કોરોનાગ્રસ્ત વૃદ્ધા વિદેશ ન ગયા હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે સતર્કતાથી શરૂ કરી સમગ્ર વિસ્તારના લોકોની આરોગ્ય તપાસ
જાગનાથ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આરોગ્ય વિભાગ વધુ સતર્ક થઈને કાર્યરત થયું છે. આ સમગ્ર વિસ્તારમાં આરોગ્ય વિભાગે સઘન આરોગ્ય તપાસણી શરૂ કરી દીધી છે. ઉપરાંત ૧૦થી વધુ ઘરોને કવોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું મહાપાલિકાના આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે જણાવ્યું છે.
જાગનાથમાં રહેતા એક વૃદ્ધાને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા બાદ તેમના સેમ્પલ જામનગર મોકલાયા હતા જે ગઈકાલે પોઝીટીવ આવતા તુરંત આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. જો કે, આ વૃદ્ધા વિદેશ પ્રવાસે ન ગયા હોવા છતાં પણ તેઓનો રિપોર્ટ પોઝીટીવ આવતા હાલ કામગીરીનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં આજરોજ આરોગ્ય વિભાગની ટીમ જાગનાથ વિસ્તારમાં ઉતરી ગઈ હતી અને આ વિસ્તારમાં ૧૦થી વધુ ઘરોને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તમામ ઘરોની બહાર કવોરન્ટાઈનનુ સ્ટીકર લગાવવામાં આવ્યું છે. તેમજ આ ઘરમાં રહેતા લોકોના હાથમાં કવોરન્ટાઈનના સિક્કા લગાવવામાં આવ્યા છે. હાલ આરોગ્ય વિભાગ આ તમામ ઘરો ઉપર ચાપતી નજર રાખી રહ્યું છે. તમામ ઘરોમાં રહેતા લોકો ક્યાંય બહાર ન નીકળે તેની જવાબદારી પોલીસને સોંપવામાં આવી છે. સમયાંતરે આ લોકોનું આરોગ્ય ચેકિંગ કરીને ૧૪ દિવસ બાદ જો કોઈ કોરોનાના લક્ષણ નહીં દેખાય તો આ ઘરોને કવોરન્ટાઈન મુક્ત કરવામાં આવશે.