તાત્કાલિક ૧૦ કોચ જોડવાની મુસાફરોની પ્રબળ માંગ

સોરઠમાંથી મુંબઇ સુધીની કોઈ ખાસ ટ્રેન નથી, પરંતુ સૌરાષ્ટ્ર મેલમાં જોડવામાં આવતા ૧૦ કોચ પણ રદ કરવામાં આવતા, ફરી એક વખત રેલવે તંત્ર સોરઠ સાથે ઓરમાયું વર્તન રાખતા સમગ્ર સોરઠમાં રેલવે તંત્ર સામે નારાજગી પ્રવર્તી છે.

આવતીકાલ તા. ૧૬ થી સૌરાષ્ટ્ર મેલ શરૂ થવાનો છે અને આ મલમાં વેરાવળ થી મુંબઇ સુધીના ૧૦ કોચ જોડવામાં આવતા હતા. જે ૧૬ તારીખથી જોડવામાં નહીં આવે તેવું રેલવે તંત્ર દ્વારા જાહેર કરાતા, સોરઠ પંથકમાં રેલવે તંત્ર સામે અન્યાય કરાયા હોવાના આક્ષેપો અને નારાજગી પ્રવર્તી છે.એક તરફ સરકાર પ્રવાસન ક્ષેત્રને વેગ મળે તે માટે અનેક પ્રયત્નો કરી રહી છે, ત્યારે બીજી બાજુ રેલવે તંત્ર દ્વારા વારંવાર સોરઠને અન્યાય કરવામાં આવે છે. અહીં વર્ષે દહાડે દેશ-વિદેશના લાખો યાત્રિકો પવિત્ર, ધાર્મિક અને ઐતિહાસિક જુનાગઢ, ડાલામથ્થા નો દેશ એવા સાસણ, પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ સહિતના ધાર્મિક, ફરવાલાયક સ્થળોની મુલાકાત લેવા આવે છે, ત્યારે તેમને જોઈતી લાંબા અંતરની ટ્રેન સુવિધા રેલવે તંત્ર દ્વારા ન અપાતા, ફરી એક વખત રેલવે તંત્રએ સોરઠ સાથે ઓરમાયું વર્તન દાખવતા નારાજગી પ્રસરી છે અને સૌરાષ્ટ્ર મેલમાં જે ૧૦ કોચ જોડવામાં આવે છે તે ફરી જોડવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.