સોશિયલ મીડિયાના વાયરસે બોગસ ખાતાનો ઢગલો કર્યો!
સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ફેબ્રુઆરીનો રિપોર્ટ કર્યો જાહેર : યુઝરની ફરિયાદ, સુરક્ષા અને નિયમોનું ઉલ્લંઘન સહિતના મુદ્દે લાખો એકાઉન્ટ્સ બ્લોક કરવાની કાર્યવાહી
શાહુકારને એક આંખ અને ચોરને સો આંખ, આ કહેવત મુજબ અત્યારે સોશિયલ મીડિયામાં ભ્રામકતા ફેલાવવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. લોકોને ખોટા વ્યુ બતાવવા બોગસ એકાઉન્ટ્સનું દુષણ પણ ચાલી રહ્યું છે. તેવામાં સોશિયલ મીડિયાના વાયરસે બોગસ ખાતાનો ઢગલો કરી દીધો છે. જેના કારણે એક જ મહિનામાં વોટ્સએપના અધધધ 45 લાખ અને ટ્વીટરના 6 લાખ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.વોટ્સએપે ફેબ્રુઆરીમાં 45 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે જાન્યુઆરી મહિના કરતાં વધુ છે.
વોટ્સએપે જાન્યુઆરીમાં 29 લાખ, ડિસેમ્બરમાં 36 લાખ અને નવેમ્બરમાં 37 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. 1 થી 28 ફેબ્રુઆરીની વચ્ચે વોટ્સએપના રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરીમાં 45,97,400 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે યુઝરની સુરક્ષા અને મળેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.
ટ્વિટરે 6 લાખથી વધુ એવા એકાઉન્ટ પર પણ કાયમી પ્રતિબંધ લગાવી દીધો છે જે પ્લેટફોર્મ પર વલગર અને જાતીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી પોસ્ટ શેર કરી રહ્યા હતા. આ સાથે ટ્વિટરે પ્લેટફોર્મ પરથી આતંકવાદને પ્રોત્સાહન આપતા લગભગ 1,548 એકાઉન્ટને કાયમ માટે હટાવી દીધા છે. નોંધપાત્ર રીતે, આઇટી નિયમો હેઠળ, મોટા ડિજિટલ પ્લેટફોર્મ્સ માટે દર મહિને અનુપાલન અહેવાલો પ્રકાશિત કરવાનું ફરજિયાત છે. આ રિપોર્ટમાં કંપનીને મળેલી ફરિયાદો અને તેના પર લેવાયેલા પગલાંની વિગતો દર્શાવવાની હોય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે સોશિયલ મીડિયા કંપનીઓની ધિક્કારજનક ટિપ્પણીઓ, ભ્રામક સમાચાર, ખોટી માહિતી માટે ટીકા કરવામાં આવે છે. જે આ નિયમોની વિરુદ્ધ છે.