- દોઢ વર્ષમાં ઈ-વેઈટ સ્કેલમાં 73-27 લાખની ફી, જયારે વે બ્રીજમાં 20.87 લાખથી વધુની ફીની વસૂલાત
અબતક,રાજકોટ
ગ્રાહકોના હિતો જળવાઈ રહે અને તોલમાપમાં તેમને ઓછો માલ ન મળે, તે હેતુસર મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ વિભાગીય નિરીક્ષકો દ્વારા વર્ષ દરમિયાન જિલ્લામાં આવેલા વિવિધ વ્યાપારી એકમોના વાર્ષિક તેમજ દ્વિવાર્ષિક વજન-માપના સાધનોની ચકાસણી મુદ્રાંકનની કામગીરી કરવામાં આવે છે. આ સાથે ધી લીગલ મેટ્રોલોજી એંફોર્સમેન્ટ રૂલ્સ, 2011 મુજબ ચકાસણી મુદ્રાંકનની ફી વસૂલ કરવામાં આવે છે.
જિલ્લામાં આવેલા વ્યાપારી એકમોની ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-2009 અને નિયમો હેઠળ ઓચિંતી મુલાકાત લઈ કાયદા/નિયમોનાં ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને તેના ભંગ સબબ માંડવાળ ફી વસૂલ કરવામાં આવે છે.
જે અંતર્ગત રાજકોટ જિલ્લાના કાનૂની માપ વિજ્ઞાનના મદદનીશ નિયંત્રક દ્વારા વર્ષ 2021-22માં કુલ 17,493 ઈલેક્ટ્રોનિક વેઈટ સ્કેલની ઓચિંતી તપાસ કરીને 43.31 લાખ રૂપિયાની ચકાસણી મુદ્રાંકન ફી વસૂલવામાં આવી હતી. જ્યારે વર્ષ 2022ના એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 11,666 ઈલેક્ટ્રોનિક વેઈટ સ્કેલની તપાસ કરીને 29.95 લાખ રૂપિયા મુદ્રાંકન ફી વસૂલ કરવામાં આવી છે. આમ, છેલ્લા દોઢ વર્ષમાં 29,159 ઈ-વેઇટ સ્કેલ તપાસીને આશરે રૂ. 73.27 લાખની મુદ્રાંકન ફી વસૂલાઈ છે.
એટલું જ નહીં, રાજકોટ જિલ્લામાં વર્ષ 2021-22માં કુલ 614 વે બ્રીજમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી અને રૂ. 12.39 લાખ મુદ્રાંકન ફી જ્યા,રે વર્ષ 2022માં એપ્રિલથી ડીસેમ્બર સુધીમાં 425 વે બ્રીજમાં તપાસ કરીને 8.48 લાખ રૂપિયાની ચકાસણી મુદ્રાંકન ફી વસૂલવામાં આવી છે. કુલ મળીને 1039 વે બ્રીજની તપાસ કરીને આશરે રૂ.20.87 લાખની મુદ્રાંકન ફી વસૂલાઈ છે.