વેઈટર સાથે જમવા બાબતે માથાકૂટ કર્યા બાદ આઠેય શખ્સોએ ધોકા- પાઇપ વડે રેસ્ટોરેન્ટમાં તોડફોડ કરી ; સ્વબચાવ માટે વળતો હુમલો કરતા આઠેય શખ્સોએ પથ્થમારો કર્યો : સીસીટીવી ફૂટેજમાં મારમારીની ઘટના કેદ
શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક પાસે આવેલા રાજભોગ રેસ્ટોરન્ટના માલિક સાથે રાત્રીના સમયે જમવા બાબતે આઠેક શખ્સોએ બોલાચાલી કર્યા બાદ ધોકા – પાઇપ વડે રેસ્ટરોન્ટમાં તોડફોડ કરી નાશી છૂટ્યા હતા.થોડા સમય માટે સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ ફેલાતા ગાંધીગ્રામ પોલીસ દોડી ગઈ હતી. સીસીટીવી ફુટેજના આધારે આઠેક શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અયોધ્યા ચોક પાસે રાજા પાર્કમાં રહેતા અયોધ્યા ચોકમાં રાજભોગ રેસ્ટરોન્ટ ધરાવતા પ્રદીપ કાના ઓડેદરા ( ઉ.વ ૪૯ ) એ રાત્રીના સમયે રેસ્ટરોન્ટમાં અન્ય કર્મચારી સાથે કામ કરતા હતા. ત્યારે રાત્રીના ૧ ; ૦૦ વાગ્યે નશાની હાલતમાં આવેલા સંજય ઝલું બસિયા સહિત આઠેક શખ્સોએ આવી જમવાનું માંગી વેઈટર સાથે બોલાચાલી કરી ઝગડો કર્યો હતો. જે બાબતે સમજાવટ કરવા ગયેલા રેસ્ટરોન્ટ માલિક પ્રદીપ ઓડેદરાને પણ ગાળો ભાંડી આઠેય શખ્સોએ ઝગડો કરી ચાલતી પકડી હતી.
બાદમાં ફરી વખત ધોકા- પાઇપ સાથે ધસી આવેલા સંજય બસિયા સહિત આઠેય શખ્સોએ રેસ્ટરોન્ટમાં તોડફોડ કરવાનું શરૂ કરી રેસ્ટરોન્ટ મલિક સહિત વેઇટરને ધોકા પાઈપથી ફટકાર્યા હતા. સ્વબચાવ માટે અન્ય વેઇટરોએ ધોકા ઉગામતા ઉશ્કેરાયેલા આઠેય શખ્સોએ ગેટ બહાર ધસી જય બેલા , ઇટ ,પથ્થર વડે પથ્થરમારો કરી ધમકી આપી નાશી છૂટ્યા હતા. જે સમગ્ર ઘટના રેસ્ટરોન્ટના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગઈ હતી. બનાવ અંગે સ્થાનિક વિસ્તરમાં ભયનો માહોલ સર્જાતા ગાંધીગ્રામ પોલીસ દોડી ગઈ હતી.
ઘવયેલા રેસ્ટરોન્ટ માલિકેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી સીસીટીવી ફુટેજના આધારે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે શહેરમાં રાત્રીના સમયે નશો કર્યા બાદ આવરા તત્વો ઈંડા લારી – રેસ્ટરોન્ટમાં જમવા નીકળતા હોય છે. નજીવી બાબતે વેઈટર સાથે ડખ્ખો કરી મારકુટ કરી કાયદાનું ચીરહરણ કરતા હોય છે.