- સરકારી જમીન ખાલી કરવાની નોટિસ મળતા
- મૃતકના પરિવારજનોને સહાય અને જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માંગ સ્વીકાર્યા બાદ મૃતદેહ સ્વીકારશે : સિવિલ હોસ્પિટલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
જસદણના ભાડલામાં તળાવના કાંઠે આવેલી સરકારી જમીન ખાલી કરવા તંત્રએ નોટિસ ફટકારતા આધેડે આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારે સરકારી તંત્ર સામે કેટલાક આક્ષેપો કરી વિવિધ માંગણીઓ સાથે લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા હોસ્પિટલના પીએમ રૂમે ટોળા એકઠાં થયા હતા. બનાવના પગલે ભાડલા પોલીસ દોડી ગઈ હતી.
પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ભડાલા ગામે રહેતા રામજીભાઈ ભલાભાઈ વાઘેલા નામના 55 વર્ષીય આધેડે ગત તા.30ના રોજ સરિતા વિહાર તળાવ કાંઠે આવેલી વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રથમ જસદણ બાદ ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ગત રાત્રે દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરતા પોલીસએ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકે પાંચ ભાઈ બે બહેનમાં ત્રીજા નંબરે હતા. અને સંતાનમાં બે દીકરા બે દીકરી છે. પરિવારજનોએ હોસ્પિટલના પીએમ રૂમએ લાશ સ્વિકારવાનો ઇન્કાર કરી હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, તળાવના કાંઠે આવેલી પાંચ એકર જમીન 40 વર્ષથી વાવણી કરીએ છીએ. જમીન ખાલી કરાવવા માટે જસદણના સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ અનેક વખત આવી અને પૈસાની માંગણી કરી હતી અને જો પૈસા નહીં આપો તો જમીન ખાલી કરવી પડશે તેવી ધમકી પણ આપી હતી. તળાવમથી કાપ કાઢી ખેતરમાં નાખતા હતા ત્યારે પણ અધિકારીઓ આવી તેમ મંજૂરી વગર કાપ કાઢો ચો કહી ધમકાવતા હતા.
જમીન ખાલી કરાવે તો આખો પરિવાર ક્યાં જઈએ કહી વળતર આપવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની સહિતની કેટ્લીક માંગણીઓ કરી હતી.