વિસાવદરનાં ગોરખપુરામાં આવેલી નટવરપુરા ગૌશાળામાં સવાસોથી દોઢસો ગાયોના મોતની ચકચારી ઘટનામાં હજુ સુધી પોલીસ કાર્યવાહી કરાઇ ના હોય ગૌશાળાના ટ્રસ્ટીઓ પણ પવિત્ર ગણાતા ગૌવંશના મોત અંગે નિલેપતા દાખવતા હોય ગૌ પ્રેમીઓ અને ગૌ સેવકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોરખપરામાં આવેલી નટવરપુરા ગૌશાળામાં છેલ્લા છ માસના સમય ગાળામાં સવાસો થી દોઢસો ગાયોના અકારણ ભોત અંગે અમદાવાદ રહેતા ટ્રસ્ટીઓ દ્વારા કોઇ ગંભીરતા દખવાઇ નથી. ગાયોના મોત અંગે ગૌપ્રેમીઓના દિલ કચવાયા હોવા છતાં સ્થાનીક તંત્ર દ્વારા પણ કોઇ કાર્યવાહી હાથ ધરાઇ નથી.
નિંદનીય બાબત તો એ ગણાય કે ટ્રસ્ટના સંચાલક દ્વારા બનાવની જાણ હોવા છતાં ગૌશાળાની મુલાકાત પણ લીધી ના હોય સંચાલકો અને તંત્રની નિંભરતા સામે જીવદયાપ્રેમીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે.
ગૌશાળામાં ગાય માતાના નામે લાખોનું ભંડોળ ઉધરાવી પશુધનનાં લાલન પાલનમાં ધોર બેદરકારી દાખવી છે. ત્યારે ટ્રસ્ટના અન્ય કેટલા અને કોણ ટ્રસ્ટીઓ છે? ચેરીટી કમિશ્નર કાર્યવાહી કરશે કે કેમ? ગૌશાળાની જમીન પર પેશકદમી કરાઇ છે તો તંત્ર મૌન કેમ છે? ગૌશાળાના કેટલાક નોકરીયાતો ના પગાર પણ અટકાવાયા છે. જે અંગે ટ્રસ્ટીઓ દ્વારા સ્પષ્ટતા કરાશે કેમ સહિતના સવાલો સાથે ગૌ સેવકો અને ગૌપ્રેમીઓ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઇ છે.
હાલ ગૌશાળામાં બચેલી સો થી વધુ ગાયોને ગૌ પ્રેમીઓ દ્વારા ઘાસચારો નાખી વધુ કોઇ ગાયોના મોતના થાય તે માટે સંભાળી લેવાઇ રહી છે. બીજી બાજુ માનવતા વિહોણા બનેલા સંચાલકો ની નફફટાઇ ચર્ચાનો વિષય બની છે.