મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, બાંધકામ કમિટી ચેરમેન અને મનીષભાઈ રાડિયાની જાહેરાત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરળ પરિવહન માટે અને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિવિધ સ્થળે કુલ ચાર ઓવરબ્રિજ બનાવવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. જેમાં કાલાવડ રોડ પર કેકેવી ચોક અને જડુસ ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાના મવા ચોક, રામદેવપીર ચોકનો સમાવેશ થાય છે, તેમ મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, બાંધકામ કમિટી ચેરમેન અને મનિષ રાડિયાએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, કાલાવડ રોડ પર કેકેવી ચોક ખાતે અંદાજે રૂ. ૯૭,૮૪,૪૩,૫૯૫ના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે. બ્રિજની લંબાઈ ૧૧૫૨.૬૭ રનિંગ મિટર છે. કાલાવડ ગામ તરફ બ્રિજની લંબાઈ ૧૧૮.૭૩ મિટર અને કોટેચા ચોક તરફ ૧૨૪.૯૪ મિટર છે. કાલાવડ રોડ પર મહાપાલિકા ના સ્વિમિંગ પૂલથી કોટેચા સર્કલ નજીક ડોમિનોઝ પાસે બ્રિજ પૂર્ણ થશે. જ્યારે જડુસ ચોક ખાતે અંદાજે રૂ. ૧૯,૭૭,૪૩,૫૨૪ ના ખર્ચે ઓવરબ્રિજ બનશે. આ બ્રિજની લંબાઈ ૩૭૦.૩૯ રનિંગ મિટર છે. કાલાવડ ગામ તરફ બ્રિજની લંબાઈ ૧૦૨.૭૬ મિટર અને કેકેવી હોલ તરફ ૯૨.૬૩ મિટર છે. આ બ્રિજ મોટા મવાથી શરૂ થઇ એ.જી. ચોક પાસે બ્રિજ પૂર્ણ થશે.
૧૫૦ રિંગ રોડ પર નાના મવા ચોક ખાતે અંદાજે રૂ. ૩૦,૪૦,૨૬,૭૯૭ ના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે. બ્રિજની લંબાઈ ૬૩૦ રનિંગ મિટર છે. બાલાજી હોલ તરફ બ્રિજની લંબાઈ ૧૬૭.૫૦ મિટર અને મહાપાલિકાની વેસ્ટ ઝોન ઓફિસ તરફ ૧૯૭.૫૦ મિટર છે. ટ્વીન સ્ટાર બિલ્ડિંગથી શરૂ થઇ રિલાયન્સ મોલ નજીક બ્રિજ પૂર્ણ થશે.
૧૫૦ રિંગ રોડ પર રામદેવપીર ચોક ખાતે અંદાજે રૂ. ૨૮,૬૩,૩૧,૮૨૭ ના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે. બ્રિજની લંબાઈ ૬૩૦ રનિંગ મિટર છે. શીતલ પાર્ક તરફ બ્રિજની લંબાઈ ૧૭૭.૫૦ મિટર અને નાણાવટી ચોક તરફ પણ ૧૭૭.૫૦ મિટર છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનથી શરૂ થઇ વિઝન ૨૦-૨૦ બિલ્ડિંગ નજીક બ્રિજ પૂર્ણ થશે.