Abtak Media Google News

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં મેઘ મહેર: સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે પણ વ્યાપક વરસાદ: બોટાદમાં અઢી, સુત્રાપાડામાં પોણા બે ઇંચ, ગારીયાધારમાં દોઢ ઇંચ, કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગરમાં એક ઇંચ વરસાદ: દક્ષિણ ગુજરાતના નવસારી, સુરતમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો: હજુ બે દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતને તરબોળ કર્યા બાદ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં પણ હેત વરસાવ્યું હોય તેમ સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ જિલ્લામાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો હતો. જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં સતત ચોથા દિવસે મેઘમહેર રહી હતી. સુત્રાપાડામાં ધોધમાર પોણા બે ઇંચ, ગારીયાધારમાં દોઢ ઇંચ, કચ્છ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગરમાં એક ઇંચથી લઇને ઝાપટા વરસ્યા હતા. ઉપરાંત રાજકોટ, જામનગર જિલ્લામાં છૂટા છવાયા ઝાપટા સહિત રાજ્યના 159 તાલુકાઓમાં વરસાદ થયો હતો. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થળોએ અડધાથી લઇ એક ઇંચ જેટલો વરસાદ થયો હતો.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ધોધમાર પોણા બે ઇંચ તો ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં દોઢ ઇંચ જેવો ધોધમાર વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મોટાભાગના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા સપ્તાહથી અવિરત મેઘરાજાની મહેર જારી છે. સાંજ સુધીમાં સુત્રાપાડામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જિલ્લાના ઊનામાં દોઢ ઇંચ તેમજ ગીરગઢડામાં પોણો ઇંચ જેટલો વરસાદ અને કોડિનાર તાલુકામાં પણ પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. પાલીતાણામાં દોઢ ઇંચ જ્યારે ભાવનગરમાં બે કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જેસર તથા સિંહોરમાં પોણો ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

અમરેલી જિલ્લામાં પણ મેઘ મહેર થઇ હતી. રાજુલામાં સવા ઇંચથી વધુ જ્યારે લીલીયામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો.

કચ્છમાં આદ્રા નક્ષત્રમાં શરૂ થયેલી મેઘ મહેર સતત સાતમા દિવસે યથાવત છે. કચ્છના રાપરમાં સવા ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો તો ભચાઉમાં પણ પોણા ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ બપોર બાદ જોરદાર વરસાદ વરસતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

મોરબી જિલ્લામાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી. હળવદમાં એક ઇંચ, મોરબીમાં પોણા ઇંચથી વધુ, ટંકારામાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢમાં પણ પોણા ઇંચ કરતા વધુ જ્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં છૂટા છવાયા સામાન્ય ઝાપટા વરસ્યા હતા. જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં અડધો ઇંચ તો અન્યત્ર ઝાપટા વરસ્યા હતા. જ્યારે રાજકોટ તથા જામનગર જિલ્લામાં છૂટા છવાયા ઝાપટા વરસ્યાના અહેવાલ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ મેઘો ઓળઘોળ થયો છે. હજુ ઘણા ખરા જિલ્લા એવા છે કે જેમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. આ હાલતમાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે અને ધોધમાર વરસાદ વરસે તેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.