ભક્તિનગરના પી.આઇ. વી.કે.ગઢવીની ક્રાઇમ બ્રાન્ચમાં નિમણુક : બદલી સાથે હાજર થયેલા ચાર ઇન્સ્પેકટરને પોસ્ટીંગ અપાયું : અમદાવાદથી ચાર પીએસઆઇની રાજકોટમાં બદલી
શહેરમાં ક્રાઇમ બ્રાન્ચમાં પસંશનીય ફરજ બજાવતા પી.આઇ. એચ.એમ.ગઢવીની ગતરાતે આઇબીમાં બદલી થતા તેમની જગ્યાએ ભક્તિનગર પોલીસ મથકના પી.આઇ. વી.કે.ગઢવીની નિમણુંક આપવામાં આવી છે. આ ઉપરાંત બદલી સાથે રાજકોટમાં હાજર થયેલા ચાર ઇન્સ્પેકટરને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે જેના કારણે પ્ર.નગર અને માલવીયાનગરના પી.આઇ.ની આંતરિક બદલી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ ખાતે ફરજ બજાવતા ચાર પી.એસ.આઇ.ની રાજકોટમાં બદલીના ઓર્ડર થયા છે.
શહેર પોલીસ માટે પડકાર સમાન સ્ટોન ક્લિરની ધરપકડ ઉપરાંત અનેક ધરફોડ ચોરી, ચીલ ઝડપ, લૂંટ અને અનડીટેકટ હત્યા સહિતની મહત્વની કામગીરી કરી સારી એવી લોકચાહના ધરાવતા પી.આઇ. હિતેષદાન ગઢવીની ગતરાતે આઇબીમાં બદલી હુકમ થતા સમગ્ર શહેરના પોલીસબેડામાં બદલીનો હુકમ ચર્ચાનો વિષય બન્યો છે.
ભક્તિનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઇ. વી.કે.ગઢવીની ક્રાઇમ બ્રાન્ચમાં નિમણુંક આપવામાં આવી છે. જ્યારે પશ્ર્ચિમ કચ્છમાંથી બદલી સાથે રાજકોટ હાજર થયેલા પી.આઇ..ડાંગરને સ્પેશ્યલ બ્રાન્ચમાં અને પૂર્વ ક્ચ્છમાંથી બદલી સાથે હાજર થયેલા એલ.એલ.ચાવડાને પ્ર.નગર પોલીસ મથકમાં નિમણુંક આપવામાં આવી છે. પી.આઇ. જે.ડી.ઝાલાને ભક્તિનગર, પી.આઇ. કે.એન.ભૂકણને માલવીયાનગરમાં નિમણુંક આપવામાં આવી છે.
માલવીયાનગર પોલીસ મથકમાં લાંબા સમયથી ફરજ બજાવતા પી.આઇ. એન.અને. ચુડાસમાને સાઇબર ક્રાઇમ અને પ્ર.નગર પી.આઇ. વી.એસ.વણઝારાને લાયસન્સ શાખા અને એમઓબીનો વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદ ખાતે ફરજ બજાવતા પી.એસ.આઇ. બી.ટી.ગોહિલ, એમ.બી.ગઢવી, વનરાજસિંહ જાડેજા અને મોહનભાઇ મહેશ્ર્વરીની રાજકોટમાં બદલીના હુકમ થયા છે.