શરૂઆતનાં દિવસોમાં તો ઠંડીને લીધે મારી હાલત એવી બગડી કે ન પૂછો વાત! અમુક કલાકો પૂરતું બહાર ઘૂમવા નીકળું ને હાજા ગગડી જાય: શિયાળાનાં ભોજનની વેરાયટી પણ અતિ મર્યાદિત! કાચું અથવા ફ્રોઝન (થીજવેલું) માંસ અને સૂપ.”
શિયાળો કેવો આકરો લાગી રહ્યો છે ને! 10-12 ડિગ્રી સેલ્શિયસ તાપમાનમાં પણ જાણે સઘળું જગત ઠંડાગાર થઈ ચૂક્યું હોય એવો ભાસ થાય છે. આ લખતી વેળાએ પણ, વહેલી સવારે ધાબળાની અંદર લેપટોપનાં કી-બોર્ડ પર આંગળીઓ ઠંડીને કારણે સુન્ન પડી રહી હોય એવું લાગ્યા રાખે છે! આઠ-નવ વાગ્યા પહેલા પથારીમાંથી ઉભું થવું ન ગમે એવી આ મૌસમમાં ધ્રુવપ્રદેશો પર વસવાટ ધરાવનાર લોકોની હાલત શું થતી હશે એનો વિચાર આવ્યો છે ક્યારેય? એમની રોજિંદી જિંદગી કેવીક હશે? નોકરી-ધંધો કરવા માટે તેમને રોજબરોજ કેવીક કઠિનાઈઓનો સામનો કરવો પડતો હશે? ઘરની બહાર નીકળો અને ફક્ત બરફની સફેદ ચાદરનું સામ્રાજ્ય જ જોવા મળતું હોય ત્યાં લોકો રહી કેવી રીતે શકતાં હશે!?
આજે જે વાત કરવાની છે એનાં મૂળમાં જ આ વિચાર છે. વિશ્વનું એક એવું ગામડું, જ્યાંનું સરેરાશ તાપમાન માઇનસ 58 ડિગ્રી ફેરનહિટ (-58 ડિગ્રી ઋ) છે! રશિયાનાં યકુતિયા (સાઇબીરિયા) પ્રદેશનું આ ગામડું (ઓઇમ્યાકોન) 500 લોકોનું ઘર છે! જ્યાં મારી-તમારી જેમ તમામ રહેવાસીઓ વહેલી સવારે ઉઠીને કામ પર જવા નીકળી પડે છે અને સાંજ પડ્યે ઘેર પરત ફરે છે. ઠંડી અને બરફને ત્યાં રોજબરોજની જિંદગી સાથે એવી રીતે વણી લેવાયા છે જાણે દૂધમાં સાકર! અરે, હદ તો ત્યારે થઈ જાય જ્યારે તમે ઘરની બહાર નીકળો અને આંખો તથા પાંપણ ભેજને લીધે બરફમાં તબદીલ થઈ જાય! ઓઇમ્યાકોનનાં રહેવાસીઓ પોતાની કારને ક્યારેય બંધ નથી કરી શકતાં, કારણકે ઓફ્ફ મોડમાં આવી ગયેલા એન્જિનને ફરી સ્ટાર્ટ કરવામાં તેમને ભારે શ્રમ વેઠવો પડે છે. આખા વર્ષ દરમિયાન જે સ્થળનું સરેરાશ તાપમાન આટલું નીચું રહેતું હોય ત્યાંના શિયાળાની તો વાત જ શું કરવી! 2013ની સાલમાં ત્યાં સૌથી નીચું તાપમાન (માઇનસ 98 ડિગ્રી ફેરનહિટ) નોંધવામાં આવ્યું હતું! સામાન્યત: મંગળવારે બંધ રહેનારી ત્યાંની સ્કૂલોમાં પણ આજ સુધી ક્યારેય ઠંડીને કારણે રજા પાડી દેવામાં આવી હોય એવું નથી બન્યું. એમ છતાંય 500ની વસ્તી ધરાવનારા આ વિસ્તારમાં માતા-પિતા પોતાનાં બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલે છે. ઠંડીની મૌસમમાં 21 કલાકની ઘનઘોર રાત અને કાળુંડિબાંગ અંધારુ! ફક્ત ત્રણ કલાકનો દિવસ. ને એમાંય વાદળછાયું વાતાવરણ! આવી વિષમ આબોહવા ધરાવતાં પ્રદેશમાં લોકોને કામ કરતાં જોવા એ આશ્ચર્યની સાથોસાથ હિંમત માંગી લે એવી વાત છે.
અમેરિકન અખબાર ધ વોશિંગ્ટન પોસ્ટનાં ફોટો-જર્નલિસ્ટ એમોસ ચેપ્પલ 2015ની સાલમાં ન્યુઝીલેન્ડથી ઓઇમ્યાકોન સુધી ફક્ત ત્યાંની જિંદગીનો આસ્વાદ માણવા માટે લાંબા થયા હતાં. મુખ્ય શહેરોથી લગભગ 500 માઇલ્સનાં અંતરે આવેલા આ અંતરિયાળ બરફીલા પ્રદેશ સુધી પહોંચવા માટે ભાઈને બહુ વલખા મારવા પડ્યા! મોસ્કોથી સાત કલાકની થકાવનારી ફ્લાઇટ (3300 માઇલ્સની યાત્રા!), એ પછી તો બે દિવસ સુધી રાહ જોયા બાદ એમને ઓઇમ્યાકોનનાં ગેસ-સ્ટેશન સુધીની વેન નસીબ થઈ અને ત્યારે છેક જઈને તેઓ પહોંચ્યા ગામની અંદર! (એ બે દિવસ દરમિયાન ઠંડકને લીધે ઠુઠવાઈને તેમનાં હાડકા પણ બરફનાં બની ગયા. જીવિત રહ્યા તો ફક્ત રેન્ડિયરનું સૂપ પીને!) જુએ છે તો, ફક્ત સફેદ બરફનું રણ!
ઓવર ટુ એમોસ ચેપ્પલ : શરૂઆતનાં દિવસોમાં તો ઠંડીને લીધે મારી હાલત એવી બગડી કે ન પૂછો વાત! અમુક કલાકો પૂરતું બહાર ઘૂમવા નીકળું ને હાજા ગગડી જાય. શિયાળાનાં ભોજનની વેરાયટી પણ અતિ મર્યાદિત! કાચું અથવા ફ્રોઝન (થીજવેલું) માંસ અને સૂપ. વાતાવરણને લીધે ત્યાં કશું ઉગી શકે એવી કોઇ શક્યતા જ નથી. રહેવાસીઓ લાંબી થીજવેલી માછલી, રેઇન્ડિયરનું માંસ, ઘોડાનું કાચું યકૃત અને એનાં લોહીનાં આઇસ-ક્યુબને મેકરોની સાથે ખાવાનું પસંદ કરે છે! આ સિવાય ત્યાં ખાવા-પીવા બાબતે અન્ય કોઇ વિકલ્પ ઉપલબ્ધ નથી. આ તમામ પ્રકારનું ખાણું પણ ઓઇમ્યાકોનનાં લોકો માટે તો લક્ઝરી જ ગણી શકાય! ફ્રોઝન-ફિશ ખરીદવા માટે નીકળો એટલે ત્યાંની શાક-માર્કેટમાં તમને મોટી મોટી માછલીઓ બહાર હવામાં ખુલ્લી ઉભી અવસ્થામાં ડિસ્પ્લેમાં રાખેલી જોવા મળે! રેફ્રિજરેટરની તો એ લોકોને કોઇ આવશ્યકતા જ નથી એમ સમજી લો. બજારનું ફિલ્માંકન કરતી વેળાએ પણ મારી હાલત ઠરીને ઠિકરું થઈ ગઈ, એવામાં અહીંના વેપારીઓ આખો દિવસ ઉભા રહીને કઈ રીતે વેપાર કરી જાણતાં હશે એ નવાઈ પમાડે એવી બાબત છે!
કેટલાકનાં મનમાં પ્રશ્ન ઉઠશે કે આટલા નીચા તાપમાનમાં માણસને બાથરૂમ જવું હોય તો? મોટાભાગનાં બાથરૂમ અહીં આઉટ-હાઉસમાં છે! પાઇપ્સ માટેની કોઇ પોસિબ્લિટી જ નથી. તમામ ઘર અને ધંધાકીય જગ્યાઓ પર સેન્ટ્રલ હીટિંગ અને બેક-અપ જનરેટર રાખવા ફરજિયાત છે, જેથી કમરાનું તાપમાન સામાન્ય થઈ શકે. ગામની મધ્યમાં આવેલું બળદનું કોંક્રિટ-સ્ટેચ્યુ એ ઓઇમ્યાકોનને વિશ્વનાં સૌથી ઠંડા પ્રદેશનું બિરૂદ આપી રહ્યું છે. ઓઇમ્યાકોનનો અર્થ છે : કદી ન થીજી શકે એવું પાણી! 1920ની સાલમાં જ્યારે ગામડાનું નામ પડ્યું ત્યારે બહારથી મુલાકાતે આવનાર આગંતુકો પોતાનાં રેન્ડિયરને પાણી પીવડાવવા માટે અહીં મુકામ કરતાં હતાં. પરંતુ આજે પરિસ્થિતિ બદલી ગઈ છે. બધું જ ઠંડાગાર છે! જનજીવન લગભગ નિષ્ક્રિય ગણી શકાય. એમ છતાંય દર વર્ષે આકરા શિયાળો પૂરો થયા બાદ ગામવાસીઓ ભેગા થઈને કોલ્ડ પોલ ફેસ્ટિવલ ઉજવે છે, જેમાં તેઓ અલગ-અલગ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરીને વિશ્વને પોતાનાં જીવન જીવવાની હોંશનું ઉદાહરણ પૂરું પાડે છે!