પેટ્રોલના ભાવમાં આજે 29 પૈસા અને ડીઝલના ભાવમાં 37 પૈસાનો તોતિંગ વધારો ઝીંકાયો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલના ભાવમાં સતત થઈ રહેલા ભાવ વધારાના કારણે છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એકધારો વધારો નોંધાઈ રહ્યો છે. ગત સપ્તાહે પેટ્રોલે સદી વટાવ્યા બાદ આજે ડીઝલના ભાવ પણ 100ને પાર થઈ ગયા છે. સતત વધી રહેલા ભાવના કારણે વાહન ચાલકોના બજેટ વેર-વિખેર થઈ ગયા છે અને મોંઘવારીએ પણ માજા મુકી છે.
છેલ્લા બે સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એકધારો ભાવ વધારો થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂા.105ની આસપાસ પહોંચી જવા પામ્યો છે. ડીઝલ પણ જાણે રતિભાર પાછુ હટવાની પેરવીમાં ન હોય તેવું લાગી રહ્યું છે. આજે રાજકોટમાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂા.100ને પાર થઈ ગયો હતો. આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 29 પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 37 પૈસાનો વધારો લાદવામાં આવ્યો છે. રાજકોટમાં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ રૂા.100.92 અને પ્રતિ લીટર ડીઝલનો ભાવ રૂા.100.15એ પહોંચી જવા પામ્યો છે. સતત ભાવ વધારાના કારણે વાહન ચાલકોનું બજેટ વેર-વિખેર થવા પામ્યું છે.
પેટ્રોલીયમ પેદાશોમાં ભાવ વધારાની સીઝન શરૂ થતાં મોંઘવારી પણ માજા મુકી છે. તહેવારના સમયમાં જ ભાવ વધારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. એકધારી કિંમતો વધી રહી છે. છતાં સરકાર દેશવાસીઓને ઈંધણની કિંમતમાં રાહત આપવાના મુડમાં ન હોય તેવું લાગી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલની એકસાઈઝ ડ્યુટી ઘટાડવામાં આવતી નથી. જેના કારણે લોકોને ભાવ વધારાથી રાહત મળતી નથી અને બીજી તરફ સરકારની તિજોરીમાં અબજો રૂપિયા ઠલવાઈ રહ્યાં છે.