• રેવન્યુ સર્વે નંબર 37 પૈકી 1/2ની 4.35 એકર જમીનનો ગોબરો વહીવટ : બિલ્ડર ગ્રુપનો ’લૂલો બચાવ’
  • ગોબરા વહીવટમાં પ્રેસ કોન્ફરન્સે ’છોગું’ ઉમેર્યું!!!

રંગીલું રાજકોટ હવે જમીન કૌભાંડનું એપિસેન્ટર બનતું જઈ રહ્યું છે. કમાઈ લેવાની લ્હાયમાં જમીનના કાચા વ્યવહાર કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ કાચા વ્યવહારમાં કાચું કપાઈ ગયા બાદ સામસામે આક્ષેપ – પ્રતિઆક્ષેપનો સિલસિલો શરૂ થતાં વહીવટ ગોબરો બની જતો હોય છે. ત્યારે શહેરમાં વધુ એક જમીનના કાચા વ્યવહારનો ગોબરો વહીવટ સામે આવ્યો છે. રાજકોટના રેવન્યુ સર્વે નંબર 37 પૈકી 1/2ની 4 એકર 35 ગુંઠા જમીનમાં કાચા સાટાખતના (રજીસ્ટર્ડ ન હોય તેવું) આધારે બિનખેતી કે માલિકીપણું મેળવ્યા વિના જ વેચાણ શરૂ કરી દેવામાં આવ્યાનું સામે આવ્યું છે. અધૂરામાં પૂરું હજુ બિનખેતી મંજુર થયું નથી તેમ છતાં પ્લોટનું વેચાણ અને રોડ રસ્તાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે તેવું અરજદારે સોગંદનામા પર જાહેર કરીને અદાલતમાં રજૂ પણ કરી દીધું છે અને ફક્ત એટલું જ નહિ બિલ્ડર ગ્રુપ દ્વારા પત્રકાર પરીષદ બોલાવીને તેમાં પણ સરાજાહેર એવુ સ્વીકારવામાં આવે કે બિનખેતી વિના જ પ્લોટનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું હતું ત્યારે સવાલ એવો છે કે, જો બિનખેતીનો હુકમ ન કરવામાં આવે અથવા તો કોઈ પણ અન્ય વિવાદ સર્જાય તો અંતે મરવાનુ તો રોકાણકારોએ જ ને?

સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો થોડા દિવસો પૂર્વે રાજકોટના બી-ડિવિઝન પોલીસ મથકમાં એક બિલ્ડરે તેની જમીન પરથી 3 શખ્સે સીસીટીવી કેમેરાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં 30 કરોડની જમીન કાચા વ્યવહારને લીધે ગોબરી થયાંનું સામે આવ્યું છે.

દિલીપભાઈ કરસનભાઈ મકવાણા નામના જમીન માલિકે કરેલી અરજીમાં આરોપી તરીકે સંજયભાઈ ઈશ્વરભાઈ ઘાટલિયા, રસિકભાઈ અરજણભાઈ ભલગામા, દિનેશભાઈ નાનાલાલ ચૌહાણ, મનસુખભાઈ શીવાભાઈ તલસાણીયા, હંસાબેન વિનોદભાઈ કોશિયા, પ્રફુલભાઈ હીરાભાઈ નડીયાપરા અને ગોવિંદભાઈ છગનભાઈ લાઠીયાનું નામ આપી આ સાતેય શખ્સોએ કીમતી જમીન પચાવી પાડવા ખોટા લખાણો ઉભા કરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ધાકધમકી અને ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયત્ન કર્યો હોય તેવા આક્ષેપ કર્યા છે.

જમીન માલિકે જણાવ્યું છે કે, શહેરના પૂર્વ વિભાગમાં સર્વે નંબર 37 પૈકી 1 તથા રેવન્યુ સર્વે નંબર 37 પૈકી 2ની કુલ 4 એકર 35 ગુઠાની જમીન વારસાઈ ધોરણે તેમને પ્રાપ્ત થયેલ છે. આ જમીન અત્યંત કિંમતી હોય આ કામના આરોપીઓએ જમીન પચાવી પાડવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું અને તેમની પાસેથી ઓછી રકમના લખાણો કરાવી કીમતી જમીન પચાવી પાડવા વિશ્વાસઘાત અને છેતરપિંડી આચાર્યો હતો. તેમણે જણાવ્યું છે કે, આ સાતેય શખ્સોએ ગત ત. 18-2-2022 ના રોજ લખાણ કરાવી રૂ. 1.50 કરોડ તા. 18-2-2023 ના રોજ રૂપિયા છ કરોડ ચૂકવવાનું વચન આપ્યું હતું પરંતુ રકમ ચૂકવી નહીં લખાણ કરાવી તેમાં સહી મેળવી લીધી છે. આ આરોપીઓએ તેમની પાસેથી અલગ અલગ લખાણ કરાવી જમીનની બજાર કિંમત રૂપિયા 25 કરોડથી વધુ હોવા છતાં ખેડૂતની અજ્ઞાનતાનો લાભ લઇ માત્ર રૂપિયા નવ કરોડમાં લખાવી લીધી હતી.

હવે બીજી બાજુ બિલ્ડર ગ્રુપના મનસુખભાઇ તલસાણીયા, સંજય ઘાટલીયા સહિતનાઓએ એક પત્રકાર પરીષદ બોલાવી હતી. જે પત્રકાર પરિષદમાં તેમને સામાવાળા માથાભારે શખ્સો તેમને અવાર નવાર ધાક ધમકી આપતાં હોય અને તેમનાથી જીવનુ જોખમ હોય તેવું જણાવ્યું હતું. તેમણે જમીન અંગે કહ્યું હતું કે, જમીન માલિક દિલીપ કરશન મકવાણાએ કુલ 6 ભાગીદારો લના નામે જમીનનું સાટાખત કરી દીધું હતું. આ સાટાખત રૂ. 9 કરોડમાં કરવામાં આવ્યું હતું. જે મુજબ જમીન બિનખેતી કરાવી, રોડ રસ્તા તૈયાર કરવા સહીતની જવાબદારી બિલ્ડર ગ્રુપની હતી પણ તે બાદ જમીન માલિકે આ જમીન અન્યને કુલમુખત્યારનામાના આધારે આપી દેતા માથાભારે શખ્સો અવાર નવાર સાઈટ ઓફિસે આવીને હેરાન પરેશાન કરતા હોય અને થિંદા દિવસો પૂર્વે જ માથાભારે શખ્સો સીસીટીવીની પણ લૂંટ ચલાવી ગયા હતા.

બિલ્ડર ગ્રુપે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દિલીપ મકવાણાએ સાટાખત કરી દેતા દોઢ -દોઢ કરોડના બે કટકા એટલે કે કુલ રૂ. 3 કરોડ ચેક મારફતે ચૂકવી દેવામાં આવ્યા હતા પણ જમીનની કિંમત વધતા માલિકે આ જમીન અન્યને વેંચી દેવા કારસ્તાન રચ્યું હોય તેમ અમુક માથાભારે શખ્સો જમીન પર આવીને દાદાગીરી કરી રહ્યા છે. હાલ આ આખો મામલો અદાલત સુધી પહોંચ્યો છે અને હાલ અદાલતે મામલામાં સ્ટે આપ્યાનું રજૂ કરવામાં આવ્યું છે. પણ જયારે બિલ્ડર લોબીએ આવા તથ્યો રજૂ કર્યા છે ત્યારે અનેક સવાલ ઉભા થયાં છે. બિલ્ડર ગ્રુપે કેવી રીતે માલિકી વિના જ વેચાણ શરૂ કરી દીધું? બિનખેતી વિના રોડ રસ્તાનું કામ કેવી રીતે શરૂ કરાયું? આ તમામ સવાલ મોટા કૌભાંડની હવાને તેજ કરી રહ્યા છે.

સાગઠીયાના નામે લે આઉટ વધુ એક વિવાદને વેગ વકરાવશે?

હવે એક બાજુ જમીનનું બિનખેતી હજુ સુધી થયું જ નથી પણ રોડ રસ્તાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું તેવું બિલ્ડર ગ્રુપે જણાવ્યું હતું. ત્યારે ’અબતક’ના પ્રતિનિધિ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે, બિનખેતી વિના રોડ રસ્તાનું કામ શરૂ કરી શકાય કે કેમ? ત્યારે બિલ્ડર ગ્રુપે એવી દલીલ કરી હતી કે, લે આઉટ પ્લાન મંજુર થઇ ગયું હોવાથી રોડ રસ્તાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. તો સો મણનો સવાલ એવો ઉભો થાય છે કે, બિનખેતીના હુકમ વિના લે આઉટ પ્લાન મંજુર જ કેવી રીતે થઇ શ્કે? આ પ્લાન જયારે મંજુર થયો ત્યારે મનપાના ટીપીઓ પદે ભ્રષ્ટ સાગઠીયા બિરાજતા હતા ત્યારે શું પૈસા લઈને આ પ્લાન મંજુર કરી દેવામાં આવ્યો હતો તે પણ હવે તપાસનો વિષય છે.

કાયદાની ઐસી કી તૈસી… બિનખેતી પૂર્વે જ રોડ રસ્તાનું કામ અને વેચાણ ચાલુ કરી દેવાયું!!!

કુવામાં ન હોય તો અવેડામાં ક્યાંથી આવે?

હવે જયારે રેવન્યુ સર્વે નંબર 37 પૈકી 1/2ની 4 એકર 35 ગુંઠા જમીનનો વહીવટ ગોબરો થયો છે ત્યારે આ પ્રકરણમાં મોટા સવાલ સામે આવ્યા છે. પત્રકાર પરિષદ બોલાવનાર બિલ્ડર ગ્રુપ પોતે સ્વીકારી રહ્યું છે કે, હજુ આ જમીનનું બિનખેતી થઇ શક્યું નથી. તેમણે સ્વીકાર્યું છે કે, જમીનમાં રોડ રસ્તાનું કામ ચાલુ છે તેમજ પ્લોટનું વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તો અહીં સવાલ એવો ઉદભવિત થાય છે કે, બિનખેતી થયાં પૂર્વે જ રોડ રસ્તાનું કામ કેવી રીતે ચાલુ કરી શકાય છે? અને જો બિનખેતી થયું જ નથી તો પ્લોટનું વેચાણ પણ કેવી રીતે કરી શકાય છે? સામાપક્ષે માથાભારે શખ્સો જમીન પચાવી પાડવા અને કૌભાંડ આચરવા ત્રાસ આપી રહ્યાની ફરિયાદ કરી રહ્યા છે પણ તેઓ શું પોતે દુધે ધોયેલા છે? તેવો સવાલ છે

પ્લોટ લેનારાઓ સાવધાન… કાગળિયા જોયા વિના આપેલી સુથી ગુમાવવી પડશે

રંગીલું રાજકોટ હવે જમીન કૌભાંડ માટે સમગ્ર ગુજરાતમાં ઓળખાવા લાગ્યું છે. જ્યાં માથાભારે અને વગદાર ભૂમાફિયાઓ કૌભાંડ આચરી પ્લોટનું વેચાણ કરી આર્થિક લાભ મેળવી લેતા હોય છે અને જયારે આ કૌભાંડ છતું થાય ત્યારે અંતે મરવાનો વારો તો રોકાણકારો કે પ્લોટધારકોનો જ આવે છે. ત્યારે હવે રાજકોટમાં એવુ જ પ્રકરણ સામે આવ્યું છે કે જેમાં બિનખેતી કરાવ્યા વિના કે પછી જમીનની માલિકી મેળવ્યા વિના જ વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું હતું ત્યારે રાજકોટમાં પ્લોટ લેનારા લોકોએ સુથી દેતા પૂર્વે તમામ કાગળોની ખરાઈ કરવી અત્યંત જરૂરી બની ગઈ છે.

દોઢ-દોઢ કરોડના બે પેમેન્ટ ચૂકવ્યા પણ કેવી રીતે ચૂકવ્યું તેનો કોઈ ઉલ્લેખ જ નહિ!!!

પત્રકાર પરીષદ બોલાવીને એવુ જોરોશોરોથી કહેવામાં આવ્યું હતું કે, દિલીપ મકવાણા પાસે 4 એકર 35 ગુંઠા જમીનનો સોદો રૂ. 9 કરોડમાં કરવામાં આવ્યો હતો અને તે સોદા પેટે દિલીપ મકવાણાએ કાચું સાટાખત કરી દેતા દોઢ-દોઢના બે કટકા એટલે કે કુલ રૂ. 3 કરોડનું ચુકવણું પણ કરી દેવામાં આવ્યું હતું પણ જમીન માલિકની દાઢ ડળકતા જમીન અન્યને વેંચી મારવા કારસ્તાન રચવામાં આવ્યું હતું. બે ઘડી આ તમામ વાતને નગ્ન સત્ય ગણી લેવામાં આવે તો હવે સવાલ એવો ઉદભવે છે કે, રૂ. 3 કરોડ ચૂકવી દેવાયા તો આ પેમેન્ટની ચુકવણી કેવી રીતે કરવામાં આવી હતી? જેનો જવાબ બિલ્ડરે એવો આપ્યો હતો કે, ચેકથી આ પેમેન્ટ કરવામાં આવ્યું હતું. જો ચેકથી પેમેન્ટ કરવામાં આવ્યું તો અદાલતમાં ચેકના નંબર, ચેક આપ્યાની તારીખ સહીતની કોઈ વિગતનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો નથી?

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.