પાલિકા અને આર એન્ડ બી વચ્ચે હદનો વિવાદ રસ્તો બનાવવા એકબીજાને ખો
થાનગઢના મેઇન રોડ બિસ્માર બની ગયો હોવાથી ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. જેમાં વાહનો ફસાવા અને નુકસાન થવાના બનાવો વધતા લોકોમાં રોષ ફેલાયો છે. જેમાં 1 સ્કૂલ બસ ફસાવાનો ભય રહ્યો હતો. આ રોડની હદ મામાલે પાલિકા અને આર એન્ડ બી વિભાગ વચ્ચે વિવાદને લઇ લોકો હેરાન થઇ રહ્યા છે.થાનગઢ વિસ્તારની અંદર 300થી વધારે સિરામિક ઉદ્યોગ આવેલા છે. જે વર્ષે લાખો રૂપિયાનો નગરપાલિકાને વેરો ભરી રહ્યા છે. વર્ષે 100 કરોડથી પણ વધારે જીએસટી ભરવામાં આવી રહ્યો છે.
પરંતુ થાનના લોકોને પ્રાથમીક સુવિધા રસ્તા જેવી મળતી નથી. થાનગઢના મેઇન રોડના રસ્તા ઉપર 3-4 ફૂટના ખાડા પડી ગયા છે અને અનેક વાહનો ફસાઈ જવાની સમસ્યા વકરી છે. ત્યારે ચોટીલા વચ્ચે સ્કૂલ બસ ફસાઈ જતા જોવા મળી હતી. જેમાં કોઇને ઇજા કે જાનહાનિ ન થઇ પણ બસ કાઢતા પરસેવો વળી ગયો હતો. આ અંગે થાન કોંગ્રેસના મંગળુભાઇ ભગત, બાપાલાલ ઝાલા, બાબુભાઇ પારઘીએ જણાવ્યું કે થાનના લોકોના નસીબે સારા રસ્તા પણ નથી.
હાલ રોડની હદ મામલે થાનગઢ નગરપાલિકા અને આરએન્ડબી વચ્ચેનો વાદવિવાદ ક્યારે પૂરો થશે તે જોવાનું રહ્યું બંને વચ્ચે વાદવિવાદ હોવાથી આ રોડનું કામ થતું નથી.આર એન્ડ બીના અધિકારી જણાવે છે કે આ રોડ નગરપાલિકામાં આવી રહ્યો છે અને નગરપાલિકાના અધિકારી કે છે કે આરએન્ડબીમાં આવે છે. જિલ્લા કક્ષાનો 15મી ઓગસ્ટ અહીં ઉજવાઇ રહ્યો છે. જો આ ખાડા પૂરવામાં નહીં આવે તો કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવવામાં આવશે. તેવી ચીમકી આપી હતી.