શહેરોમાં કોમર્શીયલ બિલ્ડીંગની બહાર થતુ બેફામ પાર્કિંગ અને તેને કારણે ટ્રાફિકની સમસ્યાને ટાળવા અમદાવાદ મ્યુનિસિપલે સ્પષ્ટતા કરી છે કે મુલાકાતીઓ માટે કોમર્શીયલ કોમ્પ્લેક્ષોમાં ફરજીયાત વાહન પાકિર્ંગની સુવિધા હોવી જોઈએ. કોમર્શીયલ બિલ્ડીંગ બનાવો છો તો મુલાકાતીઓની પાર્કિંગ સુવિધા તમારી જ જવાબદારી છે.
મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે જણાવ્યું હતું કે રોડ પર કોઈ પણ વાહનો પાર્ક કરે નહીં. બુધવારે તેની સુચના બહાર પાડવામાં આવી હતી. તેમજ પાર્કિંગની જગ્યાનો અન્ય ઉપયોગ ન કરવા પણ સુચના અપાઈ છે. પાર્કિંગમાં કોઈપણ પ્રકારનું બાંધકામ કરાશે નહી અને છે તો તેને હટાવવામાં આવશે. એએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે, તેમને ઘણી ફરિયાદો મળી રહી છે કે કોમ્પ્લેક્ષની બહાર રોડ પર વાહન પાર્ક કરવા તેમને ધકેલવામાં આવે છે અને રોડ પર પાર્ક કર્યા બાદ ટ્રાફિક સમસ્યાઓ સર્જાય છે. અમુક પૈસાદારોના તો રોડ પર પાર્કિંગ માટેના પણ માણસો હોય જે ચુકવણી કરતા હોય છે અને ટ્રાફિક ચેક આવે તો બચી જતા હોય છે.
નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, બિલ્ડીંગના માલિકોની જવાબદારી છે કે કોઈ મુલાકાતીઓ રોડ પર પાર્કિંગ કરે નહીં, જો સુવિધા નથી તો બિલ્ડીંગોએ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવી પડશે. તેમજ કોમ્પ્લેક્ષોએ મુલાકાતીઓને પાર્કિંગ સુવિધાની માહિતી આપવી પડશે.