- RTE (રાઇટ ટુ એજ્યુકેશન)માં 2.37 લાખ ફોર્મ ભરાયા
- આ વર્ષે 93 હજાર જેટલી બેઠકો છે, જેની સામે આ વર્ષે કુલ 2.37 લાખ ફોર્મ ભરાયા છે
- આવક મર્યાદા પધારતા RTE નીચે આશરે 45,000 થી વધુ અરજીઓ આવી
- ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 1,930 અરજીઓનો વધારો દેખાયો
ગુજરાત સરકારે ખાનગી શાળાઓમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને મફત શિક્ષણ આપવાની યોજના, એટલે કે શિક્ષણ અધિકાર (RTE) હેઠળ પ્રવેશ માટેની કેટલીક મહત્વની જાહેરાતો કરી છે. આ યોજના હેઠળ, ખાનગી શાળાઓ તેમની કુલ બેઠકોમાંથી 25% બેઠકો આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો માટે અનામત રાખે છે. ત્યારે તાજેતરમાં જ ગુજરાત સરકારે આવક મર્યાદામાં વધારો કર્યા બાદ અરજી માટે સમાપ્ત થયેલી અંતિમ તારીખ લંબાવ્યા પછી ખાનગી શાળાઓમાં શિક્ષણ અધિકાર (આરટીઇ) બેઠકોમાં પ્રવેશ માટે કુલ 2,37,317 અરજીઓ સબમિટ કરવામાં આવી હતી.
ગુજરાતની ખાનગી સ્કૂલોમાં પહેલાં ધોરણમાં RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ વિના મૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત આવક મર્યાદા વધાર્યા બાદ ફોર્મ ભરવાની વધારેલી મુદ્દત આજે પૂરી થઈ ગઈ છે અને આ વર્ષે 2.37 લાખથી વઘુ ફોર્મ ભરાયા છે. આવક મર્યાદા વધવાને કારણે 45 હજાર ફોર્મ વધારે ભરાયા છે.
93 હજાર બેઠક સાથે અઢી લાખથી વધુ ફોર્મ ભરાયા
સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા RTE હેઠળ પ્રવેશ માટે દર વર્ષે માર્ચ-એપ્રિલમાં ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામા આવે છે. જેમાં રાજ્યની 10 હજારથી વધુ ખાનગી સ્કૂલોમાં પહેલાં ધોરણમાં 25 ટકા બેઠકો પર ગરીબ, અનાથ, દિવ્યાંગ તેમજ અનામત કેટેગરી સહિતના વિવિધ 13 કેટેગરીના બાળકોને મેરિટ-માપદંડોને આધારે વિના મૂલ્યે પ્રવેશ અપાય છે. આ વર્ષે 93 હજાર જેટલી બેઠકો છે, જેની સામે આ વર્ષે કુલ 2.37 લાખ ફોર્મ ભરાયા છે.
આવક મર્યાદા વધારતા ફોર્મમાં થયો વધારો
RTEમાં વાલીની આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે 1.80 લાખ અને ગ્રામ્ય માટે 1.50 લાખ હતી, જે મુજબ આ વર્ષે ફોર્મ ભરવાનું શરૂ પણ થઈ ગયું હતું .પરંતુ, સરકારે ફોર્મ ભરવાની નિયત મુદ્દત પૂરી થયા બાદ આવક મર્યાદા વધારીને શહેરી-ગ્રામ્ય તમામ માટે 6 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી, જેને પગલે RTEમાં ફોર્મ ભરવાની મુદ્દત વધારીને 15 માર્ચ કરવામા આવી હતી. મંગળવારે આ મુદ્દત પૂરી થઈ ગઈ છે. આવક મર્યાદા વધાર્યા બાદ 44,994 ફોર્મ ભરાયા છે. આમ, આવક મર્યાદા વધતા વાલીઓને ફાયદો થયો છે. પરંતુ, હજારો બાળકો બેઠકો ઓછી હોવાના કારણે પ્રવેશથી વંચિત રહેશે.
RTE હેઠળ પાત્રતા માટેની આવક મર્યાદા શરૂઆતમાં વાર્ષિક રૂ. 1.5 લાખ હતી, પરંતુ માર્ચમાં તેને વધારીને રૂ. 6 લાખ કરવામાં આવી, જેના કારણે 44,994 વધારાની અરજીઓ આવી. દસ્તાવેજ ચકાસણી અને મંજૂરી સહિતની પ્રવેશ પ્રક્રિયા હવે આગળ વધશે, જેમાં સીટ ફાળવણીનો પ્રથમ રાઉન્ડ 28 એપ્રિલના રોજ યોજાશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ખાનગી શાળાઓમાં ધોરણ 1 માટે RTE પ્રવેશ 28 ફેબ્રુઆરીથી શરૂ થયો હતો, જેની મૂળ સમયમર્યાદા 12 માર્ચ હતી. આ યોજના હેઠળ કુલ 93,527 બેઠકો ઉપલબ્ધ છે, જે ભાગ લેતી શાળાઓમાં 25% બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમજ પ્રારંભિક સમયમર્યાદા પછી, સબમિટ કરેલા ફોર્મની ચકાસણી અને મંજૂરી 13 માર્ચ સુધીમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો, અને પ્રથમ ફાળવણી રાઉન્ડ 27 માર્ચ માટે આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આવક પાત્રતા મર્યાદામાં વધારા બાદ, ઓનલાઈન પોર્ટલ ફરીથી ખોલવામાં આવ્યું હતું, અને વિસ્તૃત સમયમર્યાદા 9 એપ્રિલના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. હવે, જિલ્લા સ્તરના અધિકારીઓ બુધવાર સુધીમાં નવા સબમિટ કરાયેલા ફોર્મ માટે મંજૂરી અને અસ્વીકાર પ્રક્રિયા પૂર્ણ કરશે.
જે અરજદારોના ફોર્મ નામંજૂર થયા છે તેમણે 23 એપ્રિલ સુધીમાં તેમના તમામ દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. ત્યારપછી અંતિમ યાદી તૈયાર કરવામાં આવશે અને પ્રવેશ ફાળવણીનો પ્રથમ રાઉન્ડ 28 એપ્રિલે યોજાશે. ગયા વર્ષની સરખામણીમાં, જ્યારે રાજ્યભરમાં 45,000 RTE બેઠકો માટે લગભગ 2.35 લાખ ફોર્મ સબમિટ કરવામાં આવ્યા હતા, આ વર્ષે લગભગ 1,930 અરજીઓનો વધારો જોવા મળ્યો છે.