બેદરકાર અધિકારીના ગેરવર્તન અંગે મામલતદારને આવેદન
નિકાવા પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીના નિકાવા સર્કલના જુનિયર ઈજનેરની ગેરવર્તણુક અને બેદરકાર વહિવટી કામગીરી વિરુઘ્ધ કાલાવડ તાલુકાના સરપંચોએ કાલાવડ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. કાલાવડ તાલુકાના નિકાવા ગામે પીજીવીસીએલની કચેરી નીચે તાલુકાના ૩૬ ગામો આવ્યા છે જેમાં ૧૫ ગામોના સરપંચ આગેવાનો દ્વારા નિકાવા પીજીવીસીએલના જુનિયર ઈજનેર મિલાપ ગીરધરભાઈ વાદીની વારંવાર ગેરવર્તણુક અને બેદરકાર વહિવટી કામગીરી અંગે રોષ વ્યકત કર્યો છે.
કાલાવડ તાલુકાના સરપંચોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે, પીજીવીસીએલ નિકાવા સર્કલ નીચે આવતા ગામડાઓમાં છેલ્લા ઘણા સમયથી ખેતીવાડી વિસ્તારમાં વિજળીના ધાંધીયા પ્રવર્તે છે. સરપંચો દ્વારા નિકાવા સર્કલ કચેરી ખાતે ફોન અથવા રૂબરૂ ફરિયાદ કરવામાં આવે ત્યારે ખેતીવાડી વિભાગમાં વીજ પુરવઠા વિતરણની જવાબદારી સંભાળતા મિલાપવાદી નામના જવાબદાર અધિકારી સરપંચો સાથે ગેરવર્તણુક કરે છે તેમજ મરજી પડે તેમ કરીશું તેવા સરપંચોને થાય તે કરી લેવું તેવા જવાબો આપવામાં આવે છે. ગામડાઓમાં ખાસ કરીને વાડી વિસ્તારમાં જયારે કોઈ વીજ ફોલ્ટ થાય ત્યારે સરપંચો દ્વારા તાત્કાલિક વીજફોલ્ટ રીપેરીંગ કરવાની રજુઆત કરવામાં આવે છે ત્યારે તમારે અત્યારે ચોમાસામાં પાવરની શું જરૂર છે ? એવો ઉડાવ જવાબ આપી કામમાં બેદરકારી રાખવામાં આવે છે.
વાડી વિસ્તારમાં લાઈન તપાસવા આવે ત્યારે ખેડુતો ભેગા થઈને રજુઆત કરવા જાય ત્યારે ખેડુતો સાથે ગાળા-ગાળી કરી ખોટી રીતે ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપે છે. પોલીસમાં ખોટી ફરિયાદો નોંધાવી ગામડાના અભણ અને ગરીબ ખેડુતોને ખોટી રીતે ફસાવી દેવાના પ્રયત્નો કરે છે. તેવી રાવ ઉઠી છે. સરપંચોએ સરકારને આ રજુઆતને ધ્યાને લઈ ગામડાઓના ખેડુતોને યોગ્ય ન્યાય અપાવવા અને બેજવાબદાર અધિકારીના તત્પરમાંથી મુકત કરાવવા માંગ કરી છે.