વૃદ્ધ ઇમિટેશનનું કામ કરતા હતા ત્યારે ગેસ લીકેજ થતા ભડકો થયો’તો : ગંભીર રીતે દાઝયા બાદ છત માથે પડતા ઘવાયા’તા
બાટલાના બ્લાસ્ટના પ્રચંડ અવાજથી આજુબાજુના લોકો બન્યા ભયભીત: ફાયર વિભાગ દોડી ગયું
શહેરમાં ગ્રીન લેન્ડ ચોકડી પાસે આવેલી સોસાયટીમાં ઇમિટેશનનું કામ કરતા પટેલ વૃદ્ધનું ઓક્સિજનનો બાટલો ફાટતા ગંભીર રીતે દાઝી જવાથી સારવારમાં મોત નીપજ્યું છે. બાટલો ફાટયા બાદ છત પણ તૂટી હતી અને વૃદ્ધની માથે પડતા ઇજા પહોંચી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરૂપતિ બાલાજી સોસાયટીમાં શેરી -3માં રહેતા અને ઘરની ઉપરના માળે જ ઇમિટેશનનું કામ કરતા ચતુરભાઈ લખાભાઈ ડોબરીયા (ઉ.વ.60) નામના પટેલ વૃદ્ધ આજે સવારે પોતાના ઘરે ઇમિટેશનનું કામ કરતા હતા. ત્યારે અચાનક ઓક્સિજનનો બાટલો ફાટ્યો હતો. ગેસનો બાટલો ફાટતાની સાથે જ ધડાકો થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. દરમિયાન ગેસનો બાટલો ફાટતા જ છત પણ ધરાશાઈ થઈ હતી અને તે ચતુરભાઈની માથે પડી હતી. જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી.
આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધા બાદ ઇજાગ્રસ્ત ચતુરભાઈને સિવિલમાં દાખલ કર્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવારમાં મોત નિપજ્યું હતું. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ કરતા મૃતક 4 ભાઈ અને 2 બહેનમાં ત્રીજા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ ખેતીકામની સાથે ઇમિટેશનનનું કામ પણ કરતા હતા.
ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના આગેવાનો દોડી ગયા
ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઇમિટેશનનું કામકાજ વેળાએ ઓક્સિજનનો બાટલો ધડાકાભેર બ્લાસ્ટ થતા એક વૃદ્ધનું મોત થયું હતું આ અંગે ઘટનાની જાણ થતા ધારાસભ્ય ઉદયકાનગઢ સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘટના અંગે જાત નિરીક્ષણ કર્યું હતું અને તંત્રને જરૂરી સુચના પાઠવી હતી. આ સાથે ઘટનામાં ભોગ બનેલા વૃદ્ધના પરિવાર સાથે વાતચીત કરી તેમને સાંત્વના પાઠવી હતી.