓને જાણે વીણી વીણીને શોધીને બદલી દેવામાં આવ્યાં છે.
વહીવટદાર તરીકે કુખ્યાત બની ગયેલાં સંખ્યાબંધ પોલીસ કર્મચારીઓને સુંડાએ કોઠારા, નરા, જખૌ, દયાપર જેવા સરહદી પોલીસ સ્ટેશનોના દરવાજા દેખાડી દીધાં છે તો કેટલાંકને પોલીસ હેડક્વાર્ટર ધકેલી દીધાં છે. જો કે, ક્યાંક સૂકાં ભેગું લીલું પણ બળ્યું હોવાનો ગણગણાટ સર્જાયો છે.
બીજી તરફ, સરહદી અંતરિયાળ વિસ્તારોના પોલીસ મથકોમાં વર્ષોથી નિષ્ઠાથી નોકરી કરતાં અનેક પોલીસ કર્મચારીઓની મહત્વના પોલીસ સ્ટેશનોમાં બદલી થતાં તેઓ રાજીના રેડ થઈ ગયાં છે.
ઉલ્લેખનીય છે કે થોડાંક સમય અગાઉ રાજ્ય પોલીસ વડાએ અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનના કુખ્યાત વહીવટદારો વિરુધ્ધ કડક એક્શન લીધાં છે. પશ્ચિમ કચ્છના પોલીસ કર્મચારીઓની થયેલી બદલીની યાદીમાં રાજ્ય પોલીસ વડાના તે નિર્ણયનો પણ જાણે પરોક્ષ પડઘો પડ્યો હોય તેમ જણાય છે. જો કે, સત્તાવાર રીતે તો તમામ પોલીસ કર્મચારીઓની વહીવટી કારણોસર બદલી કરાઈ હોવાનું જણાવાયું છે. બદલી પામેલાં કર્મચારીઓને કોઈપણ જાતની રજા ભોગવ્યાં વિના બદલીવાળી જગ્યાએ હાજર થઈ જવા જણાવાયું છે.